રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા ગાંધીનગર ફાયરબ્રિગેડના અધિકારી પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદ : ગાંધીનગરના રીજનલ ફાયરઓફિસર મહેશ મોડને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા રૂપિયા પાંચ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા છે.ફરિયાદી પાસેથી ફાયરનો પ્રિ પ્લાન પાસ કરાવવાના બદલામાં મહેશ મોડે લાંચની માંગણી કરી હતી.

જેના આધારે ગાંધીનગરની ફાયરબ્રિગેડની ઓફિસમાં જ એસીબીએ છટકુ ગોઠવ્યુ હતું. મહેશ મોડ વતી તેમનો સાળો પણ મધ્યસ્થી કરતો હતો અને તેણે મહેશ મોઢ વતી લાંચની રકમ સ્વીકારી હતી. ત્યારે એસીબીના દરોડાથી સમગ્ર ગાંધીનગરમાં ચર્ચા જોવા મળી રહી છે.

એક ફરિયાદીએ ગાંધીનગર એસીબીમાં ફરિયાદ કરી હતી કે, ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે આવેલા રેવા બિલ્ડીંગ અને રાયસણ ખાતે આવેલા અંતરિક્ષ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીનું કામ કામકાજ કરવા માટે ફાયરનું પ્રિ એનઓસી આપવાના બદલામાં ગાંધીનગર ફાયર બ્રિગેડને રીજનલ ફાયર ઓફિસર મહેશ મોડ દ્વારા રૂપિયા પાંચ લાખની લાંચ માંગવામાં આવી રહી છે.

જેને આધારે એસીબીએ ગાંધીનગર સેક્ટર-17માં આવેલી ફાયરબ્રિગેડની તેમની ઓફિસમાં જ છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં મહેશ મોઢે રૂપિયા પાંચ લાખની રકમ તેના સાળા કમલદાન ગઢવીને આપવા માટે સુચના આપી હતી..

મહેશ મોડના સાળા કમલદાન ગઢવીએ મધ્યસ્થી તરીકે કામ કર્યું હતું અને એસીબીએ તેમની પણ ધરપકડ કરી છે. ગાંઘીનગર એસીબીની આ ટ્રેપના પગલે સમગ્ર ગાંધીનગરમાં ભારે ચર્ચા જોવા મળી હતી. ખાસ કરીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુડા તેમજ સચિવાલયમાં આ બાબતની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. જ્યારે ફાયર બ્રિગેડની કચેરીમાં સોંપો પડી ગયો હતો.

મહેશ મોડની ધરપકડ બાદ એસીબી હવે તેમના તમામ બેંક એકાઉન્ટ, મિલકતો અને અન્ય બાબતોની ચકાસણી કરશે. આ માટે આસીસટન્ટ ડાયરેક્ટર સ્તરના અધિકારીના સુપરવિઝનમાં સમગ્ર કેસની તપાસ કરવામાં આવશે. આ સાથે મહેશ મોડના સાળાના બેંક એકાઉન્ટ અને મોબાઇલ ફોનને પણ જપ્ત કરવામાં આવ્યો છે. જેના ડેટાને આધારે તપાસ કરવામાં આવશે.