ગૌ માતાનું નિધન થતાં લોકોની આંખોમાંથી અશ્રુધારાઓ વહી, વાજતે ગાજતે સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના ગંજીવાડા રોડ પાસે આવેલ લક્ષ્મી ગીર ગૌશાળામાં કુંઢી ગાયનું મૃત્યુ થતા સંચાલકો દ્વારા પરિવારના સદસ્યની જેમ સ્મશાન યાત્રા કાઢી નાગડકા રોડ પર સમાધિ આપવામાં આવી હતી. આ તકે ગૌસેવાકોની આંખોમાંથી અશ્રુધારાઓ વહી હતી.

ગોંડલમાં આવેલી આ લક્ષ્મી ગીર ગૌશાળાનું સંચાલન જીગ્નેશભાઈ રૈયાણી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ગૌશાળાની લાડકી એવી કુંઢી ગાયના મૃત્યુ બાદ ગૌ શાળાના સંચાલકોએ કુંઢી ગાયને સોળે શણગારથી સજાવી વાજતે ગાજતે સ્મશાનયાત્રા કાઢી નાગડકા રોડ પર આવેલ અન્ય ગૌશાળાની જગ્યામાં સમાધિ આપવામાં આવી હતી.

આ દરમિયાન ગૌશાળા સંચાલક જીગ્નેશ રૈયાણીએ જણાવ્યું હતું કે કુંઢી ગાય માત્ર ગૌશાળાની જ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતનાં પશુપાલકોની લાડકી હતી. તરણેતરના મેળાની હરીફાઈ હોય કે દૂધ હરીફાઈ કુંઢી ગાયએ હંમેશા ઇનામો મેળવ્યા છે.

કુંઢી સંતાનના સાત બચ્ચાઓ પણ ઉચ્ચ કોટિના મનાઈ રહ્યા છે. જેમાં વાછડો લાલો બ્રિડ માટે ગુજરાતમાં અગ્રીમ સ્થાન ધરાવે છે.

કુંઢી ગાયના મૃત્યુથી ગૌશાળાએ એક પરિવારજન ગુમાવ્યા હોય તેવી દુઃખની લાગણી અનુભવું છું.