ગીર ગાય ગર્ભ ધારણ વગર બે ટાઈમ દૂધ આપતા આશ્ચર્ય, દૂધ ફક્ત શિવજીને ચડાવવામાં આવે છે

જૂનાગઢના ભેંસાણમાં એક એવી ઘટના સામે આવી છે કે જેણે કુદરતને પણ ચેલેન્જ કરી છે. એક ગીર ગાય ગર્ભ ધારણ કર્યા વિના બે સમય દૂધ આપે છે. અવ્ય કામાક્ષી ગાય પ્રકારની આ ગાયને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત છે અને તેઓ તેના દર્શન માટે ઉમટી રહ્યા છે.

આ ચમત્કારી ઘટના સામે આવી છે જૂનાગઢના ભેંસાણ તાલુકાના બરવાળા ગામે. જ્યાં ગામના એક ખેડૂત પાસે રહેલી ગાય ગર્ભ ધારણ કર્યા વગર બે ટાઈમ દૂધ આપી રહી છે. ખેડૂત રમેશ આહીરે પોતાની 12 વીઘા જમીનમાં ગાયનો તબેલો બનાવ્યો છે. જેમાં નાની-મોટી મળી લગભગ 12થી 14 ગીર ગાય રાખવામાં આવી છે. એમાંની એક ગીર ગાય છે, જેની ઉંમર 2.25 વર્ષની છે અને તે ગર્ભ ધારણ કર્યા વગર બે ટાઈમ દૂધ આપે છે.

વાછરડીનું ગર્ભધારણ કર્યા વગર બે ટાઈમ દૂધ આપી રહી છે, ત્યારે ખેડૂત રમેશ આહીરને સંકોચ થતા આ ગાયને ત્રણ વેટનરી ડોક્ટર પાસે તપાસ માટે લઈ જવાતા ડોક્ટર પણ અચંબામાં મુકાયા હતા. તેમના દાવા પ્રમાણે લાખો ગાયની સંખ્યામાં આવી એક જ ગાય ગર્ભ ધારણ કર્યા વગર દૂધ આપે તે એક કુદરતી કમાલ જ કહેવાય.

જોકે, નિષ્ણાતોનું માનીએ તો, આ ગાય કામરું દેશની અવ્ય કામાક્ષી હોવાનું જણાય છે. આ પ્રકારની ગાય દેવી-દેવતાઓની પ્રિય ગાય હોવાનું પણ માનવામાં આવે છે. આ ગાયનું દૂધ શિવજીને અર્પણ કરવામાં આવે છે. તો સાથે જ આ ગાયનું દૂધ ફક્ત દેવતાઓ જ આરોગી શકે તેવું પણ સંતો કહી ગયા છે.

હાલ તો કળિયુગમાં આ ગાયના દર્શન દુર્લભ હોવાથી સાધુ-સંતો તેમજ લોકોમાં આ ગાયના દર્શન કરવાથી સર્વ પાપનો નાશ થતો હોવાની પણ માન્યતા ઉભી થઈ છે. જેને કારણે આ ગાયના દર્શન કરવા માટે આસપાસના લોકો તેમજ અનેક સાધુ સંતો આવી પહોંચ્યા હતા.