ગુજરાતના IPSએ ટ્વિન્સને આપ્યો જન્મ, એક સમયે મહિલા અધિકારી ચરાવતા હતા ભેંસો

ગુજરાતના બાહોશ મહિલા આઈપીએસ અધિકારી સરોજ કુમારીના ઘરે ખુશી મનાવવાનો બેવડો મોકો આવ્યો છે. સરોજ કુમારીએ એક સાથે બે જુડવા બાળકોને જન્મ આપ્યો છે. જેમાં એક દીકરો અને એક દીકરી છે. આ અંગેની જાણકારી ખુદ સરોજ કુમારીએ પોતાના ફેસબૂક એકાઉન્ટ પર શેર કરી હતી. સરોજ કુમારી હાલ સુરતમાં ડીસીપી પદ પર સેવા આપી રહ્યા છે. એક સમયે માતાપિતા સાથે ખેતરમાં પરસેવો પાડતા અને ગાય ભેંસો ચરાવતા સરોજ કુમારી લાખો મહિલાઓ માટે પ્રેરણારૂપ છે.

ગુજરાતના મહિલા આઈપીએસ અધિકારી સરોજ કુમારીએ પોતાના નવજાત બાળકોનો ફોટો શેર કરીને લખ્યું- ભગવાનના આશીર્વાદ સ્વરૂપે દીકરો-દીકરી આપ્યા છે. સરોજ કુમારી દ્વારા શેર કરવામાં આવેલી પોતાના પહેલા સંતાનની આ તસવીરો
ઝડપથી વાઈરલ થઈ રહી છે. અનેક લોકો તેમને શુભચ્છા પાઠવી રહ્યા છે.

ગ્રામીણ મહિલાઓના પોશાકમાં જોવા મળ્યા
ગુજરાત પોલીસમાં પોતાની સેવા આપી રહેલા આઈપીએસ અધિકારી મૂળ રાજસ્થાનના છે. સરોજ કુમારીના ઘરે હાલ ખુશીનો માહોલ છે. સામાન્ય રીતે વર્દીમાં જોવા મળતા આઈપીએસ અધિકારી બાળકોના જન્મ પ્રસંગે ગામડાને ભૂલ્યા નહોતા. સરોજ કુમારીએ બાળકોને જન્મ આપ્યા પછી પોતાના પારંપરિક ગ્રામીણ મહિલાઓના પોશાક લહેંગા અને ચૂનરીમાં જોવા મળ્યા હતા.

બે મહિના પહેલા આપ્યો હતો ટ્વિન્સને જન્મ
આઈપીએસ અધિકારી સરોજ કુમારીના રાજસ્થાનમાં રહેતા ભાઈ અને ભૂતપૂર્વ સરપંચ રણધીરસિંહ બુડાનિયાએ જણાવ્યું હતું કે તેમના બહેન ગામના પહેલા મહિલા આઈપીએસ અધિકારી છે. આ બંને બાળકોનો જન્મ અંદાજે બે મહિના પહેલા થયો હતો. તેઓના સ્વાસ્થ્યના કારણોસર હોસ્પિટલમાં દાખલ હતા. તેમને ચાર-પાંચ દિવસ પહેલાં જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ડૉક્ટર મનીષ સૈની સાથે થયા છે લગ્ન
નોંધનીય છે કે આઈપીએસ સરોજ કુમારીના લગ્ન દિલ્હીના ફેમસ ડૉક્ટર મનીષ સૈની સાથે થયા છે. ડૉ મનીષ સૈની અને આઈપીએસ સરોજ કુમારીએ વર્ષ 2019ના જૂન મહિનામાં લગ્ન કર્યા હતા. સરોજ કુમારીના પતિ ડૉક્ટર મનીષ સૈનીએ પણ પોતાના નવજાત બાળકોની તસવીરો શેર કરી છે.

રાજસ્થાનના રણવિસ્તારના ખોબા જેવડા ગામના વતની
મૂળ રાજસ્થાનના ઝુંઝનુ જિલ્લાના રણવિસ્તારમાં આવેલા ખોબા જેવડા બુડાનીયા ગામના વતની 2011ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ સરોજકુમારી સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે નાયબ પોલીસ કમિશનર (વહીવટ અને મુખ્યમથક) તરીકે ફરજ બજાવી રહ્યા છે. સરોજકુમારીએ બાહોશ પોલીસ અધિકારી તરીકે ફરજની સાથો સાથ સામાજિક કાર્યો માટે પણ નામના મેળવી છે.

સરોજ કુમારી એક સમયે ગાયો-ભેંસો ચરાવતા હતા
સરોજ કુમારીનું બાળપણ ખૂબ સંઘર્ષમાં વિત્યું હતું. વહેલી સવારે ચાર વાગ્યે ઉઠીને માતાને ગાય-ભેંસ અને બકરીઓ દોહવામાં મદદ કરતા હતા. ગોબર ઉઠાવતા, ચારો કાપતા. શાળાએથી આવ્યા બાદ પણ પશુઓ માટે ખેતરે ચારો લેવા જતા હતા. સરોજ કુમારીએ મીડિયામાં વાતચીતમાં જણાવ્યું હતું કે મારા માતા-પિતાએ તેમના સંઘર્ષમાં અમને એટલા ભાગીદાર બનાવ્યા હતા કે હવે આવતી કોઈ પણ મુશ્કેલી મને ખુબ નાની લાગે છે.

સરકારી સ્કૂલમાં ભણ્યા છે સરોજ કુમારી
આઈપીએસ સરોજ કુમારીનું બાળપણ સંઘર્ષમાં પસાર થયું હતું. તેઓ એ લોકો માટે મિશાલ છે જેઓ વિચારે છે કે સરકારી સ્કૂલમાં ભણીને કંઈ બની શકાય નહીં. સરોજ કુમારીએ પોતાની શરૂઆતનુ ભણતર રાજસ્થાનના બુડાનિયાની સરકારી સ્કૂલમાંથી લીધું હતું. તેઓ વર્ષ 2011 બેંચના આઈપીએસ અધિકારી છે. તેઓ એક માત્ર આઈપીએસ અધિકારી છે જે માઉન્ટ એવરેસ્ટ સર કરવાના મિશનમાં સામેલ હતા.

લોકડાઉનમાં જાતે રસોઈ બનાવી જરૂરિયાતમંદો વહેંચી
સરોજ કુમારીએ વડોદરામાં તત્કાલિન નાયબ પોલીસ કમિશનરની ફરજ દરમિયાન લોકડાઉનમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં સરાહનીય કામગીરી કરી હતી. શ્રમજીવી, ગરીબો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, ફૂટપાથ પર તેમજ બ્રિજ નીચે મળી આવતા લોકો ભૂખ્યા ન રહે એ માટે ‘પોલીસ કિચન’ શરૂ કરી પોલીસ ટીમની મદદથી તેમણે રાતદિવસ ભોજન પૂરૂ પાડ્યું હતું. ‘કમ્યુનિટી પોલિસીંગ’ દ્વારા કોરોના કટોકટીમાં લોકો માટે સતત કાર્યરત રહ્યાં હતાં.

સરોજ કુમારીને યુવાનોને શીખ: સપના ક્યારેય નાના ન જુઓ
સરોજ કુમારી યુવાનોને શીખ આપતા જણાવે છે કે, મનોબળ એ એવી ચીજ છે જે અશક્યને પણ શક્યમાં બદલી શકે છે. લક્ષ્યને પામવા મક્કમ મનોબળ હોય તો ગરીબી અને આર્થિક સ્થિતિ ક્યારેય અંતરાય બનતી નથી. ઘણાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગરીબ વિદ્યાર્થીઓ મને મળે છે ત્યારે એમની ફરિયાદ હોય છે કે પૈસાના અભાવે અભ્યાસ કરવામાં મુશ્કેલી પડે છે. ત્યારે હું હંમેશા એમને સમજાવું છું કે આઈ.પી.એસ.,આઈ.એ.એસ. તેમજ રાજ્યની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગરીબ પરિવાર અને ગામડાંની પૃષ્ઠભૂમિ ધરાવતા યુવાનો મોટી સંખ્યામાં ઉત્તીર્ણ થાય છે. યુવાનો તેમજ ખાસ કરીને બહેનોને એક જ સંદેશ આપીશ કે સપના ક્યારેય નાના ન જુઓ. સખ્ત મહેનતથી હસ્તરેખાઓ પણ બદલી શકાય છે. ધ્યેય નક્કી કરી એ દિશામાં ઝનૂનપૂર્વક આગળ વધો. તમારી મહેનત જોઈને પરિવારજનો પણ આગળ વધવામાં જરૂર સહકાર આપશે.

કિરણ બેદી જેવા બનવા માગતા હતા
યુપીએસસીની તૈયારી અંગે તેમણે ભૂતકાળમાં મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે દેશના પ્રથમ મહિલા આઈપીએસ. કિરણ બેદીના જીવનમાંથી પ્રેરણા લઈ હું હંમેશા તેમના જેવી બનવા ઇચ્છતી હતી. કોલેજના ‘યુથ ડેવલપમેન્ટ સેન્ટર’ની પ્રેરણાથી લેક્ચરરની નોકરી સાથે યુપીએસસી.ની તૈયારી શરૂ કરી.

15 દિવસ પછી તો ખબર પડી કે યુપીએસની પ્રિલીમીનરી પાસ કરી છે
તેમણે જણાવ્યું હતું કે મારા પ્રથમ પગારમાંથી યુપીએસસીના વાંચન માટે પુસ્તકો ખરીદ્યા. ત્યાં સુધી હું કોલેજની લાયબ્રેરીના પુસ્તકોમાંથી જ વાંચન કરતી હતી. પ્રિલીમીનરી પરીક્ષા આપવા પ્રથમવાર દિલ્હી ગઈ અને જ્યારે પરિણામ આવ્યું ત્યારે હું ગામડે હતી, પરંતુ અંતરિયાળ ગામ હોવાથી 15 દિન બાદ મને ખબર પડી હતી કે હું પ્રિલીમીનરી કસોટીમાં પાસ થઈ છું.