10 મહિના પહેલાં પુત્ર પર વિજળી પડી હતી, હવે પિતા પર પડી, પરિવાર પર તૂટી પડ્યું આભ

કચ્છમાં એક ખૂબ જ શોકિંગ બનાવ સામે આવ્યો છે. બનાવની વિગત વાંચીને લોકો કહી રહ્યા છે કે ભગવાન આટલો બધો નિષ્ઠુર કેમ બની જતો હશે. એક માલધારી પરિવારના પિતા-પુત્રના વિજળી પડવાથી મોત નિપજ્યા છે. બન્નીમાં ઘેટાં-બકરા ચરાવતી વેળાએ 10 મહિના પહેલાં પુત્રનું વિજળી પડવાથી મોત નિપજ્યું હતું. પરિવાર આમાંથી બહાર નહોતો આવ્યો કે વધુ એક આઘાત આવ્યો છે. પુત્રના 10 મહિના બાદ હવે પિતાનું પણ વિજળી પડવાથી મોત થયું છે.

બન્ની વિસ્તાર તેના ઘાસચારા માટે ફેમસ છે. અહીં પશુઓનું ચરીયાણ સારું હોવાથી કકરવા ગામના સાજણ રબારીનો 17 વર્ષનો પુત્ર મશરૂ રબારી ઢોર-ઢાંખર લઇ બન્ની વિસ્તારમાં ગયો હતો. અહીં વિજળી વેરણ બની હતી અને તેનું મોત નિપજ્યું હતું.

આ આઘાતમાંથી પરિવાર બહાર નહોતો આવ્યો કે ખુદ સાજણ રબારીને કાળ ભરખી ગયો હતો. પુત્રના મોતના 10 મહિના બાદ 55 વર્ષીય સાજણ રબારી પોતોના ઢોર લઈને ચરાવવા બન્ની વિસ્તારમાં ગયા હતા. અહીં વિજળી પડતાં તેમનું મોત થયું હતું.

આમ પિતા-પુત્રનો વિજળીના કરંટના કારણે મોત થતા કચ્છમાં અરેરાટી ફેલાઇ હતી. નોંધનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી વિજળી પડવાના બનાવો વધી રહ્યા છે. આ સિઝનમાં અનેક લોકો આ કારણે મોતને ભેંટ્યા છે.