મારા જીવનમાં ભગવાન આવ્યા:દુલ્હન, ઉંમર કરતાં મનની સુંદરતા વધુ મહત્વની:વરરાજા

કહેવાય છે કે પ્રેમને કોઈ બાંધછોડ નથી હોતી. પ્રેમને સરહદ કે ઉંમરની રેખા નડતી નથી. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અહીં 36 વર્ષનો એક કુંવારો યુવક છૂટાછેડા લીધેલી 52 વર્ષની મહિલા સાથે લગ્નગ્રંથીથી જોડાયો હતો. લોકો આ યુગલને સુખી લગ્ન જીવન માટે દીલથી આશીર્વાદ આપી રહ્યા છે.

અમદાવાદમાં અનુબંધ ફાઉન્ડેશનના સહયોગથી 36 વર્ષના કુંવારા યુવક ભાવિન રાવલે છૂટાછેડા લીધેલી 52 વર્ષની મહિલા મમતા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. વર-વધૂ વચ્ચે 16 વર્ષનો તફાવત છે. અનુબંધ ફાઉન્ડેશને યોજેલા એક સેમિનારમાં બંનેની મુલાકાત થઈ હતી.

મહિલાએ કહ્યું હતું કે મારી અને યુવક વચ્ચે વાતચીત યોજાઈ હતી. જેમાં 36 વર્ષના યુવકનો સ્વભાવ અને રહેણીકરણી સમાન લાગતા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. અમારી વચ્ચે ઉંમરનો ભલે મોટો તફાવત છે. પણ લાગણીને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી.

કન્યાએ વધુમાં જણાવ્યું હુતં કે મારે પહેલાના પતિ સાથે મનમેળ ન બેસતાં 12 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી હું 81 વર્ષના માતા-પિતા સાથે 20 વર્ષ રહી હતી અને મેં તેમની સેવા કરી હતી.

કન્યા મમતા ભટ્ટે કહ્યું હતું કે મારા પહેલાં 12 વર્ષના લગ્નજીવનમાં મેં માત્ર ત્રાસ સહન કર્યો હતો. પણ હવે મને સાચો જીવનસાથી મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ઈશ્વર ખુદ નથી આવતા, પરંતુ કોઈકને નિમિત્ત બનાવીને મોકલે છે. મારા જીવનમાં ભાવિન એવી જ રીતે આવ્યા હોય તેમ લાગે છે.

બીજી તરફ 36 વર્ષના વરરાજા ભાવિન રાવલે કહ્યું હતું કે મારી પત્ની ભલે મારી કરતાં ઉંમરમાં મોટી હોય, પણ અમારા વિચારો, સ્વભાવ અને લાગણી મળતા આવે છે. જોડી ઈશ્વર ઉપરથી નક્કી કરીને મોકલે છે. ઉંમર કરતાં મનની સુંદરતા વધુ મહત્વની છે. પત્નીને મોટી ઉંમરના કારણે પરિવારને પણ સમજાવવા પડ્યા હતા. અમે 2 મહિના સુધી વાતચીત બાદ આગળનું જીવન સાથે વિતાવવાનું નક્કી કર્યું છે.