અમદાવાદના ફેમસ મહિલા ડૉક્ટર મિતાલી વસાવડા આપમાં જોડાયા

ગુજરાતના રાજકારણમાં એક પછી એક નવા સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર દોઢ વર્ષ બાકી રહ્યું છે જોકે હાલ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાતમાં ચૂંટણી વહેલા આવશે તેવી અફવાએ જોર પકડ્યું છે ત્યારે ગુજરાતમાં મોટી પાર્ટીઓએ પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો હોય તેવું લાગી રહ્યું છે. એવામાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી બે જાણીતા ચહેરાની એન્ટ્રી થઈ છે. ડો. મિતાલી વસાવડા અને અમિતભાઈ વસાવડા આપમાં જોડાયા હતાં. આ સમાચાર વાયુવેગે સોશિયલ મીડિયામાં પ્રસરી જતાં સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આમ આદમી પાર્ટી ગુજરાતમાં બે નવા ચહેરાની એન્ટ્રી થઈ છે જેમાં ડો. મિતાલી વસાવડા અને અમિતભાઈ વસાવડા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઈટાલિયા અને પ્રદેશ સહપ્રભારી શિવકુમાર ઉપાધ્યાયની હાજરીમાં વિધિવત રીતે ડો. મિતાલી અને અમિત વસાવડાએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો. ત્યાર બાદ તેમનો પાર્ટીમાં સત્તાવાર રીતે સમાવેશ કરાવવામાં આવ્યો હતો.

રવિવારે આમ આદમી પાર્ટી પ્રદેશ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત આપના અધ્યક્ષ ગોપાલભાઈ ઈટાલિયા તથા પ્રદેશ સહપ્રભારી શિવકુમાર ઉપાધ્યાય દ્વારા ગુજરાતના જાણીતા પ્રતિષ્ઠિત વ્યક્તિ વિશેષને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવ્યા હતા.

સામાજિક કાર્યકર, મહિલા એક્ટિવિસ્ટ અને મહિલા સ્વાસ્થ્ય જાગૃતિ અંગે સતત સક્રિય એવા ડો. મિતાલી વસાવડા અરવિંદ કેજરીવાલજીની શિક્ષિત રાજનીતિથી પ્રેરિત થઈને આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતાં. સૌ શિક્ષિત વ્યક્તિઓ અને પ્રોફેશનલ્સ પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈને ગુજરાતમાં પરિવર્તનની લડાઈમાં પોતાની યોગદાન આપી રહ્યા છે તેવું આમ આદમી પાર્ટીનું કહેવું છે.

ડો. મિતાલી વસાવડા એક કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપીક સર્જન છે. આ ઉપરાંત તેઓ એક સમાજસેવી પણ છે. તેમણે યુકેથી અનુસ્નાતકની ડિગ્રી લઈને હાલમાં અમદાવાદ ખાતે સમાજસેવાલક્ષી કાર્યો કર્યા હતા. તેમજ અમિતભાઇ વસાવડા સ્પીપા તથા એ.એમ.એ., ઈ. ડી.આઈ. જેવી પ્રભાવશાળી સંસ્થા જોડાયેલા રહ્યા છે. ગુડ ગવર્નન્સ સ્પીકર, આઈ.એ.એસ. આઈ.પી.એસ. ટ્રેનર, સ્પીકર તથા લેખક અમિતભાઈ હાઈ ટેક એગ્રીકલ્ચર કન્સલ્ટન્ટ છે. તેમણે દેશ વિદેશમાં કન્સલ્ટન્ટ તરીકે તથા સરકારી ક્ષેત્રે સિનિયર કન્સલ્ટન્ટ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.