ગુજરાતનું એક એવું ગામ, જ્યાં નથી રહેતું કોઈ માણસ, જાણો શું છે કારણ?

ભાવનગર: ગામ ટીંબો થઈને ખાલી થઈ ગયાની ઈતિહાસમાં ઘણી વાતો છે, પરંતુ આપણી આસપાસમાં તેવા ઉદાહરણો ઓછાં જોવા મળે છે. સિહોર તાલુકાના ટાણા અને અગિયાળી ગામ વચ્ચે આવું જ ટીંબો થઈ ગયેલું ગામ રતનપર મળી આવ્યું છે. જેમાં હાલ કોઈ વસ્તી નથી, પણ માત્ર એક સાપનું મંદિર છે.

અગિયાળી ગામના તલાટી મંત્રી ભાસ્કરભાઈ લાધવા અને ગામના ગૌતમ ગૌસ્વામીએ જણાવ્યું કે, રતનપરમાં કોઈના મકાન નથી. હાલ ચોપડા ઉપર ગામનો રેવન્યુ વિસ્તાર છે અને તેમાં જમીનનાં 126 ખાતેદારો પણ છે. તેનું દફતર ટાણા ગામની પંચાયતમાં છે. ટાણાનાં સરપંચ કિરીટભાઈ મનજીભાઈ ગોધાણીએ જણાવ્યું કે, ભાવસિંહજી મહારાજે ભાવનગરના તોરણ બંધાવ્યા ત્યારે આસપાસમાં 12 જેટલા ટીંબા જેવા નાના ગામ હતા. જેમાંથી 11 ગામો આસપાસની ગ્રામ પંચાયતમાં ભળી ગયા હતા. જ્યારે રતનપર ટીંબો જ રહ્યો અને તે અલગ ગામ ચોપડા ઉપર છે, પરંતુ ત્યાં કોઈ વસ્તી આજ દિવસ સુધી રહેતી નથી. આમ ભાવનગર જિલ્લામાં ટાણા અને અગિયાળી વચ્ચે આવેલું રતનપર ગામ તદ્દન વસ્તી વગરનું છે પરંતુ માત્ર એક સર્પનું મંદિર આવેલું છે.

અગાઉના 11 ટીંબા હતા:
કાંગસડું, ખારડી, નેસડો, બુઢણ, મેઘનાથ, વડિયું, કાટોડ, આંબલિયું, દોળ, મહાદેવિયું અને રંગવડ એમ અગાઉ ત્યાં ટાણા તેમજ અગિયાળી આસપાસ 11 ટીંબા હતા. જોકે તે બધાં ટાણામાં ભળી ગયા છે. જ્યારે રતનપર એક જ ટીંબો હાલ પોતે ગામ તરીકેનું અસ્તિત્વ ધરાવે છે. જે ટાણા સાથે જૂથ ગ્રામ પંચાયત છે. પરંતુ ત્યાં કોઈ રહેતું નથી, માત્ર રેવન્યુ જમીન છે.

જૂના અવશેષો જમીનમાંથી મળે છે:
150 થી 200 વીઘા જમીન રતનપરમાં છે. કોઈ રહેતું ભલે ન હોય, પણ હજુ ય જમીનમાંથી ક્યારેક ઈંટો, મકાનોના જૂના અવશેષો મળે છે. તેનો મતલબ એવો કે અગાઉ અહીં ઘણા ઘર હશે. નાગદેવતાનો પ્રભાવ નિયમિત જોવા મળે છે.