જીજ્ઞેશ કવિરાજ પર દૂધની નદી વહી, આવો હતો માહોલ, જુઓ તસવીરો

ફેમસ ગુજરાતી સિંગર જીજ્ઞેશ કવિરાજે પોતાના સૂરથી અનેક લોકોને દીવાના બનાવી દીધા છે. જીજ્ઞેશ કવિરાજ એટલે કે જીજ્ઞેશ બારોટને ગુજરાતમાં આજે કોઈ ઓળખતું નહીં હોય એવું ભાગ્યે જ બનશે. તેમનું અનેક સમાજ અને સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવતું રહે છે. દરમિયાન આજે રાસ્કા ગામે ગોગા મહારાજ મંદિર તરફથી જીગ્નેશ બારોટનું દૂધના અભિષેકથી સન્માન કરવામાં આવ્યું હતું.

ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના રાસ્કા ગામે ગોગા મહારાજનું મંદિર આવેલું છે. જ્યાં હજારો શ્રદ્ધાળુંઓ દર્શાનાર્થે આવતા હોય છે. આ મંદિર દ્વારા આજે રવિવાર ગુજરાતી સિંગર જીજ્ઞેશ કવિરાજનું અનોખું સન્માન કરવામાં આવ્યું હતું. મંદિર દ્વારા જીજ્ઞેશ કવિરાજનો દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો.

આ અંગે સોશ્યલ મીડિયામાં અમુક તસવીરો પણ વાઈરલ થઈ છે. જેમાં જીજ્ઞેશ કવિરાજ મંડપ નીચે બેઠા છે અને તેમની પર ગાગર-તપેલા ભરી દૂધનો અભિષેક કરવામાં આવી રહ્યો છે.

આ પહેલાં ગોગા મહારાજના મંદિરે પહોંચેલા જીજ્ઞેશ કવિરાજે પોતાના સૂરમાં ગીતો ગાયને ઉપસ્થિત લોકોને ડોલાવ્યા હતા. સાથે જીજ્ઞેશ કવિરાજે પણ ઢોલના તાલે ગીતો ગાતા ગાતા ડાન્સ પણ કર્યો હતો.

જીજ્ઞેશ બારોટની આજની સફળતા રાતોરાત નથી આવી. સંગીતના દુનિયામાં આજે ટોચના સ્થાને બિરાજેલા જીજ્ઞેશ બારોટ (કવિરાજ)એ શરૂઆતની જિંદગીમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. તેની આજની જાહોજલાલી પાછળ સખત મહેતન અને ખંત છુપાયેલું છે. વર્ષ 1988માં મહેસાણાના ખેરાલુમાં જન્મેલા જીગ્નેશ બારોટ ફક્ત 8 ધોરણ જ ભણેલા છે. જીજ્ઞેશ કવિરાજને બાળપણથી ગીતો ગાવાનો શોખ હતો. તેમના પિતા હસમુખભાઈ બારોટ, તેમના મોટાભાઈ વિશાલભાઈ બારોટ અને તેમના દાદા તેમજ કાકા પણ સંગીતક્ષેત્રે જોડાયેલા હતા.

નાની ઉંમરથી જ પિતા અને કાકા સાથે ભજનના પ્રોગ્રામોમાં જતા હતા. જોકે ઘરેથી બધાની ઇચ્છા હતી કે જીગ્નેશ ભણવામાં ધ્યાન આપે અને તેમાં તેનું કરિયર બનાવે, પણ જીગ્નેશને પહેલેથી ભણવામાં ઓછો રસ હતો, અને તેને સંગીત ફીલ્ડમાં જ પોતાનું કરિયર બનાવવું હતું.

એક દિવસ જીગ્નેશ બારોટના ફળિયામાં એક લગ્ન પ્રસંગ હતો. અહીં જીજ્ઞેશ લગ્નગીત ગાવા આવેલા વિસનગરના સંગીત સ્ટુડિયો સાથે જોડાયેલા કમલેશભાઈને એક ગીત ગાવા માટે વિનંતી કરી હતી. માત્ર 13 વર્ષના જીગ્નેશને જોઈ કમલેશભાઈ તેને એક ગીત ગાવા માટે આપ્યું હતું. આ તકનો ફાયદો ઉઠાવીને જીજ્ઞેશ કવિરાજ તેના પ્રિય સિંગર મણિરાજ બારોટનું ‘લીલી તુવેર સૂકી તુવેર’ ગીત લલકારે છે. જીજ્ઞેશના સૂરથી બધા અભિભૂત થઈ ગયા હતા.

સંગત સ્ટુડિયોવાળા કમલેશભાઈને પણ જીજ્ઞેશનો અવાજ ખૂબ પસંદ આવી ગયું હતું. તેમણે જીજ્ઞેશને પોતાના સ્ટુડિયોમાં આવીને મળવાનું કહ્યું હતું.

બાદમાં જીજ્ઞેશ કવિરાજ કમલેશભાઈના સ્ટુડિયોમાં ગયા હતા. અહીં કમલેશભાઈ તેમને કહ્યું હતું કે દશામાનું વ્રત ચાલતું હોવાથી તેમના પર તારા અવાજમાં એક કેસટે રેકોર્ડ કરવાની છે. અહીંથી જીજ્ઞેશ બારોટનું નસીબ પલટાય છે. તેમના અવાજમાં ‘દશામાંની મહેર’કેસેટ બહાર પડે છે. આ કેસેટ બધાને એટલી ગમી ગઈ કે તેની લાખોની સંખ્યામાં વેચવા લાગી અને જીજ્ઞેશ કવિરાજ રાતોરાત ગુજરાતમાં ફેમસ થઈ ગયા હતા.

જીવનના સંઘર્ષ અંગેનો એક પ્રસંગ શેર કરતાં જીજ્ઞેશ બારોટે કહ્યું હતું કે એક વખત પ્રોગ્રામમાં વધુ લોકો ન આવતા પ્રોગ્રામ રાત્રે 12 વાગ્યા પૂરો થઈ ગયો હતો. આ સ્થળ તેમના ગામથી બહુ દૂર હતી અને બસ સવારે 6 વાગ્યે જ મળે એમ હતી. આથી તેમણે બસસ્ટેન્ડમાં આખી રાત વિતાવી હતી.

જોકે કેસેટ બાદ ડાયરના કે સ્ટેજ પ્રોગ્રામમાં હજી પણ જીજ્ઞેશ કવિરાજ સંઘર્ષ કરી રહ્યા હતા. તેમને કોઈ સારા સ્ટેજ પ્રોગ્રામમાં ગાવાનો ચાન્સ મળતો નહોતો. તેઓએ કહ્યુ હતું કે શરૂઆતના દિવસોમાં હું જયારે કોઈ મોટા પ્રોગ્રામોમાં જતો ત્યારે મોટા કલાકારોને કહું કે મને એક ગીત ગાવા દો, પણ તેઓ આખી આખી રાત મને બેસાડી રાખતા. આખી આખી રાત બેસાડ્યા પછી પણ તેઓને ગાવા દેવું હોય તો જ મને ગાવા દેતા હતા. એટલું જ નહીં એવું પણ કહેતા કે ગાવું હોય તો મારી ગાડી સાફ કરી દે અને મે એ લોકોની ગાડી પણ સાફ કરી છે.

ધીમે ધીમે જીજ્ઞેશ કવિરાજ પોતાના સૂરથી લોકોમાં જાદુ કર્યો હતો. આજે ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે જીજ્ઞેશ કવિરાજને નહીં ઓળખતું હોય. તેને ગાયેલા ગીતો આજે લોકોના હોઠે વસ્યા છે. તેમનું ‘હાથમાં છે વિસ્કી અને આંખોમાં પાણી’એ તો લોકોને ક્રેઝી બનાવ્યા હતા.

આજે તેઓ સિંગર કિંજલ દવે, ગીતા રબારી, ગમન સાંથલ ઉપરાંત ડાયરાકિંગ કીર્તિદાન ગઢવી સાથે પણ સ્ટેજ પ્રોગ્રામ કરે છે. જીજ્ઞેશ કવિરાજે ફક્ત ગુજરાત કે ઈન્ડિયામાં જ નહીં વિદેશમાં પણ અને પ્રોગ્રામ કર્યા છે.

જીજ્ઞેશ કવિરાજે સિંગિંગ ઉપરાંત એક્ટિંગમાં પણ નસીબ અજમાવ્યું છે. તેમની સિંગિંગ અને એક્ટિંગ સાથે અનેક ગુજરાતી આલ્બમો બહાર પડ્યા છે. યૂટ્યૂબ પર પણ તેમના અનેક સોંગ તરખાટ મચાવ્યો છે. જીજ્ઞેશ બારોટના પરિવારમાં પત્ની એક દીકરી અને એક દીકરો છે.