ગુજરાતની પટેલ દીકરી ઓસ્ટ્રેલિયામાં બની પોલીસ અધિકારી, ગોરાઓ પણ જોતા રહી ગયા

હાલ, સમાજમાં ઘણા લોકોની એવી માનસિકતા છે કે, વહુ તો ઘરના આંગણે જ શોભે. પણ આ માનસિકતાને તોડીને ઠાસરામાં રહેતા તૃષારભાઈ પટેલે પોતાની પુત્રવધુને સપનાનું આકાશ સોંપી દીધું છે. આજથી આશરે 6 વર્ષ પહેલા ધર્મજમાં રહેતા આશાબેન પટેલના લગ્ન ઠાસરામાં રહેતા તૃષારભાઈના દીકરા જયકિશન પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ બંને પતિ-પત્નિ ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા હતા. જ્યાં સસરાના માર્ગદર્શનથી બંનેએ ઓસ્ટ્રેલિયન પોલીસની પરીક્ષા માટે તૈયારીઓ શરૂ કરી હતી. ત્યારબાદ આશાબેને આ પરીક્ષામાં સફળ થઈને વિક્ટોરિયા પોલીસ, મેલબોર્નમાં પોલીસ અધિકારી તરીકે જવાબદારી સંભાળી છે.

આશાબેન છેલ્લા 3 મહિનાથી ઓસ્ટ્રેલિયન પોલીસમાં ફરજ બજાવી રહ્યાં છે. સાથે-સાથે પરિવારની પણ જવાબદારી સંભાળી રહ્યાં છે. તેમના કાર્યમાં આશાબેનનો પરિવાર તેમને સહકાર આપી રહ્યો છે. તેમના પતિ જયકિશનભાઈ તેઓના બે બાળકોની જવાબદારી સંભાળીને પત્નીને ફરજ પર ધ્યાન આપવા પ્રેરી રહ્યાં છે.

સસરા તૃષારભાઈ પોતાની પુત્રવધુને સતત આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે. સમાજની રૂઢિઓને તોડીને એક સસરાએ પિતા બની પોતાની દીકરી સમાન પુત્રવધુને સફળતાની ચાવી સોંપી હતી. જેના થકી આજે આશાબેન પટેલે આખા દેશનું અને ઠાસરાનું ગૌરવ વધાર્યુ છે.

એસ.પી યુનિવર્સિટીમાં NCC કેડર તરીકે ફરજ બજાવી ચૂકેલા તૃષારભાઈ પટેલનું સપનુ હતું કે, તેમના બાળકો આર્મી અથવા પોલીસમાં જોડાય.એટલે તેમણે દીકરા જયકિશન અને તેની પત્નિને પોલીસમાં જોડાવવાની સલાહ આપી હતી. જે બાદ બંને જણાંએ ઓસ્ટ્રલિયન પરીક્ષામાં જોડાવવા માટેની પરીક્ષાની તૈયારી કરી હતી. જેને ઉત્તીર્ણ કરીને આશાએ ઓસ્ટ્રેલિયન પોલીસમાં સ્થાન મેળવ્યું છે. મને તેના પર ખૂબ ગર્વ છે. દીકરા જયકિશનની પણ પરીક્ષા હવે આગામી દિવસમાં આવશે. મને આશા છે કે, તે પણ મારું સપનું સાકાર કરશે.- તૃષારભાઈ પટેલ, આશાબેનના પટેલના સસરા