ધ્રુજાવી દેતું મોત મળ્યું એ પટેલ પરિવાર કેનેડા કેવી રીતે પહોંચ્યો? આ રીતે ચાલતો હતો એજન્ટોનો ખેલ

અમેરિકા કેનેડા બોર્ડર ક્રોસ કરતી વેળાએ ભારે હિમવર્ષાનાં કારણે બરફની મોતની ચાદરમાં પોઢી ગયેલ ગાંધીનગર કલોલના ડિંગુચા ગામના પટેલ પરિવારના અકાળે મોતના સમાચાર વહેતા થતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે ગામમાં વહેતી થયેલી વાતો મુજબ પટેલ પરિવારે કેનેડાથી અમેરિકા બોર્ડરમાં એન્ટ્રી કર્યા પછી સ્થાનિક એજન્ટને 1 કરોડ 65 લાખ ચૂકવવાનું નક્કી કર્યું હતું. એટલે કે અમેરિકા ઉતર્યા પછી જીગ્નેશ પટેલ ફોન કરીને જાણ કરવાનો હતો, પરંતુ ફોનની રાહ જોઈને બેઠેલાં પરિવારને તેનાં મોતના સમાચાર મળતાં તેમનાં પર આભ તૂટી પડયું છે.

ગાંધીનગરના કલોલમાં આવેલા ગામડાઓ પાટીદાર 42 ગામ સમાજ તરીકે ઓળખાય છે. જેમાં નારદીપૂર, ડિંગુચા, મોખાસણ, ભાદોલ અને ઝૂલાસણ સહિતના ગામડાઓ ડોલરીયા ગામ તરીકે જાણીતા છે. ઉત્તર ગુજરાત વિસ્તારમાં ગમે તે ભોગે વિદેશ જવાનો ક્રેઝ સૌથી વધુ છે. જે રીતે ચરોતરમાં ધર્મજ ડોલરીયા ગામ તરીકે ઓળખાય છે એ રીતે કલોલના ગામડા પણ ડોલરીયા ગામ કહેવાય છે. જોકે, શોર્ટથી વિદેશ પહોંચવાની લાયમાં ઘણીવાર પકડાઈ જવાના કે મોતને ભેટવાનાં બનાવો બનતાં રહે છે. આવી જ કરૂણ ઘટના ડિંગુચાનાં પટેલ પરિવાર સાથે ઘટતાં સમગ્ર પંથકમાં સોંપો પડી જવા પામ્યો છે.

ગાંધીનગરનાં કલોલ તાલુકાના ડિંગુચા ગામનાં મૂળ વતની જગદીશભાઈ બળદેવ ભાઈ પટેલ, તેમના પત્ની વૈશાલીબેન, પુત્રી વિહંગા (ગોપી) અને પુત્ર ધાર્મિક દસ બાર દિવસ અગાઉ પિતા બળદેવભાઈને કેનેડા જતાં હોવાની વાત કરીને નીકળ્યા હતા. જોકે, નસીબે સાથ ન આપતાં તેઓ કેનેડાથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરી શક્યાં ન હતાં અને ભારે હિમવર્ષાનાં કારણે ગ્રુપમાંથી છૂટા પડી ગયા હતા અને બરફની ચાદર નીચે મોતને ભેટયા હતા. જેનાં કારણે ડિંગુચામાં રહેતાં બળદેવભાઈ પટેલ સહિતનો પરિવાર હાલમાં ઘર બંધ કરીને અજ્ઞાત સ્થળે જતાં રહ્યાં છે.

હ્રદય હચમચાવી નાખતી કરૂણ ઘટનાનાં સમાચાર ગામમાં પ્રસરી જતાં ગ્રામજનો માં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ દિવ્ય ભાસ્કર દ્વારા ગ્રામજનો સાથે વાતચીત કરતાં આંચકાજનક વાતો વહેતી થઈ છે. જેમાં પટેલ પરિવારે સ્થાનિક એજન્ટ સાથે અમેરિકા બોર્ડર ક્રોસ કરવા માટે 1 કરોડ 65 લાખ નક્કી કર્યા હતા. એજન્ટે ઉત્તરાયણ પછી પરિવારને તૈયાર રહેવા પણ જણાવ્યું હતું અને પરિવાર બારેક દિવસ અગાઉ નક્કી થયેલા ગ્રુપમાં રવાના પણ થઈ ગયો હતો. એટલે જ તો પરિવારના મોભી બળદેવભાઈ પટેલને પુત્ર જગદીશ સાથે કોણ કોણ ગયું છે તેની ચોક્કસ માહિતી નથી.

અમેરિકાની બોર્ડર ક્રોસ કર્યા પછી જયેશ હેમખેમ પહોંચી ગયો હોવા અંગે ટેલીફોનીક જાણ કરવાનો હતો અને પછીથી એજન્ટને પૈસાની ચુકવણી કરી દેવાની રહેતી હોય છે. પરંતુ એ પહેલાં જ આખો પરિવાર ભારે હિમ વર્ષામાં દટાઈને મોતને ભેટયો હોવાના અહેવાલો આવતાં પરિવાર પર આભ તૂટી પડયું છે. ત્યારે વધુ વહેતી થયેલી વાતોથી ચોંકાવનારી વિગતો એવી પણ ચર્ચાઈ રહી છે કે કપલ તેમજ એક બાળક હોય તો એજન્ટ 1 કરોડ 20 લાખ સુધીનો ભાવ લેતો હોય છે અને સભ્ય વધે તો વધુ 30થી 35 લાખ રેટ વધી જતો હોય છે.