ગુજરાતના આ ગધેડાઓના દૂધમાં ભરપૂર પોષકતત્વો, ચામડીને મુલાયમ બનાવે છે

સામાન્ય રીતે ઉપહાસને પાત્ર ગણાતા ગધેડાઓ માનવજાત માટે ઉપકારક પ્રાણી છે. ભારવહન માટે વપરાતા ગધેડાઓની વધુ એક ગુણકારી ક્ષમતા હાલમાં ધ્યાને આવી છે. ગુજરાતમાં જામનગર પંથકમાં જોવા મળતા હાલારી ગધેડાની પ્રજાતિ વિશે સંશોધન કરનારી સંસ્થા નેશનલ રિસર્ચ સેન્ટર ઓન ઇક્વાઇન (NRCE)નાં તારણો મુજબ, હાલારી ગધેડીનું દૂધ ભારે ગુણકારી છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ બ્યુટી ટ્રીટમેન્ટ, રોગપ્રતિકાર શક્તિ અને ખાસ તો વધતી ઉંમર સાથે શરીરનો ઘસારો રોકવા માટે હાલારી ગધેડીનું દૂધ ખૂબ ફાયદાકારક નીવડે છે. હાલ રૂ. 2000 પ્રતિ લિટરના ભાવે વેચાતું દૂધ આગામી સમયમાં રૂ. 7000ને પાર કરે તોપણ નવાઈ નથી. કોઈ વ્યક્તિને દેખાવના મામલે નીચું દેખાડવું હોય ત્યારે કહેવામાં આવે છે કે ધોળા તો ગધેડા પણ હોય. ભલે આ વાત ઉપહાસ માટે કહેવામાં આવતી હોય, પણ વાસ્તવિકતા એ છે કે બ્યુટી પ્રોડક્ટમાં આજે ગધેડીનું દૂધ વાપરવામાં આવે છે.

આ સંશોધન સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે ગધેડીના દૂધનું ભારતમાં હાલ કોઈ મોટું માર્કેટ નથી અને કોસ્મેટિક પ્રોડક્ટમાં એનો નાના પાયે વપરાશ થાય છે. આ સિવાય દેશના અલગ અલગ વિસ્તારોમાં અતિશય મર્યાદિત પ્રમાણમાં એનો પીવામાં ઉપયોગ થાય છે. ખાસ કરીને ગામડાંમાં બાળકો પાચનના રોગોથી બીમાર પડે ત્યારે તેને ગધેડીનું દૂધ પિવડાવવામાં આવે છે, પરંતુ એના ગુણકારી ફાયદાઓ વિશે જાણકારી વધશે તેમ એની ડિમાન્ડ પણ ખૂબ વધવાની છે.

બકરી, ઊંટડી, ભેંસના દૂધ કરતાં પણ એની ગુણવત્તા વધુ સારી છે. એમાં ફેટનું પ્રમાણ નહિવત છે. વધતી ઉંમરની નકારાત્મક અસરો રોકતાં એન્ટી-ઓક્સિડન્ટની માત્રા ગધેડીના દૂધમાં વધારે છે, જે અનેક રોગો સામે રક્ષણ આપવા માટે સક્ષમ છે. શરીરના ઘસારા સંબંધિત રોગોમાં પણ એ ઘણું ફાયદાકારક છે. બાળકોની પાચનશક્તિ સુધારવા માટે આ દૂધ ઘણું લાભકારી સાબિત થઇ શકે છે. ચામડીને મુલાયમ બનાવે છે અને સ્કિનની બીમારીઓથી બચાવે છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

હાલમાં ગધેડીના દૂધને ભારતમાં પીવા માટે ઉપયોગમાં લેવામાં આવતું નથી. આના ગુણને લઈને ખાસ જાગૃતિ પણ નથી. બહુ જ નાના પ્રમાણમાં કોસ્મેટિક બનાવતી અમુક કંપનીઓ એનો ઉપયોગ કરે છે. આમાં પણ સાબુ અને સ્કિન કેર પ્રોડક્ટ બનાવવા માટે એનો વધુ ઉપયોગ થાય છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં અમુક ગામડાંમાં બાળકો બીમાર પડે ત્યારે અથવા બાળકોને માતાના દૂધની જરૂર પડે ત્યારે થોડી માત્રામાં એને લેવામાં આવે છે.

દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં પૂજા કૌલે જણાવ્યું હતું કે ભારતના વિવિધ ભાગોમાં રૂ. 2000 પ્રતિ લિટર સુધીના ભાવે અલગ અલગ પ્રજાતિની ગધેડીનું દૂધ વેચાય છે. અમે સાબુ બનાવવા માટે આ જ ભાવે ખરીદી કરીએ છીએ. આ સિવાય કર્ણાટકનાં અમુક ગામોમાં બાળકોને બીમારીથી બચાવવા માટે દૂધ પિવડાવવામાં આવે છે. ગધેડા ઉછેરતી અથવા રાખતી કોમ્યુનિટી તેને એક ચમચીદીઠ રૂ. 50-100ના ભાવે વેચે છે.