જામફળને ખેતી કરવી હોય તો આ ગુજરાતી ખેડૂત પાસેથી શીખો, એક જામફળ દોઢ કિલોનું

જામનગરના ટંકારાના જબલપુર ગામે એક કિલોનું એકથી સવા કિલોના જામફળ પાકે છે. મહાકાય કહી શકાય તેવા થાઈલેન્ડ જેવા જામફળ છે. આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પણ વાત ખોટી નહીં, પણ નરી સત્ય છે. જબલપુર ગામના એક ધરતીપુત્ર પોતાની મહેનત અને પરસેવેથી દોઢ કિલો વજનના જામફળનો પાક મેળવે છે. જોકે સામાન્ય રીતે નાનામાં નાના એક જામફળ વજન પણ 300 ગ્રામનું છે. અહીં તમને જણાવીશું કે, આ જામફળનું ઉત્પાદન કેવી રીતે ખેડૂત કરે છે અને તેમને જામફળની ખેતીમાં કેટલો ફાયદો થાય છે.

દોઢ કિલોના જમ્બો જામફળની મીઠી ખેતી કરતા ટંકારાના પ્રગતિશીલ ખેડૂત મગનભાઈ ટપુભાઈ કામરીયા છત્તીસગઢના રાયપુરથી 5000 જેટલા જામફળના રોપા લાવીને 26 વિઘા જમીનમાં થાઈલેન્ડના જમ્બો જામફળની ખેતી શરૂ કરી છે. 300 ગ્રામથી લઈને દોઢ કિલો જેવા નાળિયેર જેવા મોટા જામફળની ખેતીમાંથી મગનભાઈને વર્ષે દહાડે 10 થી 11 લાખ રૂપિયાની કમાણી થાય છે.

શરૂઆતના બે વર્ષ સુધી તાત્કાલિક પાક લેવાના બદલે તેમણે બે વર્ષ સુધી પાકને ખેરી નાખ્યો હતો. જેના કારણે આ જામફળના રોપા મોટા થઇ ગયા હોવાથી વધુ પ્રમાણમાં જામફળ રોપા પર બેસે છે. આ રોપાની માવજત પુરી કરવી પડે છે અને જામફળના છોડમાં ઉધઇ ન આવે અને તેનો પૂરો વિકાસ થાય તે માટે પણ પુરતી કાળજી લેવી પડે છે. જો કે અન્ય પાકની ખેતીમાં જેટલી મહેનત કરવી પડે છે તેના કરતા ઓછી મહેનતે સારું એવું વાળતર આ જામફળની ખેતીમાં મળી રહે છે.

ટપક પદ્ધતિના કારણે પાણી વાળવાની જંજટમાંથી મુક્તિ મળી ગઈ છે. ઓછી મહેનત અને માણસો સાથે આ ખેતી કરવામાં મગનભાઈને સફળતા મળી છે. અન્ય પાકમાં થતી મહેનત અને ખર્ચ જામફળની ખેતીમાં થતો ન હોવાથી આવકમાં ખાસ્સો એવો વધારો થયો છે.

પરંપરાગત જામફળની સાઈઝ પ્રમાણમાં નાની હોય છે, જ્યારે મગનભાઈએ ઉગાડેલા જામફળ 300 ગ્રામથી લઈને દોઢ કિલો સુધીના આવે છે. જામફળ જ્યારે છોડ પર આવે ત્યારે લચી પડે છે. પાન કરતાં જામફળની સંખ્યા વધુ હોય છે. નાની જામફળી હોવા છતાં એક જામફળીમાંથી પુષ્કળ પ્રમાણમાં જામફળ ઉતરે છે.

મગનભાઈ રાજકોટ, જામનગર, અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં થાઇલેન્ડના આ જામફળની નિકાસ કરે છે. આ ઉપરાંત રાજ્ય બહાર પણ થાઈલેન્ડના જામફળનું માર્કેટ હોવાથી ત્યાં પણ આ જામફળ મોકલી સારી કમાણી કરી રહ્યા છે.

મગનભાઈની જેમ જો અન્ય ખેડૂતો પણ માત્રને માત્ર કપાસ કે મગફળીની ખેતીની જગ્યાએ નવી દિશામાં ધ્યાન કેન્દ્રીત કરે તો સો ટકા તેઓ પણ ઓછી મહેનતે સારી કમાણી ખેતીમાંથી કરી શકે તેમ છે.