હનુમાન જયંતિ: ભગવાન શિવ અને હનુમાન વચ્ચે થયું હતું ભયાનક યુદ્ધ, પુરાણોમાં છે ઉલ્લેખ

અમદાવાદઃ હનુમાનજી ભગવાન શિવના જ અવતાર છે, એ વાત તો આપણે બધાં જ જાણીએ છીએ, પરંતુ હનુમાનજી અને ભગવાન શિવ વચ્ચે પણ યુદ્ધ થયું હતું, એ વાત ઘણા ઓછા લોકો જાણે છે. તેનાથી સંબંધિત કથાનું વર્ણન પદ્મ પુરાણના પાતળખંડમાં જોવા મળે છે. હનુમાન જયંતિ (8 એપ્રિલ, બુધવારે) છે. આ નિમિત્તે અમે તમને આ કથા વિશે વિસ્તૃતમાં જણાવી રહ્યા છીએ.

આમ છે આખો પ્રસંગ
– ભગવાન શ્રીરામે અશ્વમેઘ યજ્ઞ કર્યો તો યજ્ઞનો ઘોડો ફરતો-ફરતો દેવપુરા નામના નગરમાં જઈ પહોંચ્યો. એ નાગરના રાજાનું નામ વીરમણિ હતું. વીરમણિ ભગવાન શિવનો પરમ ભક્ત હતો, એટલે દેવપુરની રક્ષા ભગવાન શિવ જાતે જ કરતા હતા.
– વીરમણિના પુત્ર રૂક્માંગદે યજ્ઞનો ઘોડો જોતાં જ તેને બંદી બનાવી દીધો. આ વાત જ્યારે ઘોડાનું રક્ષણ કરી રહેલ શત્રુધ્નને ખબર પડી તો, તરત જ તેમણે દેવપુર પણ આક્રમણ કરવાનો નિર્ણય લીધો. શત્રુધ્ન અને રાજા વીરમણિ વચ્ચે ભયંકર યુદ્ધ થયું.


– હનુમાનજી પણ વીરમણિની સેનાનો સંહાર કરવા લાગ્યા. શ્રીરામના ભાઇ ભરતના પુત્ર પુષ્કલે રાજા વીરમણિને ઘાયલ કર્યા તો તેમની સેના જીવ બચાવવા ભાગવા લાગી. જ્યારે ભગવાન શીવે પોતાના ભક્તની આવી સ્થિતિ જોઇ તો તેઓ પોતે ભક્તના પક્ષમાં યુદ્ધ કરવા આવ્યા.
– ભગવાન શિવને યુદ્ધ કરતા જોઇ શત્રુધ્ન પણ ત્યાં આવી ગયા. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. ભગવાન શિવે વીરભદ્રને પુષ્કલ સામે અને નંદીને હનુમાનજી સામે યુદ્ધ કરવા મોકલ્યા. વીરભદ્ર અને પુષ્કલ વચ્ચેનું યુદ્ધ પાંચ દિવસ ચાલ્યું.
– અંતે વીરભદ્રે પુષ્કલનો વધ કરી નાખ્યો. આ જોઇ શત્રુધ્નને ખૂબ જ દુ:ખ થયું. વધારે ગુસ્સે થયેલા શત્રુધ્ન શિવજી સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમનું યુદ્ધ અગિયાર દિવસ ચાલ્યું. અંતે ભગવાન શિવના પ્રહારથી શત્રુધ્ન બેભાન થઈ ગયા. આ જોઇ હનુમાનજી જાતે જ ભગવાન શિવ સામે યુદ્ધમાં ઉતર્યા.


– હનુમાનજીએ શિવજીને પૂછ્યું- તમે તો રામ ભક્ત છો, તો પછી અમારી સાથે યુદ્ધ કેમ કરો છો. જેના જવાબમાં શિવજીએ કહ્યું – મેં રાજા વીરમણિને તેમના રાજ્યનું રક્ષણ કરવાનું વચન પાયું છે, એટલે હું યુદ્ધ કરવા બંધાયેલો છું. ત્યારબાદ હનુમાનજી અને શિવજી વચ્ચે ભયંકર યુદ્ધ થવા લાગ્યું.
– હનુમાનજીના પરાક્રમથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે હનુમાનજીએ કહ્યું- આ યુદ્ધમાં ભરતના પુત્ર પુષ્કરનું મૃત્યુ થયું છે અને શત્રુધ્ન પણ બેભાન છે. હું દ્રોણગિરી પર્વત પર સંજીવની ઔષધિ લેવા જઉં છું. ત્યાં સુધી તમે તેમના શરીરનું રક્ષણ કરો. શિવજીએ તેમને આ વરદાન આપ્યું.
– બીજી તરફ હનુમાનજી તરત જ દ્રોણગિરી પર્વત પર ગયા અને સંજીવની લઈને ફરી યુદ્ધ ભૂમિમાં આવ્યા. આ ઔષધિથી હનુમાનજીએ પુષ્કારને ફરીથી જીવિત કર્યા અને શત્રુધ્નને પણ સાજા કર્યા. શત્રુધ્ન અને શિવજી વચ્ચે ફરીથી યુદ્ધ શરૂ થયું.


– જ્યારે શત્રુધ્ન કોઇપણ રીતે શિવજી સામે જીતી ના શક્યા ત્યારે હનુમાનજીએ તેમને ભગવાન શ્રીરામને યાદ કરવાનું કહ્યું. શત્રુધ્ને એમ જ કર્યું અને શ્રીરામ તરત જ યુદ્ધ ભૂમિમાં પ્રકટ થયા.
– શ્રીરામને આવેલા જોઇ ભગવાન શિવ પણ તેમના શરણમાં ગયા અને વીરમણી અને અન્ય યોદ્ધાઓને પણ એમ જ કરવાનું કહ્યું. વીરમણિએ યજ્ઞનો ઘોડો ભગવાન શ્રીરામને પાછો આપ્યો અને પોતાનું રાજ્ય પણ તેમને સોંપી દીધું. આ રીતે યુદ્ધ સમાપ્ત થયું.