પિતાના અવસાનથી ભાંગી પડ્યો છે હાર્દિક પંડ્યા, હજી પણ આ રીતે કરી રહ્યો છે યાદ

વડોદરાઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ હાલમાં જ દિવંગત પિતાનો એક ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કર્યો છે. 2 મિનિટ અને 8 સેકન્ડના આ વીડિયોમાં હાર્દિક નાનપણથી લઈ અત્યાર સુધી પિતા સાથે જોવા મળે છે. બેકગ્રાઉન્ડ બોલિવૂડ સોંગ ‘અપને તો અપને…’ વાગે છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું 16 જાન્યુઆરીના રોજ નિધન થયું હતું.

71 વર્ષીય હિમાંશુ પંડ્યાને હાર્ટ અટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. પિતાના નિધનના સમાચાર સાંભળ્યા બાદ હાર્દિક પંડ્યા ચાર્ટર પ્લેનમાં મુંબઈથી વડોદરા આવ્યો હતો. તો કુનાલ પંડ્યા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં વડોદરાનો કેપ્ટન હતો. તે બાયો બબલમાંથી નીકળીને ઘરે આવ્યો હતો. કુનાલને બદલે હવે વડોદરાનો કેપ્ટન કેદાર જાદવ છે.

હિમાંશુ પંડ્યાના નિધન બાદ ક્રિકેટર વિરાટ કોહલી, ઈરફાન પઠાન, આકાશ ચોપડા સહિતના ક્રિકેટર્સે શોક વ્યક્ત કર્યો હતો. પિતાના નિધનના એક દિવસ બાદ હાર્દિકે ઈમોશનલ મેસેજ શૅર કર્યો હતો. આ મેસેજમાં હાર્દિકે પોતાના પિતાને હીરો ગણાવ્યા હતા.

હાર્દિકે કહ્યું હતું, ‘મારા પિતા, મારા હીરો. તમને ગુમાવી દેવાની વાત સ્વીકારવી જીવનની સૌથી મુશ્કેલ વસ્તુઓમાંથી એક છે. પરંતુ તમે અમારા માટે એટલી બધી યાદો મૂકીને ગયા છો કે અમે માત્ર કલ્પના જ કરી શકીએ કે તમે હાસ્ય વેરી રહ્યાં છો. તમારા પુત્રો જ્યાં છે, તે તમારી મહેનત અને આત્મવિશ્વાસને કારણે જ છે. હવે આ ઘરમાં તમે નથી અને એટલે જ હવે મનોરંજન ઓછું થશે. અમે તમને ઘણો જ પ્રેમ કરીએ છીએ અને આગળ પણ કરતાં રહીશું. તમારું નામ હંમેશા ટોચ પર રહેશે. મને એ વાતનો ખ્યાલ છે કે તમે અમને ઉપરથી એવી રીતે જ જોઈ રહ્યાં છો, જે રીતે તમે અહીંથી જોતા હતા.’

હાર્દિક તથા કુનાલ પંડ્યાને ક્રિકેટર બનાવવામાં હિમાંશુ પંડ્યાનો ઘણો જ મોટો હાથ રહેલો છે. તેમણે દીકરાઓને ક્રિકેટર બનાવવા માટે ઘણી જ મહેનત કરી હતી.