અમદાવાદમાં રમાતી મેચમાં એવું તો શું બન્યું કે હાર્દિક પંડ્યા ભડક્યો દર્શકો પર, જાણો સમગ્ર મામલો

અમદાવાદઃ શુક્રવાર, 12 માર્ચના રોજ ભારત તથા ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ટી-20 મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાનો કારમો પરાજય થયો છે. ભારતીય બેટ્સમેન તથા બોલરોનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું.

જોકે, એકતરફી મેચમાં એક રસપ્રદ કિસ્સો જોવા મળ્યો હતો. દર્શકોથી ભરેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મેદાન પર ગુસ્સે થઈ ગયો હતો. તેણે ઈશારો કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

મેચમાં પાંચમી ઓવરમાં અક્ષર પટેલ ઓવર નાખતો હતો. તેના પાંચમા દડા પર બટલરે મિડવિકેટ ઓવરથી શાનદાર છગ્ગો માર્યો હતો. બટલરે એ રીતે છગ્ગો માર્યો હતો કે બોલ સીધો દર્શકોની વચ્ચે સ્ટેન્ડમાં પડ્યો હતો. ત્યારબાદ દર્શકોએ બોલ પરત આપવામાં ઘણી જ વાર લગાડી હતી. બાઉન્ડ્રીની નજીક ઊભેલો હાર્દિક પંડ્યા બોલ પરત માગતો જોવા મળ્યો હતો. જોકે, મોડું થતાં તે ગુસ્સે થઈ ગયો હતો અને ઈશારો કરીને દર્શકોને સંભાળી દીધું હતું.

હાર્દિકને ગુસ્સામાં જોઈને દર્શકોએ તરત જ દડો પરત આપી દીધો હતો. ત્યારબાદ અમ્પાયર્સે બોલને સેનિટાઈઝ કર્યો હતો અને ફરીથી મેચ શરૂ થઈ હતી.

પહેલી ટી-20માં ઇંગ્લેન્ડ ટોસ જીત્યું હતું. તેણે પ્રથમ બોલિંગ લીધી હતી અને ભારતે 20 ઓવરમાં 124 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમે 15.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 125 રન કરી નાખ્યા હતા અને ભારતને 8 વિકેટે પરાજય આપ્યો હતો.