ગુજરાતમાંથી ચોમાસું ક્યાર સુધીમાં લેશે વિદાય! હવામાન વિભાગે કરી મોટી આગાહી

રાજકોટ, : આ વરસાદ ક્યારે અટકશે? એવો સવાલ લોકો પુછી રહ્યા છે ત્યારે આજે મૌસમ વિભાગે આગામી બે સપ્તાહના આપેલા વરતારા મૂજબ ચોમાસુ નવરાત્રિ સુધી વિદાય લેવાના મુડમાં નથી. આજથી તા.૨૮ સુધી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વ્યાપકપણે અને છૂટાછવાયા ભારે વરસાદની આગાહી છે અને ત્યારપછી પણ વરસાદનું જોર જારી રહે તેવી આગાહી કરાઈ છે.

નવરાત્રિ તા.૭ ઓક્ટોબરથી શરુ થઈ રહી છે અને સૌરાષ્ટ્રમાં ૧૫૦૦થી વધુ સ્થળે ગરબી યોજવા તૈયારીઓ શરુ થઈ છે ત્યારે અષાઢ, શ્રાવણ કરતા બમણાં જોરથી હાલ વરસતા મેઘરાજા હજુ ભારે વરસાદ વરસાવ્યે રાખે તેવા પરિબળો છે.

ગઈકાલનું રાજસ્થાન પરનું સાયક્લોનિક સર્ક્યુલેશન આજે સૌરાષ્ટ્ર પર છવાયું હતું. જેના પગલે આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર વગેરે પંથકમાં અને રવિવાર તા.૨૬ના સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જામનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, દિવ સહિતના વિસ્તારોમાં વ્યાપક વરસાદની આગાહી છે.

આ સીસ્ટમ પૂરી થયા પછી પણ વરસાદ અટકી જાય તેવા સંજોગો નથી. મૌસમ વિભાગ અનુસાર બંગાળની ખાડીમાં ફરી લો પ્રેસરની શક્યતા છે જેના પગલે ચોમાસાના વિદાય નજીકના સમયમાં થવાની શક્યતા નથી.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે શનિવારે દ્વારકા-જામનગર-પોરબંદર-જુનાગઢ-ગીર સોમનાથ-કચ્છ-ભરૃચ-સુરત-નવસારી-વલસાડ, રવિવારે વવસારી -વલસાડ -દમણ -બનાસકાંઠા -સાબરકાંઠા -અરવલ્લી -આણંદ -પંચમહાલ -દાહોદ -મહીસાગર -વડોદરા -છોટા ઉદેપુર -નર્મદા -ડાંગ -તાપી-અમરેલી-ભાવનગર જ્યારે મંગળવારે બનાસકાંઠા -પાટણ -સાબરકાંઠા -અરવલ્લી -ખેડા -આણંદ -દાહોદ -વડોદરા -છોટા ઉદેપુર -ડાંગ -નવસારી -રાજકોટ -જુનાગઢ -ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે.