ઓસ્ટ્રેલિયાથી આવીને સિરાજ પહેલાં ગયો પિતાની કબરે ને પછી સીધો જ પહોંચ્યો કારના શોરૂમમાં

હૈદરાબાદઃ એક સમયે ખુલ્લા પગે ક્રિકેટ રમતો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ઘણો જ સંઘર્ષ કર્યો છે. તેણે બ્રિસ્બેન ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં કહેર વરસાવ્યો હતો અને ધડાધડ પાંચ વિકેટ ઝડપી પાડી હતી. સિરાજે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં માર્નસ લાબુશેન, મેથ્યુ વેડ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવૂડને પેવેલિયન ભેગા કરી દીધા હતાં. પોતાની ટેસ્ટ કરિયરમાં પહેલીવાર સિરાજે 5 વિકેટ હોલ કરવાની કમાલ કરી બતાવી હતી.

ફર્સ્ટ ક્લાસમાં અત્યાર સુધીમાં 157 વિકેટ મેળવનાર મોહમ્દ સિરાજે રણજી ટ્રોફી મેચમાં અત્યાર સુધી 41 વિકેટ ઝડપી છે. પરંતુ સિરાજને અહીં સુધી પહોંચવા આકરી મહેનત કરવી પડી હતી અને બીજા લોકોની જેમ અનેક સપનાંઓ જોયા હતાં. જોકે આ સપનાં આજે સાકાર થઈ રહ્યાં છે તેવું લાગી રહ્યું છે. સિરાજે ઓસ્ટ્રેલિયામાં ધમાકેદાર ઈનિંગ રમીને મુંબઈ આવ્યો હતો. એરપોર્ટથી સીધો સિરાજે પોતાના પિતાની કબરે ફૂલો ચઢાવા ગયો હતો.

પિતાની કબરે ફૂલો ચઢાવીને સિરાજે મીડિયા સાથે વાતચીત કરી હતી. સિરાજે ઓસ્ટ્રેલિયા પ્રવાસ અંગે વાત કરી હતી. ત્યારબાદ સિરાજ સીધો જ લક્ઝૂરિયસ કારના શો રૂમમાં ગયો હતો. અહીંયા સિરાજે પોતાના માટે BMW કાર લીધી હતી. આ કાર બીએમડબલ્યુ 5 સીરિઝ મોડેલ હોવાનું કહેવાઈ રહ્યું છે. એક સમય હતો જ્યારે સિરાજ રીક્ષામાં મુસાફરી કરતો હતો.

અંદાજે ત્રણ વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયામાં ફેમસ થયેલ સિરાજનું જીવન ઘણું જ કઠીન હતું. તેના પિતા હૈદરાબાદમાં ઓટો રિક્ષા ચલાવતા હતા. દરેક લોકોની જેમ ફાસ્ટ બોલર સિરાજનું પણ સપનું હતું કે તે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટ રમે જે સપનું અત્યારે સાકાર થઈ રહ્યું છે. એક ક્લબ ક્રિકેટર તરીકે 500 રૂપિયા કમાવનાર સિરાજને સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલમાં 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને અહીંથી જ શિખરના ટોચે પહોંચવાની સિરાજની શરૂઆત એન્ટ્રી થઈ હતી પરંતુ આજે આસ્ટ્રેલિયામાં પોતાની તાકાત બતાવીને રાતોરાત સ્ટાર બની ગયો છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સિરાજના પિતાનું મૃત્યુ નિપજ્યું હતું. જોકે બાયો બબલ પ્રોટોકોલને કારણે તે પોતાના પિતાના અંતિમ દર્શન પણ કરી શક્યો નહતો. જોકે મુશ્કેલ સ્થિતિમાં જ ખેલાડીની અસલી પરીક્ષા થાય છે ત્યારે મોહમ્મદ સિરાજ આ પરીક્ષામાંથી પાસ થયો છે. પરંતુ સિરાજની આ સફર એટલી આસાન ન હતી. એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં મોહમ્મદ સિરાજ પોતાના સંઘર્ષની સંપૂર્ણ વાર્તા જણાવી હતી.

સિરાજે કહ્યું હતું કે, પહેલા હું ટેનિસ બોલથી ક્રિકેટ રમતો હતો. ત્યારે મને ખ્યાલ ન હતો કે પ્રોફેશનલ ક્રિકેટ કઈ રીતે રમાય. પરંતુ તે સમયે મારું જૂનુન હતું કે હું જે પણ રમું તેમાં પુરેપુરો સમય આપું. ટેનિસ બોલની સવાર-સાંજ જે ટૂર્નામેન્ટ ચાલતી હતી તેમાં જ હું રમતો હતો. મારી ઉંમર રમવાની હતી ત્યારે પિતા ઓટો ચલાવતા હતા. મોટો ભાઈ એન્જિનિયર છે. હું સવાર-સાંજ ક્રિકેટ જ રમતો હતો. મામાને ત્યાં એક વખત વન-ડે લીગ મેચનું આયોજન હતું જેમાં મેં 9 વિકેટ ઝડપી હતી. મને ખ્યાલ પણ ન હતો કે ઈન સ્વિંગ, આઉટ સ્વિંગ શું હોય છે એટલી જ ખબર હતી કે બોલ ફાસ્ટ નાખવાનો. 9 વિકેટ ઝડપ્યા બાદ મામાએ મને 500 રૂપિયા આપ્યા હતા.

સિરાજે વધુમાં જણાવ્યું હતું કે, મારા પિતા ઓટો ચલાવતા હતા. પોકેટ મની 70 રૂપિયા જ આપતા હતા, તેમાંથી 60 રૂપિયા તો પેટ્રોલમાં જ જતાં રહેતા, ત્યાર બાદ 10 રૂપિયા જ વધતા હતા. રણજી ટ્રોફિની પ્રેક્ટિસ દરમિયાન મોટા ભાગના લોકો કારમાં આવતા હતાં પરંતુ તે સમયે મારી પાસે પ્લેટિના બાઈક હતી. જેની કિક પણ તૂટી ગઈ હતી જેને રિપેર કરાવવાના પૈસા ન હતા ત્યારે હું ધક્કો મારીને બાઈક સ્ટાર્ટ કરતો હતો. કોઈની પાસેથી ઉધાર પૈસા લઈને કિક સરખી કરાવી હતી.

અંડર-23માં સારા પ્રદર્શનને કારણે રણજી ટ્રોફીમાં રમવાની તક મળી હતી અને સર્વિસિઝ વિરૂદ્ધ ડેબ્યૂ કરી હતી જેમાં 1 વિકેટ મળી હતી. પરંતુ 2017માં રણજી ટ્રોફિમાં સૌથી વધારે વિકેટ મેળવનાર ત્રીજો ખેલાડી હતો. ત્યાર બાદ ભરત અરૂણ સર મારી લાઈફમાં આવ્યા અને મારી લાઈફ ચેન્જ થઈ હતી. હૈદરાબાદ સનરાઈઝર્સમાં સિલેક્ટ થયો ત્યાર બાદ મારું સપનાઓ સફળ થવાના શરૂ થયા. સનરાઈઝર્સે મને 2.6 કરોડમાં ખરીદ્યો હતો. મારું એક જ સપનું હતું કે, માતા-પિતાને ભાડાના ઘરમાંથી કોઈ સારી જગ્યાએ પોતાના ઘરમાં રાખું. મારાથી થાય તેટલું કરવા હું તૈયાર હતો બસ એક જ વાત હતી માતા-પિતાને ઘરમાં શૂકુનથી રાખું.

અંડર-23 બાદ મારી આર્થિક સ્થિતિ થોડી સારી થઈ હતી. જોકે ત્યારે પણ પિતા ઓટો ચલાવતા હતા. આઈપીએલમાં સિલેક્શન થયું ત્યાર બાદ પિતાએ ઓટો ચલાવવાનું બંધ કર્યું હતું. એક વર્ષમાં ઘર ખરીદ્યુ ત્યાર બાદ મોટા ભાઈના લગ્ન થયા અને ઘરમાં ખુશી જ ખુશી આવવા લાગી જે આજે પણ ટકેલી છે.

ભારતીય ટીમમાં પોતાની જગ્યા બનાવવા માટે મેં બહુ જ સંઘર્ષ કર્યો હતો. જ્યારે ટીમમાં મારું સિલેક્શન થયું ત્યારે રાષ્ટ્રગીત સમયે મારી જિંદગીનો આખો સંઘર્ષ યાદ આવી ગયો હતો. વિરાટ કોહલી સાથે રમવાનું મારું ડ્રિમ હતું જ્યારે ભારતીય ટીમમાં સિલેકશન થયું ત્યારે વિરાટ કોહલી મારી સામે જ બેઠા હતાં. બસ હું તેમને જ જોતો રહ્યો હતો. એબી ડિલિવિયર્સે મને નવું નામ આપ્યું મિયાં મેજીક. ધોની સરે મને ખાસ એક સલાહ આપી છે કે, આપણી રમત કેવી છે તેને લઈને લોકોનો ઓપિનિયન ક્યારેય નહીં લેવાનો. એક મેચ ખરાબ જશે તો લોકો અપજશ આપશે અને તું તે વાત જ વિચારતો રહીશ જોકે તેના બદલે આગામી મેચ પ્રત્યે ફોક્સ કરવાનું અને તેમાં સારું પ્રદર્શન કરીશ તો તે લોકો જ સારો બોલર ગણાવશે.