છ સંતાનોના બાપ 84 વર્ષીય ધરમપાજી જીપમાં બેસીને ગાય-ભેંસોને લઈ ગયા ચરાવવા

મુંબઈઃ બોલિવૂડના દિગ્ગજ કલાકાર ધર્મેન્દ્ર ફિલ્મ ઉપરાંત અંગત જીવનને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. ધર્મેન્દ્ર હવે મુંબઈથી દૂર પોતાના લોનાવાલા સ્થિત ફાર્મહાઉસમાં જ સમય પસાર કરે છે. અહીંયા તેઓ ક્યારેક ખેતી કરે છે તો ક્યારેક ગાય-ભેંસનું ધ્યાન રાખતા હોય છે. તો ઘણીવાર તે તગારા પણ ઊંચકતા જોવા મળે છે. હાલમાં જ ધર્મેન્દ્રે ફાર્મહાઉસનો એક વીડિયો શૅર કર્યો હતો.

ધર્મેન્દ્ર 84 વર્ષની ઉંમરમાં પણ સોશિયલ મીડિયામાં ઘણાં જ એક્ટિવ રહે છે. તેઓ અવારનવાર સોશિયલ મીડિયામાં તસવીરો તથા વીડિયો શૅર કરતા રહેતા હોય છે. હાલમાં તેઓ ગાય ભેંસને ચારો નાખતા હોય તેવો વીડિયો શૅર કર્યો હતો. ધરમપાજીએ કારમાં બેસીને ગાય-ભેંસને ચારો ચરાવ્યો હતો.

આ વીડિયો શૅર કરીને ધર્મેન્દ્રે ટ્વીટ પણ કરી હતી. તેમણે કહ્યું હતું, ‘મિત્રો, આ પ્રાણીઓ બોલી શકતા નથી પરંતુ તેમની પાસેથી પ્રેમ જ મળે છે. સારું ઘાસ દાવત છે, જ્યાં દેખાય ત્યાં લઈ જાઉં છું.’ તો વીડિયોમાં ધરમપાજીએ કહ્યું હતું, ‘ગાય-ભેંસ ચરાવી રહ્યો છું. સારું ખેતર છે. તમારી દિવાળી કેવી રહી?

આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાઈરલ બન્યો હતો. ચાહકોને આ વીડિયો ઘણો જ પસંદ આવ્યો હતો. આ વીડિયો પર ચાહકો ભરપૂર કમેન્ટ્સ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ધરમપાજીને પહેલી પત્નીથી ચાર સંતાનો તથા બીજી પત્નીથી બે દીકરીઓ છે. ફાર્મહાઉસ પર વારાફરતી પહેલી પત્ની પ્રકાશ કૌર તથા બીજી પત્ની હેમા આવતી જતી રહે છે.

ધર્મેન્દ્રે ટ્વિટર પર ચાહકો માટે શાયરી પણ શૅર કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું, ‘બંદે કર લે ગુનાહોં સે તૌબા વરના…સજા કરોના સે ભી બડી દે દેગા વો…દર્દ…તેરી મરઝી આજ કી…મેરી જુબાન સે.’