હાર્દિક-કૃણાલ પંડ્યાના પિતાની અંતિમયાત્રાથી લઈ સ્મશાન સુધીની તમામ તસવીરો, તમને ક્યાંય જોવા નહીં મળે

વડોદરા: ટીમ ઈન્ડિયાના ખેલાડી હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુભાઈ પંડ્યાનું વહેલી સવારે હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. આ સમાચાર મળતાં જ કૃણાલ હાલમાં સૈયદ મુશ્તાક અલી ટી20માં છોડીને વડાદરા દોડી આવ્યો હતો જ્યારે હાર્દિક પંડ્યા પ્રાઈવેટ પ્લેન મારફતે વડોદરા પહોંચ્યો હતો. ઘરે પહોંચ્યા બાદ હાર્દિક અને કૃણાલ પંડ્યા ભાવુક થઈ ગયા હતાં. સાંજે 4 વાગેની આસપાસ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી ત્યાર બાદ વડીવાડી સ્મશાને તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. અંતિમ યાત્રામાં સગા-સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી.

આજે વહેલી સવારે હાર્દિક અને ક્રુણાલ પંડ્યાના 71 વર્ષીય પિતા હિમાંશુભાઈ પંડ્યાનું હાર્ટ એટેક આવતાં નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં જોકે રસ્તામાં જ તેમનું નિધન થતાં તેમને ઘરે પરત લાવવામાં આવ્યા હતાં. આ સમાચારની જાણ થતાં જ બન્ને દીકરાઓ ઘરે આવી પહોંચ્યા હતાં. પિતાની અંતિમ યાત્રામાં હાર્દિક તથા કુનાલ પંડ્યા એકદમ ભાંગી પડ્યા હતા અને પિતાના મૃતદેહ આગળ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

ત્યાર બાદ રડતી આંખે પિતાંબર પહેરીને હાર્દિક અને કૃણાલે પિતાને કાંધ આપી હતી. વડોદરાના ભાયલી રોડ પર આવેલા તેમના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે સગા-સંબંધીઓ અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. સ્મશાને કૃણાલે મુખાગ્નિ આપીને પિતાના અંતિમ સંસ્કાર કર્યાં હતા તે દરમિયાન બધાંની આંખો ભીની થઈ ગઈ હતી.

બન્ને ભાઇઓએ પિતાંબર પહેરીને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેમના પિતાને કાંધ આપી હતી. હિમાંશુભાઇના પાર્થિવદેહના વડીવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર કિરણ મોરે ત્યાં પણ પહોંચ્યા હતા.

હાર્દિક અને કૃણાલે બ્રાહ્મણ સંસ્કારો પ્રમાણે પોતાના પિતાના અંતિમ સંસ્કાર કર્યાં હતા. જેમાં બંનેએ પિતાંબર પહેરીને તેમને મુખાગ્નિ આપી હતી.

બરોડા ક્રિકેટ એસોસિયેશનના સત્યજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે હિમાંશુભાઈની તબીયત છેલ્લા કેટલાક સમયથી સારી રહેતી ન હતી અને આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ તેમને હાર્ટઅટેક આવ્યો હતો. ત્યાર બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ રસ્તામાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

હિમાંશુભાઈની આર્થિક સ્થિતિ સારી ન હતી તેમ છતાં તેમણે બંને પુત્રોને ક્રિકેટર બનાવવા માટે મહેનત કરી હતી. બંને જણાને કિરણ મોરેની એકેડેમીમાં એડમિશન અપાવ્યું હતું.
અંતે તેમના પિતાની મહેનત રંગ લાવી હતી અને હાર્દિક તથા કૃણાલની આઈપીએલમાં પસંદગી થઈ હતી અને ત્યારથી તેમનું જીવન બદલાઈ ગયું હતું. ત્યારબાદ બંનેએ ખાસ કરીને હાર્દિકે પાછળ વળીને જોયું નથી. હાલમાં તે ભારતીય ટીમનો મહત્વનો ખેલાડી બની ગયો છે.

હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા સુરતમાં ફાઈનાન્સનો ધંધો કરતાં હતાં. જોકે થોડા સમય બાદ 1998માં તેમના પિતા વેપાર બંધ કરીને વડોદરા શહેરમાં રહેવા માટે મજબૂર થયા હતા. તે સમયે હાર્દિક પંડ્યા માત્ર પાંચ વર્ષનો હતો.

પરિવાર પહેલા વડોદરામાં આવીને ભાડાના મકાનમાં રહેતો હતો. હાર્દિકના પિતાને ક્રિકેટની રમત ખૂબ પસંદ હતી. તેઓ હંમેશાં પોતાના બંને પુત્રો પાસે બેસાડી મેચ દર્શાવતા હતા તો અનેકવાર મેચ જોવા માટે સ્ટેડિયમ પણ લઈ જતા હતા.

હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને પિતાએ આર્થિક તંગી હોવા છતાં પણ કિરણ મોરેની એકેડમીમાં એડમિશન અપાવ્યું હતું. હાર્દિક પંડ્યા ધોરણ-9માં નાપાસ થયો હતો. ત્યાર બાદ તેણે ક્રિકેટ પર ફોક્સ કરવા માટે અભ્યાસ છોડી દીધો હતો. હાર્દિક 17 વર્ષનો હતો ત્યારે તેની પાસે પોતાની ક્રિકેટ કિટ પણ નહોતી. બંને ભાઈઓએ લગભગ એક વર્ષ સુધી બરોડા ક્રિકેટ એસોસિયેશન પાસેથી ક્રિકેટ કિટ લઈને કામ ચલાવ્યું હતું.