17 વર્ષની વયે ક્લાસમેટ સાથે વિમાન ઉડાડી રહ્યાં હતા રતન ટાટા તે સમયે ઘટી હતી આ ઘટના

મુંબઈઃ દેશના જાણીતા ઉદ્યોગપતિ અને તાતા સમૂહના પૂર્વ ચેરમેન રતમ ટાટાએ પોતાના જીવનને એક સૌથી મુશ્કેલ ઘટનાનો ખુલાસો કર્યો હતો. આ ઘટના તેમની સાથે ત્યારે બની હતી જ્યારે તેઓ કોલેજમાં ભણતા હતા અને માત્ર 17 વર્ષના હતા. તેમણે પોતાના જીવન સાથે જોડાયેલી આ ઘટનાનો ઉલ્લેખ એક ચેનલ માટે બનાવેલા પ્રમોશનલ વીડિયોમાં કર્યો હતો, જે 27 સપ્ટેમ્બરના ટેલિકાસ્ટ થશે. આ વીડિયોમાં તેઓ જણાવે છે કે, કઈ રીતે વિમાનના એન્જિને અચાનક કામ કરવાનું બંધ કરી દીધું અને કઈ રીતે તેમણે પ્લેન ક્રેશ થતા અટકાવી પોતાનો જીવ બચાવ્યો હતો.

રતન ટાટાએ જણાવ્યું કે,‘તે સમયે હું કોલેજમાં હતો અને 17 વર્ષનો જ હતો. મારી ઉંમર જરૂરી પાયલટ લાયસન્સ માટેની યોગ્ય ઉંમર હતી. તે સમયે મારા જેવા વ્યક્તિ માટે તે શક્ય નહોતું કે દરવખતે એકલા જ પ્લેનને ભાડે લઈ શકું. તેથી મે મારા ક્લાસમેટને પ્લેન ઉડાવવું હોય તો સાથે આવવા કહ્યું અને ભાડાનો અમુક હિસ્સો હું આપીશ તેમ વાત કહી. હું હંમેશા આ પ્રકારના સહયોગ માટે તૈયાર રહેતો હતો.’

આ રીતે તે દિવસે તેમણે 3 ક્લાસમેટને પ્લેન ઉડાવવા માટે તૈયાર કર્યા અને તેઓ ખુશી-ખુશી પ્લેન ઉડાવવા જઈ રહ્યાં હતા. જોકે આ ખુશી વધુ સમય ટકી શકી નહીં, કારણ કે અમુક સમય બાદ જ પ્લેનના એન્જિને કામ કરવાનું બંધ કરી દીધું હતું.

રતન ટાટાએ જણાવ્યું કે,‘પહેલા તો પ્લેન ખરાબ રીતે ધ્રૂજ્યું અને થોડીવારમાં તેનું એન્જિન બંધ થઈ ગયું. સ્પષ્ટ કે તેના મોટા પંખ પણ ત્યારે ફરતા બંધ થઈ ગયા હતા. હવે તમે એન્જિન બંધ થયેલા પ્લેનમાં છો અને તે પ્લેન નીચે કઈ રીતે ઉતારશો તે અંગે વિચારતા રહો છો.

પરંતુ ચોંકાવનારી વાત એ છે કે તમામ વિદ્યાર્થીઓ શાંત બેઠા હતા જ્યાંસુધી અમે નીચે ના પહોંચી ગયા.’ મુશ્કેલ સમયમાં શાંતીથી કામ કરવું રતન ટાટાની સ્કિલ્સમાંથી એક છે. જે તેમને કરિયરના પ્રારંભિક દિવસોની મુશ્કેલીઓમાંથી બહાર આવવામાં મદદરૂપ થઈ અને આ સમયે પણ તેમને એજ સ્કિલ કામે લાગી.

તેમણે એન્જિન બંધ થવા પર શું કર્યું તે અંગે ટાટાએ કહ્યું કે,‘એક નાના પ્લેનમાં એન્જિન બંધ થવું એટલી મોટી સમસ્યા નથી જેના કારણે પ્લેન ક્રેશ થઈ જાય. તમે કેટલી ઊંચાઈએ છો તે અનુસાર તમારી પાસે સમય રહે છે.

આ સમયગાળામાં તમારે વિચારવાનું રહે છે કે પ્લેન ક્યાં લેન્ડ કરાવશો? તમે તે સમયે માત્ર બુમો ના પાડી શકો કે એન્જિન બંધ થઈ, એન્જિન બંધ થઈ ગયું.’ વિપરીત સ્થિતિમાં શાંત મને કામ કરવું રતન ટાટાના બાળપણના ગુણોમાં સામેલ છે. તેમણે ક્યારેય મુશ્કેલ સ્થિતિમાં સંતુલન ગુમાવ્યું નહીં તે તેમની સફળતાનું રહસ્ય છે.