એક સમયે રસ્તા પર પાણીપુરી વેચીને ઘરનું ગુજરાન ચલાવતો હવે રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો ક્રિકેટ

દુબઈ: આઈપીએલની 13મી સિઝનનો ચોથો મેચ ચેન્નઈ સુપર કિંગ્સ(સીએસકે) અને રાજસ્થાન રૉયલ્સ(આરઆર)ની વચ્ચે શારજાહમાં રમવામાં આવ્યો. આ મેચમાં રાજસ્થાનની તરફથી યશસ્વી જાયસ્વાલે ડેબ્યૂ કર્યું. યશસ્વીની આઈપીએલ સુધીનું સફર સરળ નહોતી. એક સમય હતો, જ્યારે તેની પાસે બેટ લેવા સુધીના પૈસા નહોતા. ક્યારેક તેણે રસ્તા પર પાણીપુરી વેચી તો તેણે ક્યારેક ભૂખ્યું સુવું પડ્યું.

યશસ્વી જાયસ્વાલનો જન્મ યૂપીના ભદોહીમાં થયો હતો. યશસ્વીના પિતા ભૂપેન્દ્રની પેન્ટની દુકાન છે. તેઓ જણાવે છે કે તેમના દીકરાએ ખૂબ જ સંઘર્ષ કર્યો છે. ક્યારેક કરિયાણાની દુકાન પર કામ કર્યું તો ક્યારેક રસ્તા પર પાણીપુરી વેચી.

ક્યારેક ટેન્ટમાં સૂતો
ક્રિકેટર બનવા માટે યશસ્વી 10 વર્ષની ઉંમરમાં મુંબઈ આવી ગયા. તેમના રિશ્તેદાર સંતોષનું ઘર મુંબઈના વર્લીમાં છે, પરંતુ ત્યાં રહેવું પણ મુશ્કેલ હતું. એવું એટલા માટે કારણ કે તેનું ઘર ખૂબ જ નાનું હતું. એટલે મુસ્લિમ યુનાઈટેડ ક્લબના મેનેજર સંતોષે ત્યાંના માલિકને વિનંતી કરીને યશસ્વીના રોકાવાની વ્યવસ્થા કરાવી દીધી. વ્યવસ્થા થઈ અને યશસ્વીને ત્યાં ગ્રાઉન્ડ્મેન સાથે ટેન્ટમાં રહેવું પડતું હતું.

યશસ્વીએ પેટ ભરવા માટે પાણીપુરી પણ વેચી છે. યશસ્વી ભોજનનો જુગાડ કરવા માટે આઝાદ મેદાનમાં રામ લીલા દરમિયાન પાણીપુરી અને ફળ વેચવામાં મદદ કરતા હતા.

પિતા ન બની શક્યા ક્રિકેટર, તો દીકરાએ ક્રિકેટર બનવાનું નક્કી કર્યું
યશસ્વીના પિતા ભૂપેન્દ્ર પણ ક્રિકેટ રમતા હતા. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તે વધુ દિવસો સુધી રમત ચાલુ ન રાખી શક્યા. બાદમાં તેણે દુકાન ખોલી. ભુપેન્દ્રએ શરૂઆતથી જ પોતાના બાળકોને ક્રિકેટર બનાવવાનું નક્કી કર્યું હતું. ભૂપેન્દ્રને બે દીકરા અને બે દીકરીઓ છે. તેમને દીકરાઓને ક્રિકેટમાં જ આગળ વધાર્યા.

સચિને ગિફ્ટ કર્યું બેટ
સચિનના દીકરા અર્જુન યશસ્વીના સારા મિત્ર છે. બંનેની મુલાકાત બેંગલુરુમાં આવેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં થઈ હતી. એકવાર અર્જુને યશસ્વીની મુલાકાત સચિન સાથે કરાવી. વાત 2018ની છે. અર્જુન યશસ્વીને પોતાના ઘરે લઈ ગયો. પહેલી મુલાકાતમાં જ સચિને યશસ્વીથી પ્રભાવિત થઈને તેને પોતાનું બેટ ગિફ્ટ કરી દીધું. યશસ્વી ઓપનર બેટ્સમેન હોવાની સાથે પાર્ટ સ્પિન બૉલર પણ છે. તે ઈન્ડિયા અંડર 19માં રમે છે. માનવામાં આવે છે કે જલ્દી જ તેનું ટીમ ઈન્ડિયામાં સિલેક્શન થઈ શકે છે.

રાજસ્થાને અઢી કરોડમાં ખરીદ્યો
યશસ્વી જાયસ્વાલને આ વર્ષે રાજસ્થાને અઢી કરોડમાં ખરીદ્યો હતો. બાદમાં તેના પરિવારે આખા મહોલ્લામાં મિઠાઈ વેચીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આસપાસના લોકોએ આતિશબાજી કરી અને યશસ્વીના માતા-પિતાને આ વાતની વધામણી આપી.