ટાઇલ્સની નીચે છુપાવ્યા હતા 9 કરોડ રોકડા, 19 કિલો ચાંદી મળી આવી

મુંબઈના ઝવેરી બજારમાં એક શરાફ વેપારી (આંગડિયા બિઝનેસમેન)ના ઘરે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. અહીંથી તેમણે ૯ કરોડથી વધુની રોકડ અને ૧૯ કિલો ચાંદી જપ્ત કરી. GST વિભાગના રિપોર્ટ બાદ આવકવેરા વિભાગ દ્વારા આ કાર્યવાહી કરી હતી. વિશેષ વાત તો એ છે કે, ઘરની દિવાલો અને ટાઈલ્સની અંદર આ રોકડ રકમ અને ચાંદી છૂપાવવામાં આવ્યા હતા.

આઈટી વિભાગની ટીમ દ્વારા જ્યારે ટાઈલ્સ હટાવવામાં આવી ત્યારે તેમાંથી 9.78 કરોડ રૂપિયાની રોકડ અને લગભગ 13 લાખ રૂપિયાની 19 કિલો ચાંદીની ઇંટો મળી આવી હતી. ઘરમાં ટાઈલ્સની નીચે 35 ચોરસ ફૂટનું ઊંડું પોલાણ હતું. જોકે, જે મકાનમાંથી રિકવરી થઈ હતી તેના માલિક અને પરિવારના અન્ય સભ્યોએ આ નાણાં તેમના છે એ વાત સ્વીકારવાની ના પાડી દીધી. આ કારણે સ્ટેટ GST વિભાગે જગ્યાને સીલ કરી દીધી છે અને આવકવેરા વિભાગને આ તથ્યોથી માહિતગાર કરવામાં આવ્યા છે.

ઘરમાં ટાઈલ્સની અંદરથી મળી આવેલી આ રોકડને ગણવામાં લગભગ 6 કલાકનો સમય લાગ્યો હતો. આ દરમિયાન જે ઉદ્યોગપતિના ઘરેથી આ રોકડ અને ચાંદી કબ્જે કરવામાં આવી હતી, તેણે ધરપકડથી બચવા માટે મુંબઈ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી છે. જોકે, કોર્ટે આ અંગે હજુ સુધી અંતિમ ચુકાદો આપ્યો નથી. કોર્ટે અરજદારને GST અધિકારીઓ સમક્ષ હાજર થવા જણાવ્યું હતું.

આ પહેલા પણ વિવાદોમાં આવી ચુક્યા છે આ વેપારી
આ વેપારી અગાઉ પણ વિવાદમાં આવી ચુક્યા છે. તેમણે IPS અધિકારી સૌરભ ત્રિપાઠી પર આરોપ લગાવ્યો હતો કે તે ઝોન-2ના ડીસીપી હતા ત્યારે તેમણે તેમની પાસેથી ખંડણી માંગી હતી. આ સમયે તેમણે આંગડિયા વેપારીઓ પાસે દર મહિને 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

આંગડિયાના વેપારીઓએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી અધિકારીએ તેમની રોકડની હેરફેર અને ધંધાકીય પ્રવૃત્તિ અંગે આવકવેરા વિભાગને જાણ કરવાની ધમકી આપી ડિસેમ્બરમાં અનેક વખત તેમની પાસેથી નાણાં પડાવ્યા હતા. આ ફરિયાદ બાદ મહારાષ્ટ્ર સરકારે માર્ચમાં આરોપી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) સૌરભ ત્રિપાઠીને સસ્પેન્ડ કરી દીધા હતા અને ત્યારથી તે ફરાર થઈ ગયા છે.