‘કેબીસી’ના સેટ પર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો જેકી શ્રોફ, અમિતાભ પણ થઈ ગયા ભાવુક

મુંબઈઃ ‘કૌન બનેગા કરોડપતિ’માં હાલમાં જ એક્ટર જેકી શ્રોફ તથા સુનીલ શેટ્ટી ગેસ્ટ બનીને આવ્યા હતા. દર શુક્રવારે ‘કેબીસી’માં ‘શાનદાર શુક્રવાર’માં સેલિબ્રિટી ગેસ્ટ આવતા હોય છે.

45 વર્ષથી મિત્રતાઃ જેકી તથા સુનીલ ગાઢ મિત્રો છે. બંનેએ એકબીજા સાથેના બોન્ડિંગ અંગે વાત કરી હતી અને મિત્રતાના કિસ્સાઓ પણ સંભળાવ્યા હતા. જેકી તથા સુનીલ છેલ્લાં 45 વર્ષથી એકબીજાના મિત્રો છે અને તેમની મિત્રતાની જાણ બોલિવૂડમાં ભાગ્યે જ કોઈને નહીં હોય.

પપ્પા માટે ઘર આપી દીધું હતુંઃ વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે અમિતાભ બચ્ચને સુનીલને સવાલ કર્યો હતો કે તે જેકીને ક્યારથી ઓળખે છે તો સુનીલે કહ્યું હતું કે તે 50 વર્ષથી ઓળખે છે, પરંતુ મિત્રતા 45 વર્ષની છે. ત્યારબાજ જેકીએ ખુલાસો કર્યો હતો કે કેવી રીતે મુશ્કેલ સમયમાં મારા પપ્પા કાકુભાઈ શ્રોફ બીમાર પડી જતાં સુનીલ તેમની મદદે આવ્યા હતા.

વધુમાં જેકીએ કહ્યું હતું કે તેના પિતાએ પેનિસિલિનનું રિએક્શન આવ્યું હતું અને ચામળી નીકળી જતી હતી. આ સમયે ઘરમાં ઘણાં લોકો હતા અને ઘર પણ નાનું હતું. નાના ઘરમાં બધું મેનેજ કરવું મુશ્કેલ થઈ ગયું હતું. આ સમયે સુનીલે પોતાનું ઘર આપી દીધું હતું.

જેકી રડવા લાગ્યોઃ આ દરમિયાન સુનીલ શેટ્ટીએ પોતાની મમ્મીની વાત કરી હતી અને તે ભાવુક થઈ ગયો હતો. તેણે કહ્યું હતું કે તેઓ જ્યારે એક રૂમમાં રહેતા હતા ત્યારે મમ્મીને ઉધરસ થતી તો દાદાને ખબર પડી જતી કે મમ્મીને ઉધરસ છે. જ્યારે મોટા ઘરમાં ગયા ત્યારે ખ્યાલ જ ના આવ્યો કે મમ્મીનું ક્યારે અવસાન થઈ ગયું.

સુનીલની વાત સાંભળીને જેકી પોતાની જાત પર કંટ્રોલ કરી શક્યો નહીં અને રડવા લાગ્યો હતો. સુનીલ પણ ઇમોશનલ થઈ ગયો હતો. અમિતાભે ભાવુક થઈને કહ્યું હતું કે આજકાલ આવી મિત્રતા ભાગ્યે જ જોવા મળે છે.