1 રૂપિયાના વટાણાના પેકેટથી શરૂ કર્યો બિઝનેસ ને આજે બનાવી દીધી પોતાની ફેક્ટરી

જયપુરઃ રાજસ્થાનના ટોંક જીલ્લાનો અંશુલ ગોયલે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો, પરંતુ ધંધો કરી રહ્યો છે સ્નેક્સ વેચવાનું. કોલેજ દરમિયાન જ ઉદ્યોગ સાહસિકતા સંબંધિત પ્રોજેક્ટ દરમિયાન જ અંશુલે બિઝનેસ કરવાનો નિર્ણય કરી લીધો હતો. પરિવારજનોના કહેવાથી દોઢ વર્ષ સરકારી નોકરીની તૈયારી પણ કરી, પણ મન લાગ્યું નહીં તો બંધ કરી દીધું. 3 વર્ષમાં પોતાના પાર્ટનર સાથે મળીને 1-1.5 લાખ રૂપિયા પ્રતિની માસિક આવક પર પહોંચી ગયો છે.

અંશુલ પોતાની સફળતા અંગેની કહાણી જણાવતા કહ્યું કે,‘એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન મને લાગ્યું કે નોકરીના બદલે મારે બિઝનેસમાં જવું જોઈએ. હું એક સેલરી પર બંધાઈને કામ કરવા માગતો નહોતો અને પોતાના કામનો બોસ બનવા માગતો હતો. કોલેજમાં થર્ડ યરમાં એન્ટ્રપ્રિનયોરશિપ પ્રોગ્રામમાં ભાગ લીધો. એક બિઝનેસ પ્રોજેક્ટ પર કામ કર્યું. ત્યારે દિમાગમાં એ વાત ઘર કરી ગઈ કે બિઝનેસ જ કરવો છે. ઘરના લોકો ઈચ્છતા હતા કે હું અભ્યાસ કરીને નોકરી કરું. સરકારી નોકરીની તૈયારી પણ કરી, પરંતુ થોડા દિવસ પછી મન લાગ્યું નહીં અને બિઝનેસ વિશે વિચારવા લાગ્યો.’

અંશુલે આગળ જણાવ્યું કે,‘હું માર્કેટમાં બિઝનેસ સર્ચ કરી રહ્યો હતો કે આખરે શું કરી શકાય તેમ છે. મારા મોટા ભાગના સંબંધીઓ બિઝનેસમેન જ છે. તેમને પણ કન્સલ્ટ કરી રહ્યો હતો. મુસીબત એ હતી કે બિઝનેસ શરૂ કરવા માટે વધુ પૈસા નહોતા. જે કંઈ પણ કરવાનું હતું એ નાના બજેટમાં જ કરવાનું હતું. હું જોઈ રહ્યો હતો કે કઈ પ્રોડક્ટ કેટલી વેચાઈ શકે છે. એની માર્કેટમાં ક્રેડિટ કેટલા દિવસની હોય છે. સૌથી વધુ કયા લોકો એને ખરીદે છે. અનેક ચીજો જોયા પછી મને લીલા વટાણાનું કામ સમજમાં આવ્યું.’

‘મેં જોયું કે એક રૂપિયામાં ફ્રાઈ મટર વેચાય છે. આ પેકેટ ખાસ કરીને બાળકોને ટાર્ગેટ કરીને માર્કેટમાં ઉતારાય છે. રિસર્ચ કરવાથી મને ખ્યાલ આવ્યો કે આ કામમાં ખૂબ વધારે રોકાણ પણ નહોતું અને રિટર્ન મળવાની પૂરેપૂરી સંભાવના હતી. 2017માં મેં જયપુરથી જ દોઢ લાખ રૂપિયામાં આ કામ શરૂ કર્યું. મારા 60થી 70 હજાર રૂપિયા પ્રિન્ટિંગમાં ખર્ચ થયા, કેમ કે પ્રિન્ટિંગનો ઓર્ડર બલ્કમાં આપવો પડે છે.’

અંશુલે કહ્યું, ‘પચાસ હજાર રૂપિયામાં પેકિંગનું એક સેકન્ડ હેન્ડ મશીન ખરીદ્યું. આ ઉપરાંત મંડીમાંથી 200 કિલો સૂકા વટાણા ખરીદ્યા. શરૂઆતમાં 1 મહિનો ભારે મુશ્કેલીઓ આવી. અનુભવ ન હોવાથી અમારા વટાણા પૂરેપૂરા ફ્રાય થઈ શકતા નહોતા. ક્યારેક ક્રિસ્પી બનતા નહોતા. ક્યારેક તેલ વધુ રહી જતું હતું તો ક્યારેક મસાલા સારી રીતે મિક્સ થતા નહોતા. મેં મારા ઓળખીતા દુકાનદારોને સેમ્પલિંગ માટે પેકેટ આપ્યાં હતાં. તમામે ફીડબેક આપ્યો પછી ખબર પડી કે તેલ સૂકવવા અને મસાલા લગાવવા માટે પણ મશીન આવે છે. અન્ય નાની નાની વાતો પણ જાણવા મળી.’

અંશુલે આગળ જણાવ્યું કે, ‘એક મહિનાના લર્નિંગ પછી મને ખબર પડી કે ઉત્તમ ક્રિસ્પી મટર કેવી રીતે તૈયાર કરાય છે. અમે સારો માલ તૈયાર કરવા લાગ્યા. મહિનામાં જ ઓર્ડર વધવા લાગ્યા. પ્રથમ ટોંક જિલ્લાના ગામમાં જ હું પેકેટ પહોંચાડતો હતો. બીજા મહિનાથી જ મારી 45થી 50 હજાર સુધીની બચત થવા લાગી. આ કામ 6 મહિના સુધી ચાલતું રહ્યું. પછી દુકાનદારોએ જ કહ્યું, આની સાથે સ્નેક્સની બીજી પ્રોડક્ટ્સ આવે છે, એ પણ વધારો. એ પ્રોડક્ટસની પણ ઘણી ડિમાન્ડ હોય છે. મેં પણ વિચાર્યું કે પ્રોડક્ટ્સ વધારીશ નહીં તો કામ કઈ રીતે વિસ્તરશે. મટરના કામમાં મેં એક વ્યક્તિને મટર ફ્રાય કરવા માટે રાખ્યો હતો અને બીજાને પેકિંગ માટે. માર્કેટિંગનું કામ હું પોતે જોઈ રહ્યો હતો.’

અંશુલે આગળની જર્ની વિશે જણાવ્યું કે, ‘મારી પાસે અનેક પ્રોડક્ટસ કરવા માટે પૈસા નહોતા. પછી પોતાની સાથે એક પાર્ટનરને જોડ્યો. અમે સૌપ્રથમ ફર્મ રજિસ્ટર કરાવી. માર્કેટ અને બેંકમાંથી લગભગ 50 લાખ રૂપિયા ઉઠાવ્યા અને એકસાથે 11 પ્રોડક્ટ લોન્ચ કરી દીધી. ટોંકની સાથે જ જયપુર અને બીજા એરિયામં પણ અમે ડિસ્ટ્રિબ્યુશન થકી પ્રોડક્ટસ પહોંચાડવા લાગ્યા. કોરોના અગાઉ અમારી માસિક આવક એકથી દોઢ લાખ હતી. માર્કેટમાંથી જે પૈસા ઉઠાવ્યા હતા એમાંથી 50% ચૂકવી પણ દીધા.’

કોરોનાની ધંધા પર અસર અંગે અંશુલે કહ્યું કે,‘કોરોનાને કારણે 6 મહિનાની બ્રેક લાગી ગઈ હતી. હવે ફેક્ટરી ફરીથી શરૂ કરી દીધી છે. આજે મારી પાસે લગભગ 30 લાખ રૂપિયાનાં મશીનો છે. 8-10 વર્કર છે. પેકિંગથી લઈને ડ્રાય કરવા સુધીનાં મશીનો છે. હવે અમે દિવાળી પછી ચિપ્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. જે લોકો પોતાનું કામ શરૂ કરવા માગે છે તેમને કહીશ કે જે કામ કરવું હોય પહેલા તે અંગે રિસર્ચ કરો. એ પ્રોડક્ટના માર્કેટને સમજો. કોમ્પિટિશન ખૂબ વધારે છે, જો યોગ્ય પ્લાનિંગથી નહીં જાઓ તો નુકસાન થઈ શકે છે.’ અંશુલ યુ-ટ્યૂબ પર કામકાજી ચેનલ દ્વારા લોકોને બિઝનેસ એડવાઈઝ પણ આપે છે.