વિદેશ જતા પહેલા વાંચી લેજો, પટેલ યુવકને મળ્યું કંપારી છૂટાવી દેતું મોત

નવસારી જિલ્લો NRI પંથક તરીકે જાણીતો છે. જલાલપુર સહિત કાંઠા વિસ્તારનાં ગામોના અનેક યુવાનો રોજગારી અર્થે અમેરિકા, લંડન સહિતના વિદેશી દેશોમાં સ્થાયી થયા છે. મૂળ જલાલપુર તાલુકાના વડોલી ગામના અને હાલ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રહેતા 32 વર્ષીય જનક પટેલની લૂંટારાઓએ હત્યા કરી હતી. ઓકલેન્ડ ખાતે આવેલી એક દુકાનમાં બે દિવસ અગાઉ લૂંટારાઓ ત્રાટક્યા હતા. મિત્રની દુકાનમાં લૂંટના ઇરાદે આવેલા લૂંટારાઓએ ડોલરની માગ કરતી વેળા તેમનો વિરોધ કરવા જતાં પત્નીની નજર સામે જ ભારતીય યુવકને ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાને પગલે ઓકલેન્ડમાં ચકચાર મચવા સાથે પારિવારિક સભ્યો સહિત ગામમાં શોક પ્રસરી ગયો છે.

મિત્રની દુકાન યુવક ચલાવી રહ્યો હતો
દક્ષિણ ગુજરાતમાંથી વિદેશ જઈને સ્થાયી થયેલા ગુજરાતી પરિવારો સાત સમુદ્ર પાર હવે સલામત રહ્યા નથી એવું જોવા મળી રહ્યું છે. છાશવારે ભારતીયોની વિદેશમાં હત્યા કરવામાં આવી રહી હોવાના બનાવો બની રહ્યા છે. દુનિયાની મહાસત્તા ગણાતા અમેરિકા, ન્યૂઝીલેન્ડ પણ હવે અશ્વેત લૂંટારાઓથી ભારતીયોને સુરક્ષા આપી શકતું નથી. ઓકલેન્ડમાં રહેતા ધર્મેશ પટેલે લગ્નપ્રસંગ માટે નવસારીમાં આવવાનું હોવાથી મિત્ર જનકને પોતાની જનરલ સ્ટોર ચલાવવા આપ્યો હતો.

મિત્રની શોપને લૂંટતી બચાવવા જતાં મોત મળ્યું
આ દરમિયાન 23 તારીખે સવારે 8:30 વાગ્યે દુકાનમાં લૂંટારાઓ ત્રાટકયા હતા. આ લૂંટારાઓનો જનક પટેલે પ્રતિકાર કરતાં તેમણે તેની પત્નીની સામે જ તેના ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ચપ્પુના આઠથી દસ જેટલા ઘા ઝીંકી ભારતીય યુવાનનું ઢીમ ઢાળી દીધું હતું. એ બાદ લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા. નવસારીથી આઠ મહિના અગાઉ જ ન્યૂઝીલેન્ડ સ્થાયી થવા ગયેલા યુવાનને મિત્રની શોપને લૂંટતી બચાવવા જતાં મોત મળ્યું હતું, જેથી ઓકલેન્ડમાં વસતા ભારતીયોમાં પણ ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.

આઠ મહિના અગાઉ જ વિદેશમાં સ્થાયી થયો હતો
જલાલપોર તાલુકાના મરોલી કાંઠા વિસ્તારના વડોલી ગામના વતની અને NRI યુવાન એવા જનક કાળીદાસભાઈ પટેલના લગ્ન અઢી વર્ષ અગાઉ જલાલપોર તાલુકાના નીમલાઈ ગામની વિજેતા પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ બંને દંપતીઓ કોરોનાકાળ દરમિયાન ન્યૂઝલેન્ડ જઈ શક્યા નહોતાં, પરંતુ ત્યાર બાદ આઠ મહિના અગાઉ જ જનક પટેલ તેની પત્ની સાથે ન્યૂઝીલેન્ડના હેમિલ્ટન ખાતે સ્થાયી થવા માટે ગયા હતા, જ્યાં તેમની બહેન પણ ત્યાં રહેતી હોવાથી દુકાનમાં કામ કરી ગુજરાન ચલાવતા હતા. એ દરમિયાન આ દુઃખદ ઘટના બની હતી.

આરોપીઓને ઝડપથી પકડી લેવાની પરિવારજનોની માગ
જલાલપોરના વડોલી ગામે રહેતા પરિવારજનોએ પણ આ સમગ્ર મામલે આરોપીઓને ઓકલેન્ડની સ્થાનિક પોલીસ ઝડપથી પકડી પાડી તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરે એવી માગ કરી છે, સાથે જ લાંબા સમયથી ભારતીયો સાથે આવા પ્રકારની ઘટનાઓમાં વધારો થયો છે, એ અટકવી જોઈએ અને ભારત સરકારે પણ મધ્યસ્થી કરીને આવી ઘટનાઓ ન બને એને લઈને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સમજૂતી થાય એવી માગ કરી છે.