રાહુલ-આથિયા ઠંડીમાં નીકળ્યા ડેટ પર, સાથે હતો રોબિન ઉથપ્પા અને તેની પત્ની, જુઓ તસવીરો

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર કે એલ રાહુલ અભિનેત્રી આથિયા શેટ્ટીને ડેટ કરતો હોવાની વાત હવે કન્ફર્મ થઈ ગઈ છે. બેટ્સમેન કે એલ રાહુલ અને અભિનેતા સુનીલ શેટ્ટીની દીકરી આથિયા વચ્ચે અફેર હોવાની ચર્ચા ઘણા સમયથી ચાલી આવે છે. જોકે બંનેએ ખુલ્લીને ક્યારેય આ વાતનો સ્વીકાર્ય કર્યો નહોતો. જોકે હાલમાં આથિયા શેટ્ટી બોયફ્રેન્ડ કે એલ રાહુલ સાથે ડેટ પર ગઈ હતી. આ લવબર્ડની સાથે ક્રિકેટર ઉથપ્પા અને તેની પત્ની પણ હાજર હતી.

રોબિન ઉથપ્પાની પત્ની શીતલ ઉથપ્પાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગેટ-ટુગેધરની બે તસવીરો શેર કરી છે. તસવીરમાં રાહુલ, આથિયા, ઉથપ્પા અને શીતલ ડાઉનિંગ ટેબલ પર બેઠાં છે અને હસતા હસતા તસવીરો ખેંચાવી રહ્યા છે. આ તસવીરો પરથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે રાહુલ અને આથિયા એક બીજાને ડેટ કરે છે.

ઉથપ્પાની પત્નીએ તસવીરો શેર કરતાં લખ્યું છે, ‘‘હું સૌથી અદભુત દોસ્ત સાથે મોટી થઈ છું. તે (દોસ્ત) શરૂઆતથી જ મારો પરિવાર રહ્યા છે. આભારી છું કે જીવનના દરેક ચરણમાં આ પરિવાર આગળ વધી રહ્યો છે.’’ શીતલ ઉથપ્પાએ આ સાથે હસતી આંખો, નમસ્તે, પ્રેમમાં ડૂબેલા ચહેરા અને હાર્ટવાલી ઈમોજી પણ શેર કરી છે. તેણે પોતાની પોસ્ટને friendswhoarefamily, love અને gratefulને ટેગ પણ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ અને આથિયા બંને જ્યારે સાથે જોવા મળ્યા ત્યારે લાઈમલાઈટમાં આવ્યા છે. રાહુલ અને બોલિવૂડના અન્ના એટલે સુનીલ શેટ્ટીની દીકરી આથિા વચ્ચે અફેરની ચર્ચા લાંબા સમયથી ચાલી આવે છે, પણ બંનેએ ક્યારેય આનો સ્વિકાર કર્યો નથી. જોકે આ તસવીરો બંને ડેટ કરતાં હોવાનો પુરાવો છે.

થોડાક દિવસ પહેલા કે એલ રાહુલે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી. તે તસવીરો મેલબોર્નની હતી. એક તસવીરમાં રાહુલ રોડ પર ફરતો જોવા મળ્યો હતો, જ્યાર એક તસવીરમાં તે બેંચ પર બેઠો જોવા મળ્યો હતો. તેણે તસવીરના કેપ્શનમાં લખ્યું હતું- ‘મેલબોર્ન અર્કાઇવ’. રાહુલની આ પોસ્ટ પર આથિયાએ કમેન્ટ બોક્સમાં હાર્ટવાળી ઈમોજી પોસ્ટ કરી હતી.

અભિનેતા સુનીલ શેટ્ટી પણ એક વખત ઈન્ટર્વ્યૂમાં પરોક્ષ રીતે સ્વીકાર કર્યો હતો કે તેને બંને (રાહુલ-આથિયા)ના સંબંધને લઈને કોઈ વાંધો નથી.

રાહુલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ઈજાના કારણએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ રમી શક્યો નહોતો. તેણે સીરિઝ વચ્ચે મૂકીને ભારત પરત આવવું પડ્યું હતું. જોકે તે હવે ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાનારી ટી20, વન-ડે અને ટેસ્ટમાં રમતો જોવા મળી શકે છે.