આ છે મોસ્ટ વોન્ટેડ લેડી ડોન, જે કડકડાટ બોલે છે અંગ્રેજી

રાજસ્થાનમાં લેડી ડૉનથી ઓળખાતી અનુરાધા ચૌધરીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે તેમની પાસેથી હથિયાર પણ કબજે કર્યા છે. તેના પર રાજસ્થાન પોલીસ સાથે દિલ્હી પોલીસે પણ ઇનામ જાહેર કર્યું હતું. અનુરાધા ઘણાં મોટા ગેંગસ્ટરની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. અત્યારે અનુરાધા કુખ્યાત કાલા જઠેડી સાથે લિવ ઈનમાં રહેતી હતી. સાથે જ આખી ગેંગને ખુદ ઓપરેટ કરતી હતી. તો અમે તમને જણાવીએ કે, અનુરાધા ચૌધરી કેવી રીતે બની ગઈ લેડી ડૉન.

લેડી ડૉન વિરુદ્ધ રાજસ્થાન ઉપરાંત દિલ્હી-હરિયાણામાં હત્યાના પ્રયાસ અને લૂંટ સહિત ઘણી ફરિયાદ દાખલ છે. તે રાજસ્થાનના ખતરનાક ગેંગસ્ટર રહેલાં આનંદપાલ ગેંગમાં સૌથી પહેલાં જોડાઈ હતી. ત્યાંથી જ તે ક્રાઇમ શીખી હતી. કહેવામાં આવે છે કે, તે આનંદપાલની પ્રેમિકા પણ રહી ચૂકી છે.

અનુરાધાને આનંદપાલે શાર્પ શૂટર બનાવી હતી. અનુરાધા કિડનેપ કરવામાં એક્સપર્ટ માનવામાં આવે છે. આનંદપાલ ગેંગમાં તે મેડમ મિઝ નામથી ઓળખાતી હતી. AK-47 જેવા હથિયાર ચલાવવામાં પણ તે માહેર માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં પોલીસ અથડામણમાં આનંદપાલ માર્યો ગયો હતો. આ પછી તેણે આનંદપાલની ગેંગ સંભાળી લીધી હતી. એટલું જ નહીં જ્યારે આનંદપાલ જેલ ગયો ત્યારે પણ તેને છોડાવવાનો અનુરાધાએ પ્રયત્ન કર્યો હતો. આનંદપાલના મોત પછી તે ગેંગને સંભાળતી હતી.

અનુરાધા મૂળ રાજસ્થાનના સીકરની રહેવાસી છે. તેના ઘરનું નામ મિટ્ટૂ છે. બાળપણમાં તેની માનું નિધન થઈ ગયું હતું. તેણે પોતાનું સ્કૂલિંગ માંડ-માંડ પુરું કર્યું હતું. અનુરાધાના પિતા દિલ્હી નોકરી કરવા માટે ગયાં હતાં. આ પછી સીકરમાં અનુરાધા દીપક મિઝને પ્રેમ કરવા લાગી હતી અને તેની સાથે લવ મેરેજ કરી લીધા હતાં.

અપરાધની દુનિયામાં માહેર અનુરાધા ભણવામાં ખૂબ જ હોંશિયાર હતી. તેણે BSCમાં ડિગ્રી મેળવી છે. અંગ્રેજી તે કડકડાટ બોલે છે. અનુરાધા અપરાધની દુનિયામાં લગ્ન પછી આવી હતી. લગ્ન પછી તે સીકર આવીને રહેતી હતી અને પતિને શેર બજારમાં મદદ કરતી હતી.

શેર માર્કેટ દરમિયાનમાં તેના પતિને કરોડોનું નુકસાન થઈ ગયું. કેટલાય લોકોએ તેમના રૂપિયા પાછા આપ્યા નહીં. કહેવામાં આવે છે કે, લોકોએ તેમના રૂપિયા ના આપતાં તેણે રાજસ્થાનના નામી ગેંગસ્ટર આનંદપાલ પાસે રજૂઆત કરી હતી. આ પછી અનુરાધા અને આનંદપાલની ફ્રેન્ડશિપ ગાઢ થઈ ગઈ હતી. પછી તેણે તેના પતિનો સાથ છોડી દીધો અને તેની ગેંગમાં સામેલ થઈ ગઈ હતી.