આ લેડી સિંઘમનું નામ સાંભળતા જ થર-થર કાંપવા લાગે છે ગુનેગારો, કામ એવા કર્યાં કે તમે પણ મારશો સલામ

રાંચીઃ આપણા સમાજમાં મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવે છે. મહિલાઓની સફળતાઓ અને કામો બદલ ધન્યબાદ પાઠવવા માટે આખી દુનિયામાં 8 માર્ચે મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહિલા દિવસ પર અમે તમને મહિલાની સક્સેસ સ્ટોરી અંતર્ગત એક દબંગ, નિડર અને લોકોની સાચા અર્થમાં સેવા કરતી એક મહિલા વિશે જણાવીશું. તેનો કામ કરવાનો અંદાજ જ એવો હતો કે, ગુનેગારો માત્ર નામ સાંભળાતાં પણ થર-થર કાંપવા લાગતા હતા. તેનું નામ છે આઈએએસ વિજયા નારાયણ રાવ જાધવ, જે અત્યારે ગિરિડીહ (ઝારખંડ) માં એસડીએમના પદે ઓક્ટોબર 2017 થી સેવા આપી રહી છે. જાધવને કોઇપણ ગેરકાયદેસર કામની માહિતી મળે કે તરત જ તે જાતે જ ઘટનાસ્થળે પહોંચી જાય છે.

વિજયા જાધવ પુણેની રહેવાસી છે. તેમણે જણાવ્યું હતું કે તેમની માતા એકદમ ભણેશરી વ્યક્તિ હતાં. તેને જોઇને જ તેમને પણ ભણવામાં રસ જાગ્યો. શરૂઆતની સ્ટડી પૂરી કરી તેમણે સિવિલ સર્વિસની તૈયારી કરી. વર્ષ 2015માં તેમને સફળતા મળી અને તે આઈએએસ ઓફિસર બન્યાં. અત્યારે મીડિયાથી લઈને બધે તેમના નામની ચર્ચા થાય છે. તેમનું નામ દેશની ટોપ 10 નિડર અને દબંગ મહિલાઓમાં થાય છે.

જાધવ અત્યારે ગિરિડીહમાં સેવા આપી રહી છે, જે દેશના પાંચ સૌથી પછાત જિલ્લાઓમાંનો એક છે. અહીં બાલુ માફિયા, ગેરકાયેદર ખાણકામ, ગેરકાયેદર ફટાકડાની ફેક્ટરી જેવાં ઘણા ગેરકાયદેસર કામ થવાં એકદમ સામાન્ય વાત છે. આવાં ગેરકાયદેસર કામો નિયંત્રણમાં લાવવા વિજયા વારંવાર રેડ પાડતી રહે છે અને ખનન માફિયાઓને સજા પણ આપાવે છે.

તે જણાવે છે કે ઝારખંડ, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવું વિકસિત રાજ્ય નથી. આ રાજ્યોમાં એક પ્રણાલી અને બુનિયાદી ઢાંચો છે, જે અહીં નથી. એટલે ઝારખંડના નિવાસીઓ માટે બહુ કામ કરવાની જરૂર છે. રાજ્યની પ્રગતિ માટે એક મજબૂત વ્યવસ્થા બનાવવાની જરૂર છે, જેના માટે અધિકારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની જરૂર પડશે.

વિજયા બધી જ યુવતીઓ માટે એક પ્રરણા છે અને તે આત્મવિશ્વાસ અને સાહસથી ગિરિડીહ જેવા પછાત જિલ્લાઓમાં પોતાની નીતિઓ અને કાયદાનું પાલન કરી સુશાસન સ્થાપિત કરી રહી છે.

જાધવની કામ કરવાની રીતથી અહીંના માફિયાઓમાં ખળાભળાટ વ્યાપી ગયેલો છે. જેઓ દર વર્ષે કરોડો રૂપિયામાં ગેરકાયદેસર ખાણકામ અને બીજાં ગેરકાયદેસર કામ કરે છે. કોઇના પણ દબાણમાં આવ્યા વગર કરેલી કાર્યવાહીઓથી અહીંનાં ગુનાખોરી તત્વો અત્યારે ડરેલાં છે.

આ મહિલા અધિકારીના નામે ઘણા રેકોર્ડ છે. એકવાર તેણે કુરૈશી મહોલ્લામાં ગાય તસ્કરો વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી બધાંને ચોંકાવી દીધા હતા. જાન્યુઆરી 2018માં એસડીએમ આખી ફોર્સ સાથે મોર્નિંગ વૉકના ડ્રેસમાં જ પહોંચ્યા હતા. હાથમાં માત્ર પાણીની એક બોટલ હતી. એસડીએમને જોતાં જ ત્યાં ભાગ-દોડ થઈ ગઈ હતી અને અફરાતફરી થઈ ગઈ હતી.

ત્યારબાદ તે સીધા જ કતલખાને પહોંચ્યા અને સાથે આવેલ પશુપાલન ઓફિસરને માંસનાં સેમ્પલ લેવાનું કહ્યું હતું. એસડીએમએ અહીંથી 50-60 ગાયો અને વાછરડાંને મુક્ત કરાવ્યાં હતાં. મહોલ્લામાં બનેલ આ મોટા કતલખાનામાંથી લેડી આઈએએસ પોતાની જાતે ગાયોને પકડી-પકડીને બહાર કાઢી હતી.

એકવાર મહિલા અધિકારીને માહિતી મળી હતી કે જે-તે વિસ્તારમાં દારૂની દુકાનોની પાસે ઢાબાઓમાં ગેરકાયદેસર રૂપે દારૂ વેચવાનું અને પીવડાવવાનું કામ કરવામાં આવે છે. સૂચના મળતાં જ એસડીઓ જાધવે ટીમ બનાવી.

રાતના સમયે ટોર્ચ લઈને જાતે જ ટીમ સાથે ત્યાં પહોંચ્યા અને રેડ પાડી મોટી માત્રામાં દારૂ કબજે કર્યો. સાથે-સાથે ત્રણ લોકોની પણ ધરપકડ કરી. લોકોએ આ કામ બદલ ભરપૂર વખાણ પણ કર્યાં હતાં.

વર્ષ 2017માં મહિલા અધિકારી જાધવે બેંગાબાદમાં ગેરકાયદેસર સ્ટોન ક્રશિંગ યુનિટ સીલ કર્યું હતું. તે ત્યાં રેડ પાડવા માટે અચાનક જ પહોંચ્યા હતાં. આરોપીઓ પાસે યુનિટ ચલાવવાનું લાઇસન્સ પણ નહોતું. એસડીએમએ રેડ સમયે ક્રશર માલિક પાસે કાગળિયાં માંગ્યાં તો તેના હોશ ઊડી ગયા હતા. સતત કાર્યવાહીઓથી આ વિસ્તારમાં અત્યારે ગેરકાયદેસર કામ કરતા લોકો ડરે છે.

લેડી સિંઘમ તરીકે ઓળખાતી જાધવ સામાન્ય કપડાંમાં જ રેડ પાડે છે. તે ક્યારેક મૉર્નિંગ વૉક સમયે તો ક્યારેક રાત્રે ટૉર્ચ લઈને અપરાધીઓ પર કાર્યવાહી કરે છે. રાજ્યમાં ગેરકાયદેસર કામો રોકવા માટેનો તેમનો આ અંદાજ બહુ ચર્ચામાં છે.