દુલ્હને ઘોડી પર બેસીને કાઢી જાન, ચશ્મા ને પાઘડીમાં પાડ્યો કંઈક આવો વટ

જબલપુરઃ અત્યાર સુધી તમે માત્ર વરરાજાને ઘોડી પર ચઢતો જોયો છે. તે જાન લઈને દુલ્હનના ઘરે જતો હોય છે. જોકે, તમે દુલ્હનને ઘોડી પર બેસીને વરરાજાના ઘરે જાન લઈ જતી જોઈ છે. તમે કહેશો કે આવું કંઈ હોતું હશે. અમે તમને આવી જ એક ઘટના અંગે વાત કરીશું, જે મધ્યપ્રદેશમાં બની છે. મધ્યપ્રદેશના સતનામાં દુલ્હન જાન લઈને વરરાજાના ઘરે ગઈ હતી.

મધ્યપ્રદેશના સતના જિલ્લાના વલેચા પરિવારની એકની એક દીકરી ઘોડી પર બેસીને પરણવા ગઈ હતી. ધૂમધામથી જાન સતનાથી કોટા નીકળી હતી. દુલ્હન ઘોડી પર બેસીને ગઈ હતી. પરિવારે દીકરીની માત્ર ઈચ્છા જ પૂરી ના કરી પરંતુ સમાજને એક સંદેશો આપ્યો કે દીકરીઓ ક્યારેય કોઈની પર બોજ હોતી નથી.

પરિવારે કહ્યું હતું કે દીકરી તથા દીકરા વચ્ચે કોઈ અંતર નથી. સમાજે જેટલો અધિકારી દીકરાઓને આપ્યે છે તેટલો જ અધિકારી દીકરીઓને પણ આપવામાં આવે. તો દુલ્હને કહ્યું હતું કે તેને ક્યારેય વિચાર્યું નહોતું કે તે પણ ક્યારેક ઘોડી પર બેસશે. જ્યારે તેને જોયું કે પરિવારે આટલું બંધું કર્યું તે જોઈને તેને ઘણું જ સારું લાગ્યું હતું.

દુલ્હન દીપાએ એમ કહ્યું હતું કે તે એ સંદેશો આપવા માગે છે કે યુવતીઓ ક્યારેય પરિવાર માટે બોજો હોતી નથી. તમામે વિચારવું જોઈએ કે દીકરીઓ પણ દીકરાઓની બરોબરીમાં જ છે. આથી જ તેમને એટલો પ્રેમ મળવો જોઈએ, જેટલો છોકરાઓને આપવામાં આવે છે.

પરિવારે કહ્યું હતું કે તેમના ત્યાં ઘણાં વર્ષો બાદ દીકરી જન્મી છે અને તેથી જ તેઓ દીકરા કરતાં દીકરીને વધુ પ્રેમ કરે છે.

પરિવારે આગળ કહ્યું હતું કે સમાજમાં મોટાભાગે દીકરાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. આથી તેમણે દીકરીની જાન કાઢીને સમાજને સંદેશ આપ્યો કે દીકરીઓનું સન્માન કરો, કારણ ક દીકરી છે તો આવતીકાલ છે. દુલ્હનની માતા નેહાએ કહ્યું હતું કે જે રીતે દીકરાઓની જાન કાઢવામાં આવે છે, તે જ રીતે તેમનું સપનું હતું કે દીકરીની જાન નીકળે. 25 વર્ષ બાદ પરિવારમાં કોઈ દીકરીના લગ્ન થયા અને તમામ ખુશ હતા.

આજે સમાજમાં કેટલીક કુરીતિઓ છે અને તેમાંથી જ એક દીકરીને બોજ સમજવાની છે. દીપાના લગ્ન સમાજ માટે સંદેશ હતો.