પતિ દુબઈમાં કરે છે વસવાટ, મહિલા પુત્ર સાથે બે વર્ષથી ઘરમાં હતી કેદ, હચમચાવી મૂકતી ઘટના

રાજકોટમાં ફરી વખત એક સેવાભાવી સંસ્થાએ 45 વર્ષની એક એવી મહિલાને મુક્ત કરાવી છે કે જે છેલ્લા 2 વર્ષથી રૂમમાં બંધ હતા. કારણ કે આ મહિલાનું વજન 200 કિલોથી વધુ હોવાની સાથે તેમની માનસિક સ્થિતિ સારી નથી. તેના કારણે આ મહિલા ઘરમાં પુરાયેલા હતા. તેથી અભયમ્ સંસ્થાએ મહિલા અને તેમના પુત્રને મુક્ત કરાવ્યા. આ ઉપરાંત મહિલાના 13 વર્ષના દીકરાને દત્તક લઈ તેને ઉચ્ચ શિક્ષણ આપવવાની જવાબદારી પણ ઉપાડી છે.

રાજકોટ શહેરના ગાંધીગ્રામ વેલનાથ ચોક પાસે આવેલા ગોવિંદનગર શેરી નં. 2માં રહેતા સરલાબેન કાન્તિભાઈ પ્રજાપતિ છેલ્લા 2 વર્ષથી ઘરમાં તેમના દીકરા સાથે રહે છે. જ્યારે તેમના પતિ છેલ્લા ઘણા સમયથી દુબઈમાં વસવાટ કરે છે. સરલાબેનને 2 વર્ષ પૂર્વે સારણગાંઠનું ઓપરેશન થયું હતું. ત્યાર બાદ તેમની માનસિક સ્થિતિ બગડી હતી અને પરિણામે તેઓ શૌચક્રિયા તેમની પથારી પર જ કરતા હતા.

જે અંગે સોસાયટીના રહીશોએ 181 અભયમને જાણ કરી હતી. જે મારફતે સંસ્થાને પ્રાથમિક માહિતી મળતા તેઓ મહિલાના ઘરે ટીમ આવી પહોંચી હતી. તે સમયે ઘરની હાલત ચોંકાવનારી હતી. સંસ્થાના ભગવતીબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, સરલાબેનને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાદમાં કોરોના સહિતના તમામ રિપોર્ટ નેગેટિવ આવતા ફરી તેમને ઘરે લાવવામાં આવ્યા હતા.

તેમના જણાવ્યા મુજબ તેમની ટીમ મહિલાના ઘરની સાફ સફાઈ કરશે અને તેમના 13 વર્ષના પુત્રને ઉચ્ચ શિક્ષણ પણ આપશે. હાલ સરલાબેન પ્રજાપતિની આ હાલત ક્યાં કારણે થઇ તે અંગે વધુ વિગતો એકત્રિત કરાશે. આ ઉપરાંત સરલાબેન પ્રજાપતિને નવું જીવન મળે તે બાબતે પણ સંસ્થા તરફથી પ્રયાસ કરવામાં આવશે.

મહત્વનું છે કે, રાજકોટ શહેરમાં થોડા દિવસો પહેલા એમબીએ અને ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરી રહેલી યુવતીને તેના જ ઘરમાંથી મુક્ત કરાવવામાં આવી હતી. જે સમયે સાથી સેવા સમાજ ગ્રુપ દ્વારા યુવતીને મુક્ત કરાવવામાં આવી ત્યારે તેણે છેલ્લા એક અઠવાડિયાથી અન્ન જળ માંથી કંઈ જ લીધું નહોતું. જેના કારણે તે કોમામાં સરી ગઈ હતી.

જો કે, સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ પણ નીપજ્યું હતું. યુવતીના ઘરમાંથી યુરીનની કોથળીઓ પણ મળી આવી હતી. જેના કારણે યુવતીના માતા-પિતા ઉપર ઘણા સવાલો ઊભા થયા હતા.