બેંક લોકર ખોલીને જોયું તો વડોદરાની મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ, જાણો બેંકે શું આપ્યો જવાબ?

જો તમે બેંક ખાતાના બદલે બેંકના લોકરમાં પૈસા રાખવાની આદત ધરાવતા હોવ તો ચેતી જજો. કારણ કે એવું બની શકે કે લોકરમાં મુકેલા પૈસા સલામત ન હોય. આવી જ ઘટના બની છે વડોદરામાં. જ્યાં બેંક ઓફ બરોડાની બેદરકારી સામે આવી છે. બેંક ઓફ બરોડાના લોકરમાં મુકેલા એક મહિલા ખાતેદારના 2.20 લાખ રૂપિયા ઊંધઇ ખાઇ ગઇ હતી. જેને લઈ મહિલા ખાતેદારે બેંકમાં હોબાળો મચાવ્યો. એટલું જ નહીં, તેમણે બેંક પાસે વળતરની માંગણી કરી છે.

કહેવાય છે કે પૈસા ન વાપરો તો ઉધઇ ખાઇ જાય. આ કહેવત હવે સાચા અર્થમાં સાચી સાબિત થઇ છે. ઘટના બની છે વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા અપ્સરા સ્કાઇલાઈન કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલી બેંક ઓફ બરોડા શાખામાં. જેમાં ખાતેદારોને લોકરની સગવડ આપવામાં આવે છે. જ્યાં એક મહિલાએ લોકરમાં મૂકેલા 2.20 લાખ રૂપિયા ઊધઈ ખાઈ ગઈ. બેંકના કર્મચારીઓને શંકા છે કે અન્ય લોકરમાં પણ ઊધઈ આવી હોઈ શકે છે.

વાત એમ બની કે બેંક ઓફ બરોડાની પ્રતાપનગર શાખામાં રેહાનાબેન કુતુબુદ્દીન ડેસરવાલાનું લોકર છે. તેમણે પોતાના લોકર નંબર-252માં 2.20 લાખ રૂપિયા મુક્યા હતા. જેમાં રૂપિયા 5, 10, 100 અને 500ની ચલણી નોટો સામેલ હતી. રેહાનાબેનને પૈસાની જરૂરિયાત હોવાથી તેઓ બેંકના લોકરમાંથી લેવા ગયાં હતાં.

જોકે બેંકનું લોકર ખોલતાંની સાથે જ તેમના પગ નીચેથી ધરતી સરકી ગઇ. લોકરમાં મૂકેલા તેમના 2.20 લાખ રૂપિયા ઊધઈ ખાઈ ગઇ હતી અને આ રૂપિયા કાગળ બનીને રહી ગયા હતા. નોટના બંડલો ઉંધઇ ખાઇ ગઇ તેની જાણ બેંકના કર્મચારીઓને પણ નહતી.

આ મામલે ખાતેદાર મહિલાએ બેંકના ફરજ પર હાજર કર્મચારીને ફરિયાદ કરી હતી. જોકે તેમણે લોકર રૂમમાં ઊધઈ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું, ત્યાર બાદ મહિલા ખાતેદારે રૂપિયા ઊધઈ ખાઇ જવા બાબતે બેંકના મેનેજરને લેખિતમાં ફરિયાદ કરી હતી અને તેમની પાસે વળતરની માંગણી કરી હતી. પરંતુ બેંક મેનેજર તરફથી સંતોષકારક જવાબ નહીં મળતા મહિલા ખાતેદારે બેંકમાં હોબાળો મચાવ્યો હતો.

મહિલાના 2.20 લાખ રૂપિયા ઊધઈ ખાઇ જતાં હવે બેંક ઓફ બરોડાના લોકરની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા થઇ રહ્યા છે. જ્યારે અન્ય ખાતેદારોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. કારણ કે ઘણાં ખાતેદારોએ અગત્યના દસ્તાવેજો લોકરમાં પડ્યા છે. આવા ખાતેદારોની માગ છે કે મહિલાને વળતર આપવામાં આવે.