લાડલી દીકરીને લગ્ન મંડપમાં આવ્યો હાર્ટ એટેક, ને થયું મોત, પરિવારે ધ્રુજતા હાથે આપી વિદાય

ભાવનગરમાંથી એક દુઃખદ બનાવ સામે આવ્યો છે જે વાંચીને તમારી આંખોમાંથી પણ આંસુઓની ધારાઓ વહેવા લાગશે એ નક્કી. ભાવનગર શહેરમાં લગ્નના માંડવે દુલ્હનને હાર્ટ એટેક આવતા ચોરીમાં ફેર ફરવાની જગ્યાએ તેની અર્થી નીકળી હતી. શહેરમાં લીલા તોરણે દુલ્હનનું મોત થતા પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી. જોકે, માંડવેથી જાન દુલ્હન વગર પાછી ફરે તેના બદલે દુલ્હનની બહેનના લગ્ન વરરાજા સાથે કરાવવામાં આવ્યા હતા. આ નિર્ણયની પ્રશંસા પણ કરવામાં આવી રહી છે.

ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં ભગવાનેશ્વર મહાદેવ મંદિર સામેના ખાંચામાં 50 વારિયા વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના જીણાભાઈ ભકાભાઈ રાઠોડના ઘરે લગ્નનો માહોલ હતો, લગ્ન ગીતો અને મહેમાનોના સ્વાગત સાથે ઘરનું વાતાવરણ ગુંજી રહ્યું હતું એવામાં જે દીકરીના લગ્નન હતા તેને હાર્ટ એટેક આવી જતા ખુશીનો પ્રસંગ માતમમાં છવાઈ ગયો હતો.

દીકરી હેતલના લગ્નની જાન નારીના આલગોતર રાણાભાઈ બુટાભાઈ આલગોતરના દીકરા વિશાલની આવી હતી. પરંતુ હેતલના લગ્ન થાય તે પહેલા કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. જીણાભાઈની દીકરીને ચક્કર આવ્યા બાદ તે બેભાન થઈ ગઈ હતી. આ પછી તાત્કાલિક સારવાર માટે 108ને જાણ કરવામાં આવી હતી.

જોકે, દીકરીનો જીવ બચાવી શકાયો નહોતો અને હાર્ટ એટેકથી તેનું મોત થઈ ગયું હતું. જે દીકરીના લગ્ન હતા તેનું નિધન થતા જે ઘરમાં લગ્નની શરણાઇઓ ગુંજતી હતી ત્યાં મરશીયા ગાવા પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. આ સંજોગોમાં જે મૃતક બહેનની નાની બહેન વરરાજાની સાળી થવાની હતી તેને જ વરરાજા સાથે પરણાવવાનો નિર્ણય ઘર દ્વારા લેવામાં આવ્યો છે. જે યુવતીનો પરિણીતા થવાનો યોગ સર્જાયો હતો.

કપરા સંજોગોમાં દીકરીના ઘરના રાઠોડ પરિવારે તત્કાલ નિર્ણય લઈને જીણાભાઈની બીજી દીકરી પરણાવી છે. દરમિયાનમાં મૃતક દીકરીના નશ્વર દેહને કોલ્ડ સ્ટોરેજમાં આવ્યો હતો. જે દીકરીના લગ્ન હતા તેની જ અંતિમ યાત્રા કાઢવામાં આવતા પરિવારની સાથે પાડોશીઓ પણ પોતાની વેદનાને રોકી શક્યા નહોતા. આ ઘટના જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.

દીકરીના લગ્ન માટે મહેમાનો ઘરે પહોંચી રહ્યા હતા અને લગ્નના ગીતો ગવાઈ રહ્યા હતા. પરંતુ દીકરી અચાનક ઢળી પડતા તેનું હાર્ટ એટેકનું મોત થઈ જવાનું માલુમ પડતા લોકોએ મરસિયા ગાવા માટે મજબૂર થવું પડ્યું હતું. દીકરીને સ્મશાન લઈને પહોંચેલા લોકોને પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે જે દીકરીને તેડવા માટે જાન આવી હતી તેનો પાર્થિવ દેહ લઈને અંતિમ યાત્રા પર જઈ રહ્યા છે.

આ અંગે ભાવનગરના કોર્પોરેટર અને માલધારી સમાજના આગેવાન લક્ષ્મણભાઈ રાઠોડ વાત કરીને જણાવ્યું કે જે ઘટના બની છે તે બહુ જ દુખદાયી છે પરંતુ જાન આવી ગઈ હતી અને દીકરી સાથે જે ઘટના બની હતી તેનાથી પરિવારને આઘાત લાગ્યો હતો. પરંતુ પરિવારને સમાજ અને ભાઈઓએ સમજાવતા તેમણે સમાજમાં દાખલો બેસાડ્યો છે અને પોતાની નાની દીકરીને વરરાજા સાથે પરણાવી હતી, કે જેથી કરીને જાન પાછી ના જાય.