બોટાદમાં અડધી રાતે ખેલાયો ખૂની ખેલ, માલધારી યુવકને તીક્ષ્ણ હથિયારો વડે રહેંસી નાખ્યો

બોટાદ તાલુકામાં આવેલા ઢાકણીયા ગામ કે જ્યાં ગઈકાલે રાત્રે આશાસ્પદ 30 વર્ષીય માલધારી યુવક નવઘણભાઈ ઝાલાભાઈ જોગરણા ભરવાડની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જૂની અદાવતમાં ભરવાડ યુવાનની હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઢાકણીયા ગામે યુવાનનું ગળું કાપી હત્યા કરાતાં ચકચાર મચી જવા પામી છે. બોટાદ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે.

બોટાદ તાલુકાના ઢાકણીયા ગામે 30 વર્ષીય નવઘણ ઝાલાભાઈ જોગરાણાની જૂની અદાવતમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી. હત્યા દરમિયાન થયેલી અથડામણમાં અન્ય બે વ્યક્તિ મુના જોગરાણા તેમજ તેજા જોગરાણાને ગંભીર ઈજાઓ થતા બોટાદ તેમજ ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.

ઢાકણીયા ગામે યુવાનની હત્યાની જાણ થતાં બોટાદ જિલ્લા પોલીસનો કાફલો સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે પહોંચ્યો અને વધુ માહિતી સાથે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટિમો બનાવી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. તો ઘટનાની જાણ થતાં ભરવાડ સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવેલ હતા.