એક અનોખાં લગ્નઃ વાછરડાંને રંગચંગે પરણાવ્યો, દુલ્હન બનેલી ગાયની થઈ વિદાય

ભગવાન શ્રીકૃષ્ણની નગરી મથુરામાં એક અનોખા લગ્ન યોજાયા હતાં. સામાન્ય વ્યક્તિના લગ્નમાં જે રીતે તૈયારીઓ કરવામાં આવે છે તેવી જ રીતે આ અનોખા લગ્નમાં તૈયારીઓ કરવામાં આવી હતી. બેન્ડ-બાઝા, જાનૈયા, દહેજ તમામ વસ્તુઓ જોવા મળી હતી. પરંતુ લગ્નમાં દુલ્હો અને દુલ્હન અલગ હતાં. દુલ્હાના રૂપમાં વાછરડું હતું તો ગાય દુલ્હન બની હતી.

વાછરડા અને ગાયના આ અનોખા લગ્નમાં હાજર લોકોએ તમામ રિત-રિવાજ પુરી કરી હતી. માથા પર સાફો બાંધીને વાછરડાનો વરઘોડો નીકળ્યો ત્યારે જાનૈયાઓ પણ જોતાં રહી ગયા હતાં. બેન્ડવાજાના તાલે જાનૈયાઓ ઝુમી ઉઠ્યા હતાં.

આ અનોખા લગ્ન જોવા માટે રોડ પર પણ લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતાં. આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

આ અનોખા લગ્નનું આયોજન કરનારે જણાવ્યું હતું કે, ગાય માતામાં 33 કરોડ દેવતાઓનો વાસ રહેલો હોય છે. આપણે રોજ ગાય માતાની પૂજા કરી શકતા નથી માટે અમે વિચાર્યું કે, નંદી અને ગાય માતાના લગ્ન કરાવી દઈએ.

નંદી અને ગાય માતાના લગ્નમાં તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. આ લગ્નની રોનક જોઈને તો જાનૈયાઓ પણ ખુશખુશાલ થઈ ગયા હતાં.

અલીગઢના કિલા બેસવાણાના ઉદયભાણ સિંહના માર્ગદર્શન હેઠળ આ જાન નાચતાં-નાચતાં થના ગામે પહોંચી હતી. જ્યાં ગાય અને વાછરડાનાં લગ્ન સંપન્ન થયાં હતા.

મહત્વની વાત એ છે કે, ગામની મહિલાઓએ જ ગાયનું કન્યાદાન કર્યું હતું. અહીં પણ આવી અનોખી જાન, વરરાજા અને દુલ્હનને જોવા માટે આસપાસના ગામોમાંથી લોકોનો ટોળેટોળાં ઉમટ્યા હતાં.