અમદાવાદમાં રહસ્યમય મોનોલિથ જોવા મળતાં સર્જાયું રહસ્ય, જુઓ તસવીરો

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે વર્ષ 2020ના છેલ્લા દિવસે વિશ્વના 30 દેશોમાં જોવા મળેલો રહસ્યમય મોનોલિથ અમદાવાદમાં જોવા મળતાં રહસ્ય સર્જ્યું છે. આ રહસ્યમય મોનોલિથ ક્યાંથી આવ્યો અને કોણ મુકી ગયો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકો જોવા માટે ઉમટી પડ્યાં હતાં. નોંધનીય છે કે, વિશ્વના 30 દેશોમાં આવા મોનોલિથ કોઈ મુકી ગયું હતું. તે કોણ મુકી ગયું હતું તે હજુ સુધી જાણવ મળ્યું નથી. મહત્વની વાત એ છે કે, અમેરિકામાં અંદાજે મહિના પહેલા જ આવું મોનોલિથ જોવા મળ્યું હતું. જોકે બાદમાં તે અચાનક ગાયબ થઈ ગયું હતું.

અમદાવાદના એક નેચર પાર્કમાં હાલ મોનોલિથે ખાસ આકર્ષણ જમાવ્યું છે. થલતેજ વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં સ્ટીલના મોનોલિથ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મોનોલિથ પાસે તસવીર ક્લિક કરાવવા માટે લોકો ઉમટી રહ્યા છે. આ મોનોલિથને કોઈ મુકી ગયા તે અંગે હજુ સુધી રહસ્ય છે.

ઉલ્લેખનીય છે કે, 18મી નવેમ્બરે અમેરિકાના ઉટામાં આવું એક મોનોલિથ જોવા મળ્યું હતું. જેને લઈને ખુબ જ ચર્ચા જાગી હતી. ત્યાર બાદ અન્ય જગ્યાએ પણ આવા મોનોલિથ જોવા મળી ચૂક્યા છે. જોકે, આ મોનોલિથ કોણ અને કેમ મૂકી ગયા હતા તેની માહિતી હજુ સુધી સામે આવી નથી.

અમદાવાદ અને વિશ્વના અન્ય દેશોમાં જે મોનોલિથ જોવા મળ્યાં છે તે ત્રિકોણ આકારના અને સ્ટીલમાંથી તૈયાર થયેલા છે. તેની ઉપર નંબર લખવામાં આવ્યો છે. આ નંબર દેશમાં આવેલી વાઈલ્ડ લાઈફ ચેન્ચ્યુરીના અક્ષાંશ અને રેખાંશ બતાવે છે. જોકે થલતેજના નેચર પાર્ક આ અક્ષાંશ અને રેખાંશ સાથે શું સંબંધ ધરાવે છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

સૌથી પહેલા અમેરિકાના કેલિફોર્નિયાના ઉટાના રણ પ્રદેશમાં આવું સ્કપચર જોવા મળ્યું હતું. ત્યાર બાદ તે અચાનક ગાયબ પણ થઈ ગયું હતું. ત્યારે એવી પણ ચર્ચાએ જોર પકડ્યું હતું કે, એલિયન આ મોનોલિથ મૂકી ગયા છે. જે જે દેશમાં આ મોનોલિથ જોવા મળ્યાં છે તે કોણ મૂકી ગયું છે તે અંગે કોઈ જ માહિતી હજુ સુધી સામે આવી નથી.

હવે ભારતમાં આવું મોનોલિથ દેખાતા રહસ્ય સર્જાયું છે. હાલ અમદાવાદના ગાર્ડનમાં જે મોનોલિથ જોવા મળ્યું છે તેની તસવીરો લોકો સોશિયલ મીડિયામાં ખૂબ જ શેર કરી રહ્યા છે. લોકોના કહેવા પ્રમાણે, 29મી ડિસેમ્બર બાદ તેમને ખબર પડી હતી કે નેચર પાર્કમાં કોઈ મોનોલિથ મૂકી ગયું છે.