ગેમમાં 13 વર્ષના દીકરાએ 40 હજાર ગુમાવ્યા, જીવન ટૂંકાવી લીધું, માતાનું હૈયાફાટ રૂદન

એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. દીકરાએ ઓનલાઈન ગેમમાં 40 હજાર રૂપિયા ગુમાવતા માતા ગુસ્સે થઈ હતી. જેનું ખોટું લાગી જતાં દીકરાએ પોતાને રૂમમાં પૂરી દઈને ગળાફાંસો ખાઈ લીધો હતો. એકના એક લાડકા દીકરાના આ પગલાથી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. માતાનું હૈયાફાટ રૂદનથી આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. ઘટનાસ્થળે એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં લખ્યું છે- આઈ એમ સોરી મમ્મી, રડતા નહીં.

આ ચેતવણીરૂપ બનાવ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાનો છે. અહીંના સાગર રોડ પર વિવેક પાંડેય તેની પત્ની પ્રીતિ પાંડેય, દીકરા કૃષ્ણા અને દીકરી સાથે રહે છે. વિવેક પેથોલોજી લેબોરેટરી ધરાવે છે. જ્યારે પ્રીતિ જિલ્લા હોસ્પિટલમાં કામ કરે છે. દીકરો કૃષ્ણા છઠ્ઠા ધોરણમાં ભણે છે.

શુક્રવાર બપોરે 3 વાગ્યે પિતા જ્યારે પેથોલોજી પર હતા અને પ્રીતિબેન હોસ્પિટલમાં હતા. આ દરમિયાન પ્રીતિબેનના ખાતામાંથી રૂપિયા 1500 કપાઈ ગયાનો મોબાઈલમાં મેસેજ આવ્યો હતો. માતાએ ઘરે હાજર દીકરા કૃષ્ણાને ફોન કરીને પૂછ્યું કે આ પૈસા કેમ કમાઈ ગયા છે? દીકરાએ કહ્યું કે આ ઓનલાઈન ગેમના કારણે પૈસા કપાયા છે. આથી પ્રીતિબેને નારાજ થઈને કૃષ્ણા પર ગુસ્સે થયા હતા.

ત્યાર બાદ કૃષ્ણા તેના રૂમમાં ચાલ્યો ગયો હતો. અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. થોડીવાર પછી ઘરમાં હાજર મોટી બહેને દરવાજો ખખડાવ્યો તો કોઈ જવાબ ન મળ્યો. દીકરીએ આ અંગે પિતાને ફોન પર વાત કરી. માતા-પિતા તરત ઘરે પહોંચ્યા હતા. દરવાજો તોડીને જોયું તો અંદર દીકરો કૃષ્ણા ફંદા પર લટકતો હતો.

છેલ્લા કેટલાક દિવસથી કૃષ્ણા ઓનલાઈન ગેમ ફ્રી ફાયરનો શિકાર થઈ ચૂક્યો હતો. આ પહેલા તે ઘણી વખત પૈસા હારી ચૂક્યો હતો. મોત પછી કૃષ્ણાના મૃતદેહ પાસે સુસાઈડ નોટ મળી છે. જેમાં અંદાજે 40 હજારૂ રૂપિયા ફ્રી ફાયર ગેમના ચક્કરમાં ગુમાવ્યાનો ખુલાસો કર્યો છે. આ ઉપરાંત દીકરાએ તેના માતા-પિતાની માફી પણ માંગી છે.