છોકરીઓના કપડાં પહેરીને ચોરી કરતો હતો પહેલવાન, આ રીતે ઝડપાયો

એક જીમ સંચાલકની ઇન્દોર પોલીસે બાઇકની ચોરી મામલે ધરપકડ કરી છે. આરોપીનું નામ અભિષેક પંવાર છે. પોલીસ મુજબ આરોપી છોકરીઓના કપડા પહેરીને બાઇક ચોરી કરતો હતો. જેના સીસીટીવી જોતાં પહેલી નજરમાં મહિલા દ્વારા બાઇકની ચોરી કરાતી હોય તેવું લાગતું હતું. પણ ચોરની આ રીત વધુ દિવસ સુધી પોલીસને છેતરી શકી નહીં અને પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલાં 5 બાઇક જપ્ત કર્યા છે.

‘મિસ્ટર ઇન્દોર’ નીકળ્યો બાઇક ચોર
પોલીસને મળેલી માહિતી મુજબ વર્ષ 2017માં ‘મિસ્ટર ઇન્દોર’ રહી ચૂકેલો અભિષેક પંવાર જે એક જીમ સંચાલક છે તે પોતાના સાથી ચંદન યાદવ સાથે મળીને બાઇકની ચોરી કરતો હતો. આરોપીની ખરગોનથી ધરપકડ કરવામાં આવી છે. જીમ સંચાલક અભિષેક એક સીસીટીવીમાં બાઇકની ચોરી કરતો કેદ થયો છે.

બાઇક ચોરી કરવા માટે આરોપી છોકરીઓના કપડા પહેરતો હતો. જોકે, સીસીટીવી ફૂટેજ જોયા પછી પોલીસકર્મીએ તેને ઓળખી લીધો હતો. શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે, ચોરીનું બાઇક આરોપી અભિષેક સોશિયલ મીડિયા દ્વારા સાથી ચંદન સાથે મળીને નંબર બદલીને વેચી દેતો હતો. આરોપી પાસેથી 5 ચોરીની બાઇક જપ્ત કરી છે.

આર્થિક તંગીને લીધે ચોર બન્યો
પોલીસને આરોપી અભિષેકે જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન જીમ બંધ થઈ જવાને લીધે આર્થિક તંગી હતી. તેના પર દેવું થઈ ગયું હતું એટલે તેણે બાઇકની ચોરી કરવાનું શરૂ કર્યું હતું. તે ઘણીવાર આસપાસના બાઇક ચોરી કરતો હતો. થોડાક દિવસ પહેલાં નલોખા વિસ્તારમાં પણ એક્ટિવાની ચોરી કરી હતી. એવી પણ વાત સામે આવી છે કે, આરોપીને મોંઘી લાઇફ સ્ટાઇલ જીવવાની આદત છે અને આ કારણે તે પોતાનો શોખ પૂરો કરવા માટે બાઇક ચોરી કરવા લાગ્યો હતો.