ચારેય બાળકોના એક સાથે કરાયા અંતિમસંસ્કાર, પરીવારનું કરુણ આક્રંદ

એક ખૂબ જ અરેરાટીભર્યો અને વિચલિત કરી દેતો બનાવ સામે આવ્યો છે. સ્કૂલના બાળકોને લઈને જતી તૂફાન કારને ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. જેમાં ચાર માસૂમ બાળકના મોત નિપજ્યા હતા. કારના પતરા કાપીને બાળકાના મૃતદેહ બહાર કઢાયા હતા. ચારેય બાળકોના એક સાથે અર્થી નીકળી હતી. જેમાં ખૂબ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પરીવારજનોના કરુણ આક્રંદથી સૌ કોઈ રડી પડ્યા હતા.

મધ્યપ્રદેશના ઉજૈન પાસે આવેલા ઉન્હેલ ગામમાં સોમવારે બાબા મહાકાલની શાહી સવારીને લઈને ઉલ્લાસ છવાયેલો હતો. દરરોજની જેમ ગામના બાળકો તૂફાન કારમાં બેસીને સ્કૂલે જવા નીકળી ગયા હતા. થોડીવારમાં ગામમાં એવા સમાચાર આવ્યા કે માતમ છવાઈ ગયો. ગામથી 10 કિલોમિટર દૂર એક ટ્રકે તૂફાન કારને ટક્કર મારી હતી. સમાચાર મળતા જ આખું ગામ અકસ્માત સ્થળે દોડ્યું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં ગામના ચાર બાળકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 10 બાળકોને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

કલેક્ટર આશિષસિંહના જણાવ્યા પ્રમાણે અકસ્માતમાં તૂફાન કારમાં 15 બાળકો સવાર હતા. બધા બાળકો ત્રીજાથી સાતમા ધોરણના સ્ટુડન્ટ હતા. જેની ઉંમર 6થી 15 વર્ષ વચ્ચેની હતી. જેમાં ભાવ્યાંશ જૈન, સુમિત, ઉમા ધાકડ અને ઈનાયા નન્દેદા નામના બાળકનું કરુણ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ ચારેય બાળકોના મૃતદેહ જ્યારે ગામમાં પહોંચ્યા તો આખું ગામ હીબકે ચડ્યું. જ્યાં જુઓ ત્યાં હૈયાફાટ રુદન હતું. ગામમાં કોઈ કોઈને છાનુ રાખવાવાળું નહોતું. આખા ગામમાં ભાવુકતાનો દરિયો વહ્યો હતો.

બાદમાં ચારેય હતભાગી બાળકોની અર્થી એક સાથે કાઢવામાં આવી હતી. માર્મિક વિલાપ સાથે આખા ગામે શોક પાળ્યો હતો. મૃત બાળકોના પરીવારજનોને સાંત્વના આપવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

એકમાત્ર પુત્ર હતો સુમિત
અકસ્માતમાં મૃત સુમિત પરિવારનો એક માત્ર દીકરો હતો. તે બહેન નિહારિકા સાથે નાગદા ગામ ભણવા જતો હતો. સુમિતનો મૃતદેહ તેના સ્ટેશન રોડ સ્થિત ઘરે પહોંચ્યો ત્યારે છાતીફાટ રુદનથી માહોલ ગમગીન થઈ ગયો હતો.