અસ્સલ ગુજરાતી વિધિથી થયા હતાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી શાહી લગ્ન

મુંબઈઃ બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં લગ્નને 35 વર્ષ થઈ ગયાં છે. બંનેએ 8 માર્ચ, 1985ના રોજ લગ્ન કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે મુકેશ-નીતાની લવસ્ટોરી પણ એક ફિલ્મી કહાની કરતાં જરા પણ ઉતરતી નથી. મુકેશ માટે નીતાને કોકિલાબેન અને ધીરૂભાઇ અંબાણીએ પસંદ કરી હતી. તેમણે નીતાને એક ફંક્શનમાં ડાન્સ પર્ફોર્મન્સ કરતી જોઇ હતી. જોકે, નીતાએ આ લગ્ન માટે હા પાડવામાં બહુ સમય લીધો હતો. અત્યારે બંને વચ્ચેનું બોન્ડિંગ ખરેખર બહુ સરસ છે.

ઉલ્લેખનીય છે કે, નીતા મધ્યમ વર્ગીય પરિવરામાંથી આવે છે અને તે પોતાનો ખર્ચ કાઢવા માટે મહિને 800 રૂપિયા પગાર માટે એક સ્કૂલમાં નોકરી કરતી હતી.

નીતાને ડાન્સ અને મ્યૂઝિકમાં બહુ રસ હતો. 20 વર્ષની ઉંમરે તેને નવરાત્રિ નિમિત્તે મુંબઈના બિરલા માતોશ્રીમાં કલ્ચરલ પ્રોગ્રામમાં પર્ફોર્મન્સ આપ્યું હતું અને આ પર્ફોર્મન્સ કોકિલાબેન તથા ધીરુભાઈએ જોયું હતું.

આ પ્રોગ્રામમાં ધીરૂભાઇ અંબાણી અને કોકિલાબેન પણ ગયાં હતાં. તેમને નીતા અને તેનો ડાન્સ ખૂબજ ગમ્યો અને મનમાં ને મનમાં જ તેને મુકેશ માટે પસંદ કરી લીધી.

બીજા દિવસે ધીરૂભાઇએ નીતાના ઘરે ફોન લગાવ્યો. બીજી તરફથી અવાજ આવ્યો, “હું ધીરૂભાઇ અંબાણી બોલી રહ્યો છું.” આ સાંભળતાં જ નીતાએ રોંગ નંબર કહી ફોન કાપી નાખ્યો.

બીજી વાર ફોનની ઘંટડી વાગી. નીતાએ ફોન ઉપાડ્યો તો સામેથી અવાજ આવ્યો, “હું ધીરૂભાઇ અંબાણી બોલી રહ્યો છું, શું હું નીતા સાથે વાત કરી શકું છું? જેના જવાબમાં નીતાએ કહ્યું, “તમે ધીરૂભાઇ અંબાણી છો તો હું એલિઝાબેથ ટેલર.” આટલું કહીંને નીતાએ ફરી ફોન કાપી નાખ્યો.

ફરી એકવાર ફોનની ઘંટડી વાગી અને ફોન નીતાના પિતાએ ફોન પર વાત કરી અને પછી તેમણે નીતાને કહ્યું, “નમ્રતાથી વાત કરજે, કારણ કે ફોન પર ખરેખર ધીરૂભાઇ અંબાણી જ છે.” નીતાએ ફોન લીધો અને કહ્યું, “જય શ્રી કૃષ્ણ.” ત્યારબાદ ધીરૂભાઇએ નીતાને તેમની ઓફિસમા આવવાનું આમંત્રણ આપ્યું અને ફોન કાપી નાખ્યો.

એકવાર નીતા અને મુકેશ કારમાં મુંબઈના પેડર રોડ પર નીકળ્યાં હતાં. તે સમયે સાંજના લગભગ 7:30 વાગ્યા હતા અને રોડ પર બહુ વધારે ટ્રાફિક હતો. કાર સિગ્નલ પર ઊભી રહી ત્યારે મુકેશે એકદમ ફિલ્મી અંદાજમાં નીતાને પૂછ્યું, “શું તું મારી સાથે લગ્ન કરીશ?”

નીતાએ શરમાઇને મોં નીચું કર્યું અને કાર આગળ ચલાવવા કહ્યું. સિગ્નલ ખૂલી ગયું હતું અને પાછળથી બીજી ગાડીઓ હોર્ન મારી રહી હતી. છતાં મુકેશે કહ્યું, જ્યાં સુધી તું જવાબ નહીં આપે, ત્યાં સુધી હું ગાડી આગળ નહીં ચલાવું. આ દરમિયાન રસ્તા વચ્ચે ટ્રાફિક જમા થઈ ગયો. છેવટે ત્યારે નીતાએ જવાબ આપ્યો, “યસ.. આઈ વિલ.. આઈ વિલ.”

ઘણાં વર્ષો બાદ નીતાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેણે મુકેશ સામે શરત મૂકી હતી કે, જો તેને લગ્ન બાદ પણ સ્કૂલમાં ભણાવવાની મંજૂરી હોય તો જ તે લગ્ન કરશે.

મુકેશ અંબાણીએ હા પાડી પછી જ નીતાએ હા પાડી અને અમીર ખાનદાનની વહુ બન્યા બાદ પણ નીતાએ પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવાનું ચાલું રાખ્યું.