પત્નીએ ખુદ કર્યો ઘટસ્ફોટ: આયુષ્માન બ્રેસ્ટ મિલ્કને પ્રોટિન શેક સાથે પી ગયો હતો

બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે હાલમાં જ પોતાની જૂની બેંગકોક ટ્રિપને યાદ કરી હતી. તેણે આ ટ્રિપ અંગેનો રસપ્રદ કિસ્સો પોતાની બુક ‘ધ 7 સિન્સ ઓફ બીઇંગ અ મધર’માં કર્યો છે. તાહિરાએ બુકમાં કહ્યું હતું કે એકવાર આયુષ્માન ધાવણ (બ્રેસ્ટ મિલ્ક)ને પ્રોટિન શેકમાં મિક્સ કરીને પી ગયો હતો.

બોટલમાં બ્રેસ્ટ મિલ્ક ભર્યું
બુકમાં તાહિરાએ કહ્યું હતું કે તે પતિ આયુષ્માન સાથે બેંગકોક ટ્રિપ પર જવા માગતી હતી. આથી જ તેણે પોતાના સાત મહિનાના બાળકને ઘરે એકલા મૂકવાનું નક્કી કર્યું. તે સાત મહિનાના બાળકને પેરેન્ટ્સ પાસે મૂકીને ફરવા ગઈ હતી. આ ડ્રીમ ટ્રિપ પર જતાં પહેલાં તેણે પોતાના બાળક માટે કેટલીક બોટલમાં બ્રેસ્ટ મિલ્ક સ્ટોર કરીને રાખ્યું હતું અને પછી એરપોર્ટ જવા નીકળી ગઈ હતી. ચેક ઇન કરે તેની થોડીક ક્ષણો પહેલાં જ તેની માતાએ ફોન કરીને કહ્યું હતું કે બાળક તો ઠીક છે, પરંતુ બ્રેસ્ટ મિલ્ક પૂરું થઈ ગયું છે. આ સાંભળીને તે થોડીક ટેન્શનમાં આવી હતી. તેણે બ્રેસ્ટ મિલ્ક કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની પાસે ચેક ઇન કરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નહોતો.

ફ્લાઇટમાં વારંવાર વોશરૂમ જવું પડ્યું
તાહિરાએ વધુમાં કહ્યું હતું કે ફ્લાઇટમાં પણ બ્રેસ્ટ મિલ્કને કારણે વારંવાર વોશરૂમ જવું પડતું હતું. તાહિરાએ બુકમાં કહ્યું હતું કે આ સમયે આયુષ્માન કેવી રીતે તેને ચિઅર અપ કરવા માગતો હતો. તેઓ હોટલમાં ગયા અને પછી શોપિંગ પર જવાનું નક્કી કર્યું હતું. હોટલના રૂમમાંથી બહાર નીકળતા પહેલાં તાહિરાએ બ્રેસ્ટ મિલ્ક કાઢ્યું અને બોટલમાં ભર્યું હતું. તેણે માતાને ફોન કરીને બાળક ઠીક છે કે નહીં તે અંગે વાત કરી હતી.

બોટલમાં મિલ્ક નહોતું
તાહિરાએ જ્યારે વાત કરીને પરત આવી તો તેણે જોયું કે બોટલ ખાલી હતી. તેને ખ્યાલ આવી ગયો કે આયુષ્માને તે બ્રેસ્ટ મિલ્કની સાથે પોતાનો પ્રોટીન શેક પણ પૂરો કર્યો હતો. તાહિરાએ બુકમાં લખ્યું છે, ‘માય બોય (આયુષ્માન) પ્રોટીન શેક લઈને બેડરૂમમાં રિલેક્સ કરતો હતો. મેં બ્રેસ્ટ મિલ્ક ગુમ થયાના વિચિત્ર કિસ્સા અંગે તેને સવાલ કર્યો હતો. તેણે હસતા હસતા પોતાની મૂંછો પર લાગેલું દૂધ સાફ કર્યું. તેણે બસ એટલું જ કહ્યું, ‘આ પર્ફેક્ટ તાપમાન પર હતું, બહુ જ પૌષ્ટિક તથા પ્રોટીન શેકની સાથે સારી રીતે મિક્સ થઈ ગયું હતું.’ તાહિરાએ એમ પણ કહ્યું હતું કે આ ઘટના બાદથી તે આયુષ્માનથી બ્રેસ્ટ મિલ્કની બોટલ છુપાવીને રાખતી હતી.

બાળકને રેસ્ટોરાંમાં ભૂલી ગઈ હતી
તાહિરાએ અન્ય એક કિસ્સા અંગે વાત કરી હતી. તેણે બુકમાં લખ્યું હતું, ‘લંચ પૂરું કર્યા બાદ મેં મારા તમામ મિત્રોને ગળે લગાવ્યા અને હું લિફ્ટ તરફ ચાલવા લાગી. ત્યારે સ્ટાફનો એક સભ્ય મારી તરફ ભાગતો આવ્યો અને લિફ્ટનો દરવાજો બંધ ના થાય તે માટે પગ વચ્ચે મૂક્યો. તેણે કહ્યું, ‘મેડમ તમે તમારા બાળકને ભૂલી ગયા છો.’ લિફ્ટમાં તમામ લોકોએ મને એવો લુક આપ્યો, જેને હું ક્યારેય ભૂલી શકીશ નહીં. લોકો બિલ ભરવાનું ભૂલી જાય અથવા તો બેગ ભૂલી જાય. હું તો મારા જ બાળકને ભૂલી ગઈ. જોકે, મેં હજી પણ મારી બેગ પકડેલી હતી. કેટલી નિર્દયી મા છું ને?’

2008માં લગ્ન કર્યા
કેટલાંક વર્ષ ડેટિંગ કર્યા બાદ 2008માં આયુષ્માન તથા તાહિરાએ લગ્ન કર્યા હતા. તેમને એક દીકરો વિરાજવીર તથા દીકરા વરુષ્કા છે. હાલમાં જ આયુષ્માન તથા તાહિરા માલદિવ્સ વેકેશન મનાવીને પરત આવ્યા હતા. આયુષ્માનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’, ‘અનેક’ તથા ‘ડૉક્ટર જી’માં જોવા મળશે.