ગુજરાતમાં અહીં 24 કલાકમાં તૈયાર થયો 2 કિમીનો એક્સપ્રેસ હાઇવે, જુઓ દીલને ખુશ કરી દેતી તસવીરો

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેનું હાલ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતના ભરૂચમાં માર્ગના નિર્માણની કામગીરીને લઈ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ચાર રેકોર્ડ નોંધાયા છે. ભરૂચના મનુબર-સાંપા-પાદરા રોડના ભાગ પર 24 કલાકમાં 2 કિમી લાંબા રસ્તાનું નિર્માણ કરાતાં રેકોર્ડ નોંધાયા છે. રોડનું નિર્માણ કરી રહેલા કોન્ટ્રાકટર દ્વારા ગયા ફેબ્રુઆરી મહિના દરમિયાન આ રેકોર્ડ નોંધાવવામા આવ્યો હતો. જેને હાલ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા માન્ય રાખવામા આવ્યો છે.

પ્રથમ રેકોર્ડ સૌથી વધુ 14641.43 ક્યૂબિક મીટર સિમેન્ટ કોન્ક્રીટના ઉત્પાદનનો નોંધાયો. બીજો રેકોર્ડ 14527.50 ક્યૂબિક મીટર સિમેન્ટ કોન્ક્રીટના ઉપયોગનો નોંધાયો. ત્રીજો રેકોર્ડ એક ફૂટ જાડા અને 18.75 મીટર પહોળા એક્સપ્રેસ-વેના નિર્માણનો નોંધાયો. ચોથો રેકોર્ડ સૌથી વધુ રિજિડ પેવમેન્ટ ક્વોલિટીને સૌથી વધુ વિસ્તારમાં ફેલાવવા માટે સ્થપાયો. ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના ઓબ્ઝર્વર ડો. મનીષ વિશ્નોઇએ જણાવ્યું હતું કે સતત 24 કલાક સુધી પેવમેન્ટ ક્વોલિટી કોન્ક્રીંટિંગ મશીન વડે પ્લાનિંગ અને સંવાદિતા સાધીને જ આ કામગીરી શક્ય બની છે, જેના માટે તેની વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધ લેવાઇ છે. જે હિસ્સામાં આ એક્સપ્રેસ-વે બન્યો છે એ મૂળ જમીનથી 15 ફૂટ જેટલી ઊંચાઇએ છે. 4 વર્લ્ડ રેકોર્ડની નોંધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં કરાઇ છે.

તમામ વર્લ્ડ રેકોર્ડ હાઇવે નિર્માણ, મેઇન્ટેનન્સની અગ્રણી વડોદરાની કંપની પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા 24 કલાકના સમયગાળામાં કરેલી કામગીરી માટે નોંધાયા છે. આ કામગીરી દેશનો માઇલ સ્ટોન જે સમગ્ર દુનિયા માટે બેન્ચમાર્ક બનશે તેમ પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચર લિ.ના MD અરવિંદ પટેલે જણાવ્યું હતું.ભારતના માર્ગ બાંધકામ ક્ષેત્રે આ ગંજાવર કામ મોટી સિદ્ધિ છે. 15થી 20 વર્ષમાં તોડી ન શકાય એવો આ રેકોર્ડ દુનિયામાં માઇલ સ્ટોન છે. લોકો માટે બેન્ચ માર્ક સેટ કરાયો છે. પ્લાન્ટમાં કલાકનો 840 ક્યૂબિક મીટર સિમેન્ટ કોન્ક્રીટ તૈયાર થાય છે.

દિલ્લી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના 63 કિમીના ભાગના નિર્માણ માટે પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચરને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે, જે કરજણના સાપા ગામથી ભરૂચ તાલુકાના નબીપુર કીમ સેકશન સુધી 63 કિમીના માર્ગનું નિર્માણ કરી રહી છે. આ એજન્સીએ બે વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાની છે. ત્યાર બાદ આગામી 15 વર્ષ સુધી રસ્તાની સારસંભાળ અને સંચાલન કરવાનું રહેશે. હાઇવેની મજબૂતી ટકે એ માટે રસ્તો બનાવતી વખતે 2.1 કિલોના 32 એમએમના ડોવેલ બાર (લોખંડના દંડા) દર 4.5 મીટરે નખાયા છે. 62 હજાર જેટલા ડોવેલબાર અને ટાઈબાર આડા અને ઊભા બંને અંતરમાં નખાયા છે. રસ્તાને લોખંડી મજબૂતી આપવાના ભાગરૂપે એને નખાયા હોવાનું કંપનીએ જણાવ્યું હતું.

115 ટિપર્સ ટ્રક માલસમાન માટે વપરાઇ. 300 લોકો મિકેનિકલ વિભાગના કાર્યરત રહ્યા. 250 લોકોએ પ્રોડક્શન યુનિટમાં કામ કર્યું. 1,50,000 લિટર એચએસડી (હાઇસ્પીડ ડીઝલ)નો વપરાશ થયો, 5,00,000 કિલોગ્રામ બરફનો ઉપયોગ થયો. 1,30,000 કિલો ડોવેલબાર-ટીબાર વપરાયા. 5000 ટન સિમેન્ટ આ કામગીરીમાં વપરાયો. 1500 ટન ફ્લાઇ એશને મિક્સ કરવામાં આવી. 80000 કિલોગ્રામ મિક્સરનો ઉપયોગ થયો.

ગુજરાતમાંથી જે એકસપ્રેસ-વે પસાર થવાનો છે અને એનું નિ્ર્માણ કાર્ય હાલ ચાલી રહ્યું છે, સામાન્ય રસ્તાથી જરા અલગ રીતે જ આ રસ્તાનું નિર્માણ કરાઈ રહ્યું છે. જમીનથી 15 ફૂટ ઊંચાઈ પર નિ્ર્માણ થઈ રહેલા આ રસ્તાનું અલગ અલગ પાંચ તબક્કામાં નિર્માણ કરાઈ રહ્યું છે. સૌ પહેલા જમીનને સમથળ બનાવવામા આવે છે. 500 MM સબગ્રેડ મિકસરનું પડ પથરાય છે. 150 MMનો ગ્રેન્યુએલ સબબેઝ બનાવાય છે. 150 MMનો ડ્રાય લિંક કોન્ક્રીટને પથરાય છે. સૌથી છેલ્લે 300 MMનું પેવમેન્ટ ક્વોલિટી કોન્ક્રીટનું સૌથી ઉપરનું પડ (300 MM = 1 ફૂટ). જમીનથી 15 ફૂટ ઉપર બની રહ્યો છે એક્સપ્રેસ વે.

દુનિયાભરમાં એકસાથે 16 મીટર પહોળો એક્સપ્રેસ-વે તૈયાર કરવા માટેના કોંક્રીટ લેયર મશીન વપરાય છે, પણ 18.75 મીટર પહોળા રસ્તાનું કામ હોવાથી પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચરે 20 કરોડનું મશીન જર્મનીથી વિશેષ ઓર્ડર આપીને ખરીદાયું છે. દિલ્લી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના 63 કિમીના ભાગના નિર્માણ માટે પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચરને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે, જે કરજણના સાપા ગામથી ભરૂચ તાલુકાના નબીપુર કીમ સેકશન સુધી 63 કિમીના માર્ગનું નિર્માણ કરી રહી છે. આ એજન્સીએ બે વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાની છે. ત્યારબાદ 15 વર્ષ સુધી રસ્તાની સંભાળ અને સંચાલન કરવાનું રહેશે.

દુનિયાભરમાં એકસાથે 16 મીટર પહોળો એક્સપ્રેસ-વે તૈયાર કરવા માટેના કોંક્રીટ લેયર મશીન વપરાય છે, પણ 18.75 મીટર પહોળા રસ્તાનું કામ હોવાથી પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચરે 20 કરોડનું મશીન જર્મનીથી વિશેષ ઓર્ડર આપીને ખરીદાયું છે. હાઇવેની મજબૂતી માટે રસ્તો બનાવતી વખતે 2.1 કિલોના 32 MMના ડોવેલ બાર (લોખંડના દંડા) દર 4.5 મીટરે નખાયા છે. 62 હજાર ડોવેલબાર નખાયા છે. રસ્તાને લોખંડી મજબૂતી આપવાના ભાગરૂપે એને નખાયા હોવાનું કંપનીએ જણાવ્યું હતું.

​​​​​​​ભરૂચ નજીકના મનુબર-પાદરા રોડ પાસે 2 કિમીના એક્સપ્રેસ વેનું માત્ર 24 કલાકમાં નિર્માણ પૂર્ણ કરીને રેકોર્ડ રચવામાં આવ્યો હતો. હાલ કરજણથી ભરૂચ નજીકના 63 કિમીના માર્ગનું ઝડપી નિર્માણ થઈ રહ્યું છે. શુક્રવારે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ભરૂચ ખાતે એક્સપ્રેસ વેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે 2023 સુધીમાં દિલ્હીથી મુંબઈ સુધીની કામગીરી પૂર્ણ થઈ જશે એ‌વો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ગડકરીએ કહ્યું હતું કે આ હાઇ-વે તૈયાર થઈ જતાં માત્ર 200 મિનિટમાં વડોદરાથી મુંબઈ પહોંચી શકાશે. જ્યારે દિલ્હીથી મુંબઈ વચ્ચેનું અંતર 24 કલાકના બદલે માત્ર 12થી 13 કલાકમાં કપાઈ જશે. એક્સપ્રેસ વેનો 423 કિમીનો હિસ્સો ગુજરાતમાંથી પસાર થઈ રહ્યો છે. 8 લેનના એક્સપ્રેસ વેનો ગુજરાતનો હિસ્સો 35,100 કરોડના ખર્ચે બની રહ્યો છે જ્યારે સમગ્ર પ્રોજેક્ટ કુલ 98 હજાર કરોડ રૂપિયાથી વધુનો છે.