ફિલ્મને ટક્કર મારે એવો કિસ્સો, પોલીસે આ રીતે ચાર લોકોની હત્યારાને 32 વર્ષ બાદ પકડ્યો

‘બાજુના ખેતરની એક ઝૂંપડીમાં એ સૂતો હતો. રાતના અંધારામાં અમે જઈને બૂમ પાડી ‘ભમરસિંહ’ તો એ ઊભો થઈ ગયો. પછી કહ્યું કે સાહેબ ‘હું ભમરસિંહ નહીં, હું તો વખતસિંહ છું.’ પણ ત્યાં સુધીમાં તો અમે એને ઉપાડી લીધો. આ સાથે જ 32 વર્ષ બાદ બનેવી અને તેના ત્રણ ફૂલ જેવા ત્રણ ભાણેજની હીચકારી હત્યાનો બનાવ ઉકેલાયો હતો.’

આપણી આસપાસ કેટલાયે અપરાધો બનતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં પોલીસ આરોપીઓને દબોચીને જેલ ભેગા કરે છે. પણ અમુક એવા શાતિર આરોપીઓ હોય છે જે પોલીસને વર્ષો સુધી હંફાવે છે. જોકે આરોપી ગમે તેટલી ચાલાકી વાપરે પણ એક વખત તો ભૂલ કરી જ બેસે છે. છેવટે પોલીસની જાળ ફસાઈ જાય છે. આવો જ એક માની ન શકાય એવો કિસ્સો ઉત્તર ગુજરાતમાં સામે આવ્યો છે. જેમાં રાજ્યના CID ક્રાઇમની એક ટીમે 32 વર્ષ બાદ કાબીલેદાદ ગુનો ઉકેલ નાખ્યો છે.

મીડિયા આ આખી ઘટનાના મૂળ સુધી પહોંચ્યું હતું. તપાસ અધિકારી સાથે વાત કરી હતી જેમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા.

આ અંગે CID ક્રાઇમના PSI વાય કે ઝાલા કહે છે કે બે વર્ષ પહેલાં હું મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતો હતો. એ વખતે એક બાતમીદારે કહ્યું કે ચાર-ચાર મર્ડરનો એક આરોપી ખુલ્લેઆમ ફરે છે. અનેક વર્ષ પહેલાં મર્ડર કર્યા છે પણ હજુ સુધી પકડાયો નથી.’ આ બાતમી મળતાં જ હું સક્રિય થઈ ગયો. પરંતુ કેસની કોઈ વિગતો મારી પાસે નહોતી. ફક્ત 4 હત્યાકેસ જેમાં 6-7 આરોપીઓ હતા એટલી જ નક્કર માહિતી હતી. જે-તે સમયે 1987-88માં જિલ્લા ફિક્સ નહોતા. કયા જિલ્લામાં કયું પોલીસ સ્ટેશન આવે છે એ પણ નક્કી નહોતું એટલે અમે પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં ચાર મર્ડર થયાં હોય એવી ડિટેલ મંગાવી. એ બધા ગુના જોયા. એ વખતના કાગળ પણ મળતા નહોતા. છેવટે 32 વર્ષ પહેલાંનો ગુનો અમને મળી ગયો. એ પરથી અમને જાણવા મળ્યું કે આરોપી જે-તે વખતે મહેસાણાની જેલમાંથી ભાગી ગયો હતો.

ભમરસિંહ તો પૂરમાં તણાઇ ગયો
PSI ઝાલા આગળ જણાવે છે કે બે વર્ષ દરમિયાન અઢળક કેસો મેં ફેંદયા, પ્રોસેસ બહુ લાંબી હતી. સૌથી મોટી ચેલેન્જ 32 વર્ષ બાદ આરોપીને આઇડેન્ટિફાઇ કરવાની હતી. કારણ કે ફરાર થયા પછી વર્ષ 1993માં પૂર આવ્યું હતું. બાતમીદાર મુજબ આરોપીના પરિવારે જાહેર કર્યું હતું કે ‘ભમરસિંહ પૂરમાં તણાઇ ગયો છે.’ આપણી પાસે પણ કોઈ ઓથેન્ટિક કાગળ નહોતા. ઉપરાંત જૂનો ગુનો હોવાથી ભાગી ગયેલો આરોપી કદાચ ફરીથી હાજર થઈ ગયો હોય એવું પણ બની શકે. બાતમીદારની માહિતી કન્ફર્મ ન પણ હોય એટલે પહેલા માહિતી કન્ફર્મ કરી. ત્યાં સુધીમાં મારી બદલીનો ઓર્ડર CID ક્રાઇમમાં થઈ ગયો. ત્યાં ત્રણ મહિનાની કમાન્ડો તાલીમ પૂરી કરી ફરજમાં જોડાયો. અમારા વડા આર બી બ્રહ્મભટ્ટને વાત કરી કે આ મેટર સિરિયસ છે અને 3 નાનાં બાળકો તથા એમના પિતાનું મર્ડર કરનાર આરોપી આજે જીવે છે અને બહાર ફરે છે. એમણે તરત જ કહ્યું, ‘કોઈપણ સંજોગોમાં આરોપીને શોધી જેલના સળિયા પાછળ ધકેલો અને 3 બાળક અને તેમના પિતાને ન્યાય અપાવો.’ ગુનો બહુ જૂનો હતો, મારા પણ જન્મ પહેલાંનો એટલે કદાચ કોઈને ધ્યાન પણ નહોતું. એ પછી અમે કોર્ટના હુકમો કઢાવ્યા. સેશનનો નંબર અને ગુના નંબર પણ મળી ગયો. કોર્ટમાંથી સાલ 1988નો હુકમ કઢાવીને વાંચ્યો. એમાં ક્લિયર લખેલું હતું કે ભમરસિંહ નામનો આરોપી હાલમાં નાસતો ફરતો છે અને મળી આવ્યો નથી. એનો મુદ્દામાલ સાચવી રાખવો. ઉપરાંત એ મળી આવે ત્યારે ફરીથી અલગ કાર્યવાહી શરૂ કરવી.

શું હતી 32 વર્ષ પહેલાંની ઘટના?
આજથી ચારેક દાયકા પહેલાં બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંબોઈ ગામે રહેતી રાજુબા ઉર્ફે સવિતા નામની યુવતીએ રાણકપુર ગામે રહેતા કેશુભા વાઘેલા સાથે લગ્ન કર્યાં હતાં. કેશુભાનું ટીબીના લીધે મૃત્યુ થયું એટલે રાજુબા પિયર કંબોઈ ખાતે રહેવા આવી ગયાં. દરમિયાન ગામના ઝેણાજી ઠાકોર નામના યુવાન સાથે એમને પ્રેમસંબંધ બંધતા બંનેએ ભાગીને લગ્ન કરી લીધાં. એ દરમિયાન તેમને ત્રણ સંતાન થયાં, જેમાં બે પુત્ર સોમાજી અને વિષ્ણુજી અને એક પુત્રી કેશરબેન હતાં.

એ મધરાત્રે ખેલાયો ખૂની ખેલ
બીજી તરફ રાજુબાએ ભાગીને લગ્ન કરતા તેમનો પરિવાર ગુસ્સામાં હતો. 10 વર્ષ સુધી તો રાજુબાના પરિવારને કંઈ થયું નહીં. પણ એક દિવસે રાજુબાના પિતાને માહિતી મળી કે દીકરી તેનાં પતિ અને સંતાન સાથે માંકણજ ગામની સીમમાં રહે છે. આથી પિતા લધુજી સોલંકી, બે ભાઈઓ ભમરસિંહ અને ખેંગારસિંહનું લોહી ઊકળી ઊઠ્યું. તેમણે બીજા ચાર લોકો સાથે મળી ખતરનાક પ્લાન બનાવ્યો. બધા પહેલા પાટણના બગવાડા દરવાજે ભેગા થયા. જીપમાં બેસીને સાતેય મધરાત્રે માંકણજ ગામ પોતાની દીકરીના ઘરે પહોંચ્યા. તમામ આરોપીઓએ ઘર બહાર સૂઈ રહેલા રાજુબાના પતિ ઝેણાજી ઠાકોર અને ત્રણેય સંતાનની ગળા દબાવીને તથા દંડા મારીને કરપીણ હત્યા કરી નાખી. એટલું જ નહીં ચારેયની લાશને જીપમાં નાખી કંબોઈ ગામે લઈ આવ્યા. ઓળખ ન થાય એટલે ગામની બનાસ નદીમાં લાશો અધકચરી સળગાવીને ત્યાં જ દાટી દીધી હતી. એ વખતે બાળકોની ઉંમર 10 વર્ષ, 8 વર્ષ અને 3 વર્ષની હતી.

રાજુબાને પરિવારે ફરી પરણાવી દીધાં
આરોપીઓએ રાજુબાને જીવતી રાખી પોતાની સાથે લઈ ગયાં હતાં. રાજુબા થોડો સમય માતા-પિતાના ઘરે અને થોડો સમય એમના બનેવીના ઘરે પાટણ ખાતે રહ્યાં હતાં. શરૂઆતમાં તેમને ફરિયાદ નહીં કરવા માટે પરિવારે દબાણમાં રાખ્યાં હતાં. એમના સિવાય ફરિયાદ કરે એવું બીજું કોઈ નહોતું. પરંતુ 9 મહિના પછી એમણે સાંથલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરી હતી. જ્યાં પહેલા અપહરણ બાદમાં હત્યાની કલમો સાથેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હત્યારાઓનો ઉદ્દેશ એ હતો કે બીજા લગ્નથી (ઝેણાજી ઠાકોરથી) જે પણ વંશવેલો છે એ આખો પૂરો કરી દેવો. એટલે ત્રણ બાળકોને પણ મારી નાખ્યાં. ઝેણાજીની હત્યા બાદ રાજુબાનાં બીજે લગ્ન કરવી દેવામાં આવ્યાં હતાં.

પોલીસને એક આઈડિયા આવ્યો અને…
આઇડેન્ટીફાય કરવા માટે અમારી પાસે ભમરસિંહના કોઈ ફોટા પણ નહોતા. કોઈ બતાવવાવાળું પણ નહોતું. કંબોઈ આખું ગામ એક જ્ઞાતિનું હતું અને તેમની યુનિટી હતી. અમને એ પણ ખબર નહોતી કે એના સંબંધી કોણ છે? પૂછવા જઈએ અને માહિતી લીક થાય તો 32 વર્ષથી ફરાર ભમરસિંહ પાછો ગાયબ થઈ જાય. એ વખતે ઇલેક્શનનો સમય હતો. એક આઇડિયા આવ્યો અને અમે વોટર પોર્ટલ પર એનું નામ અને ઉંમર તપાસી. 50 વર્ષની ઉંમરથી શરૂ કર્યું ત્યારે 60 વર્ષની ઉંમરમાં આરોપીનું નામ મળી આવ્યું. એ પછી એનું વોટિંગ કયા દિવસે કયાં છે એ પણ જાણી લીધું.

20 દિવસ વોચ રાખી
બનાસ નદીના પટમાં અમે સ્થાનિક વ્યક્તિ બનવાનો દેખાવ કરતા હતા. નદીમાં લીઝ પર રેતીનું ખનન ચાલે છે. એટલે ક્યારેક ડમ્પરમાં બેસીને જઈએ. નદી સુધી જતાં આવીએ. કોઈક દિવસે બાઇક લઈને જઈએ. ક્યારેક મફલર બાંધીને જઈએ. અમે મોટી ગાડી નહોતા વાપરતા અને વધુ અવરજવર પણ નહોતા કરતાં. ત્યાં એક મંદિરમાં જતા. ક્યારેક કોલ્ડડ્રિંક્સ લઈને નદીમાં બેસીએ. એક-બે વખત તો સ્થાનિક લોકોએ અમને પૂછ્યું કે શું કરો છો? તો અમે કહ્યું કે અહિયાં જુગાર રમવા બેઠા છીએ.

ભમરસિંહ નદીના પટમાં રહેતો
છેલ્લા 20 દિવસથી 6 જણની ટીમ બનાવીને અમે સવારથી સાંજ એના ગામ જતા. કન્ફર્મ કરતા. એની શારીરિક ઓળખ (હાઇટ અને દેખાવ) અમારી પાસે હતી. ઇલેક્શનના દિવસે આરોપીના વોટિંગ સ્થળે અમે પહોંચી ગયા. ત્યાંથી એની ઓળખ કન્ફર્મ થઈ. ભમરસિંહ નદીના પટમાં રહેતો હતો. એનું ઘર કન્ફર્મ કર્યું. એક-બે વખત ખાનગી વાહન લઈને ગયા. કેટલીક વાર એની સાથે રૂબરૂમાં વાત કરી. અહિયાથી જવાનો રસ્તો ક્યાં છે? ત્યાં સુધી એણે શંકા નહોતી ગઈ.

ઓપરેશનની રાત
બધું કન્ફર્મ થયું કે આ જ આરોપી છે. ત્યારે એને દબોચી લેવાનું નક્કી કર્યું. એ રાત્રે અમે બાઇક લઈને વોચ કરી ત્યારે એ ઘરે જ બેઠો હતો. એ પરથી લાગ્યું હવે આજે રાત્રે એ ક્યાંય જવાનો નથી. ચૂકી જવાનું કોઈ ઓપ્શન જ નહોતું રાખવાનું કારણ કે એકવાર આરોપી છટકી ગયો તો ભવિષ્યમાં ક્યારેય એ હાથમાં નહીં આવે. એ ક્યાંય જતો ન રહે એટલે એ રાત્રે એક માણસને એના ઘરની સામે જ બેસાડી રાખ્યો. જ્યારે અમે ઓપરેશન કર્યું ત્યારે એનો તો પરિવાર એવું જ કહેતો હતો કે મારા પિતા ઘરે નથી. અમે પૂછ્યું કે એમનું શું નામ છે? તો એ ભમરસિંહના બદલે વખતસિંહ કહેતા હતા. દરમિયાન બાજુના ખેતરમાં એક ઝૂંપડી હતી. એમાં ભમરસિંહ સૂતો હતો. અમે જઈને બૂમ પડી કે ‘ભમરસિંહ’ તો એ ઊભો થઈ ગયો. પછી કહ્યું કે સાહેબ હું ભમરસિંહ નહીં હું તો વખતસિંહ છું. એટલે શંકા મજબૂત થઈ ગઈ. એની પૂછપરછ કરી. આધારકાર્ડ મંગાવ્યા. જેમાં તેનું નામ ભમરસિંહ હતું. એને પકડીને લઈ આવ્યા. બાદમાં કોર્ટના જૂના હુકમના આધારે મહેસાણા ‘એ ડિવિઝન’ પોલીસ સ્ટેશનના ગુનાસર એની અટક કરી.

શરૂઆતમાં ના પાડતો રહ્યો…
એ પોતે એ રીતે દેખાવ કરતો હતો કે પોતે નિર્દોષ છે. એ પોતે ભમરસિંહ છે જ નહીં. અમારી પાસે એનો કોઈ ફોટો નહોતો પરંતુ બાકી બધી રીતે તપાસ કરી હતી કે આ જ આરોપી છે. એ નદીના પટમાં રહેતો હતો. અમે પકડીને લાવ્યા ત્યારે શરૂઆતમાં એ ના જ પડતો હતો કે કેસ પૂરો થઈ ગયો છે. પણ એ ભાગ્યા બાદ ક્યાં ગયો, શું કર્યું, કયા મંદિરે ગયો એ તમામ માહિતી આપણી પાસે હતી એટલે ખોટું બોલવાનો કોઈ ઓપ્શન જ નહોતાં.

6 આરોપી નિર્દોષ છૂટ્યા તો ભમરસિંહ બિન્દાસ્ત ફરવા લાગ્યો
જેલ તોડીને ભાગ્ય બાદ શરૂઆતના દિવસોમાં એ બહારગામ જ રખડ્યો હતો. ત્યારબાદ એના પિતા સહિત અન્ય 6 આરોપીનો કેસ ચાલ્યો. જે તે વખતે કદાચ DNA વગેરેની ફેસિલિટી નહીં હોય. ફરિયાદી એની બહેન જ હતી. એ કોર્ટમાં નિવેદન બદલી નાખ્યું કે રાત્રે મારા પતિ અને બાળકોને ઉઠાવી ગયાં હતાં પરંતુ અંધારું હોવાથી આ જ લોકો હતા એ મને ખબર નથી. બીજો ફાયદો આરોપીઓને એ મળ્યો કે હત્યા બાદ ચાર લાશો સળગાવીને દાટી હતી. પોલીસને પણ 9 મહિના બાદ ખબર પડી. મામલતદારની રૂબરૂમાં લાશો કાઢવામાં આવી ત્યારે ફક્ત હાડપિંજર જ મળી આવ્યાં હતાં. એ પરીક્ષણ માટે BJ મેડિકલમાં મોકલવામાં આવ્યાં હતાં. ડોક્ટરે અભિપ્રાય આપ્યો કે હાડપિંજર મનુષ્યનું જ છે પણ ઝેણાજી ઠાકોર અને એનાં સંતાનોનું જ છે એ કન્ફર્મ નહોતું થયું. આવા ફાયદા આરોપીઓને કોર્ટમાં મળવાથી એ બધા નિર્દોષ છૂટી ગયા હતા. 2 વર્ષ જેલમાં રહ્યા બાદ 6 આરોપીઓ નિર્દોષ છૂટી જતાં બધાને થયું કે ભમરસિંહનો કેસ પણ પૂરો થઈ ગયો છે. એ ઉપરાંત વર્ષ 1987-88 પછી જન્મેલા હોય એમને તો આ આખી વાતની જ ખબર ન હોય એટલે એ પોતાની રીતે રહેવા લાગ્યો.

ગામમાં પણ રૂપિયા પડાવતો હતો
ઉપરાંત એ ગામમાં માથાભારે હતો એટલે જેલ તોડ્યા પછી પણ ક્યારેક ક્યારેક ગામમાં આવવા છતાં કોઈ એના વિશે બોલતું નહોતું. એ પછીની પેઢીને આખી ઘટનાની જાણ જ નથી. એના પિતાનું પણ એક મર્ડરમાં નામ છે. હાલમાં પોતે ખેતી કરે છે. ઉપરાંત ગામલોકો પાસેથી જાણવા મળ્યું કે ગેરકાયદે રેતીના ડમ્પર આવે એમની પાસેથી પણ રૂપિયા પડાવે છે. ત્યાં પાણીનો કૂવો છે એમાંથી પાણી ભરવાના રૂપિયા પણ લે છે.

કેવી રીતે ભાગ્યો હતો ભમરસિંહ
PSI ઝાલા જણાવે છે કે એ વખતે એવું બન્યું હતું કે હત્યાના 7 માંથી બે આરોપી જુજારસિંહ સોલંકી અને ગોવિંદલાલ માળીને જામીન મળ્યા હતા. જામીન મળ્યા બાદ જુજારસિંહ અને ગોવિંદલાલ જેલમાં ભમરસિંહને મળવા આવ્યા હતા. એ વખતે તેમણે ભમરસિંહને કહ્યું હતું કે પરમ દિવસે અમે જેલની બહાર જે તે સ્થળે ગાડી લઈને આવી જઈશું. તું જેલ તોડીને બહાર આવી જજે. એ પછી યોજના મુજબ જ તારીખ 6/9/1990 એ ભમરસિંહ જેલમાંથી ભાગ્યો હતો અને બંને મહેસાણા સબજેલ બહારથી ભમરસિંહને ગાડીમાં લઈ ગયા હતા. ભમરસિંહને અમે હમણાં પકડ્યો પછી એણે પોતાના નિવેદનમાં લખાવ્યું છે કે કોણ કોણ હત્યામાં સામેલ હતા, કેવી રીતે અપહરણ કર્યું, ક્યાં અને કેવી રીતે માર્યા, ક્યાં ગયા, ક્યાં લાશો દાટી. એ તમામ બાબતો પોલીસના સ્ટેટમેન્ટમાં એણે લખાવી છે. પરંતુ પોલીસને આપેલા નિવેદન કોર્ટમાં ગ્રાહ્ય નથી રહેતાં. અમારું કામ આરોપીને અટક કરવા સુધીનું હતું. હવે જે તે પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન ઓફિસર આગળ તપાસ કરશે. એની પર 302 (હત્યા)નો કેસ પૂરો ચાલ્યો નહોતો એ ફરીથી ચાલુ થશે. પંચો અને સાક્ષીઓને ક્રોસ વેરિફિકેશન થશે. એ પરથી છેલ્લે કોર્ટ નિર્ણય લેશે.

કેસ સાથે જોડાયેલા બધા અત્યારે ક્યાં છે?
છ આરોપીઓમાંથી ભમરસિંહના પિતા અને અન્ય એક આરોપીનું મૃત્યુ થઈ ગયું છે એવું જાણવા મળ્યું છે. બાકીના વિશે હજુ જાણ નથી. જ્યારે એની ફરિયાદી બહેન રાજુબા હાલ જીવે છે અને કલોલ તાલુકામાં રહે છે. PSI વાય કે ઝાલાનું પૂરું નામ યતિલસિંહ ઝાલા છે. તે હાલમાં CID ક્રાઇમના ડીજી સ્કવોડ એટલે ક્રાઇમ ઇન્ટેલિજન્ટ સેલ (CI Cell)માં ડિટેક્ટિવ PSI તરીકે ફરજ બજાવે છે.