પરિણીતાનો આપઘાત, સુસાઈડ નોટમાં સસરાને માતા-પિતાનું સ્વરૂપ આપવાની બહુ જ કોશિષ કરી પણ બટ આઈ ફેઈલ

મહેમદાવાદના રાધે કિશન પાર્ક સોસાયટીમાં 27 વર્ષીય પરિણીતાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. હજુ તો દોઢ વર્ષ પહેલા જ આ પરિણીતાના લગ્ન રાધે કિશન પાર્ક સોસાયટીમાં રહેતા અને કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા હિંગુ પરિવારના દીકરા સાથે થયા હતા. જોકે સાસરીયાઓના મહેણા ટોણા અને માનસિક ત્રાસથી કંટાળી જઈ પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હોવાની ફરિયાદ તેના પિતાએ મહેમદાવાદ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ઉમરેઠના ભાટવાડા વિસ્તારમાં રહેતા ઘેલાભાઈ અમરતભાઈ ડાભની 27 વર્ષીય દીકરી જલ્પાના લગ્ન 18 જાન્યુઆરી 2020ના રોજ મહેમદાવાદમાં રહેતા કરણભાઇ હિંગુના દીકરા આકાશ સાથે થયા હતા. લગ્ન બાદ શરૂ શરૂમાં તો બધું ઠીક ચાલ્યું. પરંતુ એક વર્ષ બાદ જલ્પા નો પતિ આકાશ, સાસુ છાયાબેન, સસરા કિરણભાઇ તેમજ નણંદ હિરલબેન બધા ભેગા મળીને નાની નાની વાતોમાં તેને મેણા ટોણા મારવા લાગ્યા હતા. આ બાબતની ફરિયાદ તેણે તેના પિતા અને ભાઈને પણ કરતા દીકરીનું ઘર ના ભાગે તે માટે માતા-પિતાએ તેને સહન કરી લેવા જણાવ્યું હતું.


ગત 20 ઓગસ્ટના રોજ રક્ષાબંધન નિમિત્તે પતિ આકાશ જલ્પાને ઉમરેઠ તેના ઘરે મુકી ગયો ત્યારે તેણે પિયરીયા સમક્ષ બધી જ ઘટનાનો ઉલ્લેખ કરી ખુબ રડી હતી. પરંતુ માતા-પિતા તેને આશ્વાસન આપી પરત સાસરીમાં મૂકી આવ્યા હતા. માતા-પિતાને કદાચ એમ હશે કે થોડા દિવસમાં તેનો સંસાર યોગ્ય રીતે ચાલવા લાગશે, પરંતુ ગત મધ્ય રાત્રીએ તેણે પંખા સાથે લટકી ગળે ફાંસો ખાઈ લીધો હતો.


અંતિમ સમયમાં જલ્પાએ અંગ્રેજી અને ગુજરાતી મિશ્રીત ભાષામાં સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે લખ્યું છેકે સાસૂ-સસરાને મમ્મી-પપ્પા બનાવવાનો ખુબજ પ્રયાસ કર્યો, પણ તે ફેઈલ થઈ, તે પોતે જ દીકરી ના બની શકી તેનો વસવસો વ્યક્ત કર્યો છે. તેના આજ શબ્દોમાં તેના પર વિતેલી આપવિતી સ્પષ્ટ થાય છે.


પોલીસ ફરિયાદમાં ઘેલાભાઇ એ જણાવ્યું છે કે ગુરુવારે બપોરે 3 વાગે તેમની દિકરી નો તેમના પર કોલ આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે ‘મારે નડિયાદ ની એક કોમ્પયુટર કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા જવાનું હોઇ આકાશ સાથે બુલેટ પર નિકળી હતી. રસ્તામાં મારૂ શરીર તેને અડતુ હોઇ તે ગૂસ્સે થઈ ગયો હતો, અને ‘તારે બુલેટ પર એકવેત દૂર બેસવાનું’ તેમ કહી દીધુ હતુ. ઇન્ટરવ્યુ પુરૂ થયા બાદ હોટલમાં જમવા ગયા તો પણ સતત ઇગ્નોર કરી મોબાઇલ મચેડતો રહ્યો હતો. જે બાબતનું તેને ખૂબ ખરાબ લાગ્યું હતું.