વીર શહીદની અંતિમયાત્રામાં સૌની આંખોમાંથી આંસુ સરી પડ્યા, પરિવાર ઉપર વિટંબણાનો પહાડ તૂટી પડ્યો

માતૃભૂમિની રક્ષા માટે દેશની સરહદે ખડેપગે ફરજ બજવતા નડિયાદના એક જવાન શહીદ થયા છે. CRPFના જવાન દિનેશભાઈ મેટકરનું હૃદય રોગના હુમલાથી નિધન થતાં ગ્રામજનોની આંખો આંસુઓથી છલકાઇ ઉઠી. જ્યારે આ દુઃખદ ઘડી બની ત્યારે શ્રીનગરના કુપવાડામાં તેઓ તહેનાત હતા. હાર્ટ એટેક આવ્યા બાદ તેમને તુરંત હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મૃત્યું થતાં તેમના સાથી જવાનો પણ શોકમાં ગરકાવ થઇ ગયા.

નડિયાદમાં રહેતા અને સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સમાં ફરજ બજાવતા જવાનનું હૃદય રોગના હુમલાથી અકાળે નિધન થતાં પરિવાર ઉપર મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે. સોમવારે સવારે જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ અંતિમયાત્રામાં નગરજનો, સમાજના શ્રેષ્ઠીઓ સહિત દેશપ્રેમીઓ જોડાયા હતા. ”ભારત માતા કી જય” તેમજ વંદે માતરમના જયઘોષ વચ્ચે અંતિમયાત્રા નીકળી હતી. અંતિમયાત્રા દરમિયાન સૌની આંખો ભીજાંઇ ગઇ હતી.

નડિયાદમાં કપડવંજ રોડ ઉપર આવેલી શુભ લક્ષ્મી સોસાયટીમાં રહેતા દિનેશ મેટકરને CRPFમાં ફરજ બજાવતા હતા. હાલમાં તેઓ શ્રીનગર (જમ્મુ કાશ્મીર)માં ફરજ ઉપર હતા અને તે સમયે તેમનું આકસ્મિક નિધન થયું હતું. જેના કારણે તેમના પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઇ.

રવિવારની રાત્રે દિનેશભાઈના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. બાદમાં મોડી રાત્રે તેમના વતન નડિયાદ ખાતે લઇ જવાયો હતો. અહીંયા તેમના પાર્થિવ દેહને કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો ત્યાર પછી બીજા દિવસે સવારે જવાન દિનેશભાઈના પાર્થિવદેહને ઘરે લાવવામાં આવ્યો હતો.

આ સમયે જવાનના માતા, પત્ની, અને બે દીકરીઓમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો. પરિવારજનો શબ ભેટીને વળગી પોતાના સ્વજનના જવાનું દુઃખ વ્યક્ત કર્યું. જવાનની અંતિમયાત્રા તેમના નિવાસ્થાનેથી નીકળી પારસ સર્કલ પાસેના મુક્તિધામે પહોંચી હતી. આ અંતિમયાત્રામાં આગળ બાઈક વચ્ચે ટ્રેક્ટર અને પાછળ પગપાળા ચાલતા લોકો જોડાયા હતા. તે તમામ લોકોએ ભારત માતા કી જય”, “વંદે માતરમ, જબ તક સૂરજ ચાંદ રહેગા દિનેશભાઈ આપકા નામ રહેગા”ના નારા લગાવ્યા હતા.

આ અંતિમયાત્રામાં સમાજના આગેવાનો સહિત અગ્રણી નગરજનો પણ જોડાયા હતા. તેમના પાર્થિવ દેહને 2 કિલોમીટર દૂર આવેલા મુક્તિધામમાં લઇ જવાયો હતો. ત્યારપછી શાસ્ત્રોક્ત વિધી કર્યા બાદ જવાનની બે દીકરીઓએ ભેગા મળી પિતાના પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો હતો. અકાળે અવસાનના કારણે જવાનની પત્ની અને દીકરીઓ નોંધારા બની ગઈ છે. તેમના ઘરમાં કામાવનારો આ એક જ દીકરો હતો. જેને ગુમાવ્યા પછી તેના પરિવાર ઉપર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો છે.

અંતિમ સંસ્કાર સમયે મિત્ર વર્તુળ અને સોસાયટીના રહીશો શ્રદ્ધાંજલિ પાઠવીને સૈનિકના પરિવારના પડખે ઊભા રહ્યા હતા. જવાનની અંતિમયાત્રામાં ચૂંટણીઓમાં વ્યસ્ત એવા એક પણ રાજકારણી કે નેતાઓ આવ્યા ન હોતા. જેની નોંધ લોકોએ પણ લીધી હતી.