ગૃહપ્રવેશની વિધિમાં નવવધૂના હાથમાં ચીઠ્ઠી આવી અને શરૂ થયો ધ્રુજાવી જેતો સિલસિલો

વડોદરામાં અંધશ્રદ્ધાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના આજવા રોડ પર રહેતા પરિવારના યુવકના તાજેતરમાં લગ્ન કર્યા હતા. લગ્નમાં કન્યા પક્ષે દાગીના તેમજ ઘર ઉપયોગી સરસામાન સહિતની ભેટ-સોગાદો આપી હતી. આંખમાં સોનેરી સંસારના સપના જોતી દુલ્હન પતિની સાથે સાસરીમાં આવી હતી. ગૃહ પ્રવેશ બાદ દંપતીને સામાજિક રિવાજ મુજબ એક રમત રમાડવામાં આવી હતી. જેમાં ચોખામાં પતિ-પત્નીએ હાથ નાખી ચિઠ્ઠી શોધવાની હતી. રમતમાં કોના હાથમાં ચીઠ્ઠી આવે છે તે ઉપરથી શુભ-અશુભની કાલ્પનિક જાણકારી મેળવાય છે. આ રમતમાં નવવધુના હાથમાં ચીઠ્ઠી આવતા અશુભ માની સાસુ અને નણંદે વહુને ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. આખરે પરિણીતાએ અભયમને જાણ કરતાં ટીમે પરિવારને સમજાવ્યા હતા અને સમાધાન કરાવ્યું હતું.

લગ્ન કરીને ગૃહપ્રવેશ કર્યા બાદ સામાજિક પ્રણાલી મુજબ નવવધૂ વચ્ચે એક નિર્દોષ રમત રમાડવામાં આવતી હોય છે. જેમાં કેટલાક લોકો કંકુવાળું પાણી ભરેલી થાળીમાંથી વીંટી શોધી ઘરમાં કોનો હાથ ઉપર રહેશે તે અંગે ધારણા કરી લેતા હોય છે. વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા એક પરિવારમાં અનોખો રીતિરીવાજ છે. જે મુજબ વાસણમાં મુકેલા ચોખામાં નવયુગલે હાથ નાખવાનો હોય છે. જેમાં કન્યાના હાથમાં ચિઠ્ઠી આવે તો તે અશુભ ગણાય છે. પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના આજવા રોડ પર રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકના તાજેતરમાં અમિતા નામની યુવતી સાથે સામાજિક રિવાજ મુજબ ધામધૂમથી લગ્ન થયા હતા. લગ્ન બાદ ગૃહ પ્રવેશ દરમિયાન જ્ઞાતિના રીવાજ પ્રમાણે ચિઠ્ઠી સંતાડવામાં આવી અને બાદમાં રમત શરૂ થઇ.

જેમાં અમિતાના હાથમાં ચોખા મુકેલી ચિઠ્ઠી આવી જતા મારા સાસુ અને નણંદ જોર જોરથી પોક મુકીને રડવા લાગ્યા હતા. એટલું જ નહીં તેમણે નવવધુને કહ્યું હતું કે, તું કમભાગી છે, જેથી અમારા પરિવારને ખૂબ મોટુ નુકસાન થશે. હવે પછી તારા પિયરમાંથી અમારે ઘરે કોઈ આવવું જોઈએ નહીં. સાસરિયાના સભ્યોએ વધારે દહેજ લાવવા ફરમાન પણ કરી દીધું. લગ્નનાં દિવસે સાસરીવાળાના વર્તનથી નવવધુ ખુબ દુઃખી થઇ હતી અને તેના સપનાં રોળાઈ ગયા હતા.

નવા જીવનની શરૂઆતથી જ સાસુની કાનભંભેરણીથી પતિ અમિતાને મારતો હતો. અને પિયરમાંથી દહેજ લઇને આવવા માટે દબાણ કરતો હતો. સાસરિયાના ત્રાસથી અમિતાએ અભયમની મદદ લીધી હતી. અભયમ ટીમે અમિતાના સાસરીયાઓને અંધશ્રદ્ધામાંથી ઉગાર્યા હતા અને સાચી સમજ આપી હતી. બાદમાં સાસરિયાઓને ભૂલ સમજાતા માફી માગી હેરાનગતિ ન કરવા ખાતરી આપી હતી.

અભયમની ટીમે સાસરિયાંને સમજાવતા કહ્યું હતું કે, રૂઢિચુસ્ત માન્યતા જડ હોય છે અને આવી પ્રણાલી કોઈ પણ રીતે સાચી હોતી નથી. આ પ્રકારની માનસિકતાથી પુત્ર અને વહુનો ઘરસંસાર ન બગાડવો જોઇએ. આ ઉપરાંત વહુને આ પ્રકારે હેરાન કરવી તેમજ દહેજ લાવવા માટે દબાણ કરવું તે પણ કાયદેસર રીતે ગુનો બને છે. આમ અભયમે વધુ એક ઘરને તૂટતું બચાવી લીધું.