અમરેલીમાં 22 વર્ષીય મહિલાએ એક સાથે ચાર-ચાર બાળકોને જન્મ આપ્યો, પરિવાર ખુશખુશાલ

કહેવાય છે કે ઉપરવાળો જ્યારે પણ આપે છે દીલ ખોલીને આપે છે. આવો જ કંઈક કિસ્સો અમરેલીના રાજુલામાં સામે આવ્યો છે. રાજુલામાં એક આશ્ચર્યજનક ઘટના બની છે. એક 22 વર્ષીય માતાએ એક સાથે ચાર ચાર તંદુરસ્ત બાળકોને જન્મ આપતા તબીબો પણ આશ્ચર્યમાં મુકાયા છે. બાળકોના જન્મ બાદ માતા અને તમામ બાળકોની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

રાજુલમાં રહેતા રેશ્માબેન સેલોત નામની મહિલાની રાજુલાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ કરવામા આવી હતી. પ્રસુતિ પહેલા મહિલાની તબિયત સ્થિર હોવા છતા તબીબો દ્વારા સાવચેતી પૂર્વક પ્રસુતિ કરાવવામા આવી હતી. 22 વર્ષીય મહિલાએ એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો હતો.

તબીબોના જણાવ્યા મુજબ બાળકોના જન્મ બાદ તમામ બાળકો અને માતાની તબિયત સ્થિર છે અને તમામ તંદુરસ્ત છે. હાલ તમામ બાળકોને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામા આવ્યા છે.

સેલોત પરિવારમાં આજે એક સાથે નવા ચાર સભ્યોનું આગમન થતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. 22 વર્ષીય માતાએ એક સાથે ચાર ચાર તંદુરસ્ત બાળકોને જન્મ આપતા તબીબો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. અલ્તાફભાઈ અને રેશ્માબેન સેલોતના ઘરે પ્રથમ સંતાનની રાહ જોવાઈ રહી હતી. ત્યારે કુદરતે એક બે નહીં પણ એક સાથે ચાર ચાર સંતાનોનું સુખ આપ્યું છે.