પિતરાઇ ભાઈ-બહેનના પ્રેમ સંબંધનો કરૂણ અંત, પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો

ભાવનગર જિલ્લાના સિહોર ગામ નજીક સગીર વયના બે પ્રેમી પંખીડાએ લગ્ન ન થઇ શકવાની બીકે ઘરેથી ભાગી ટ્રેનની નીચે પડતું મૂકી આપઘાત વ્હોરી લેતા સિહોર નજીક આવેલ રાજપરા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ બનતા પરિવારજનોમાં આક્રંદ છવાઇ ગયો હતો.

પિતરાઇ ભાઇ-બહેને​ ઘરેથી ભાગી ટ્રેનની નીચે પડતું મૂકી આપઘાત

સિહોરના નવાગામ ખાતે રહેતા ચેતન મેહુલભાઇ મકવાણા (ઉ.વ.17) તથા પ્રિયાંશી સતીષભાઇ મકવાણા (ઉ.વ.14) બંન્ને પિતરાઇ ભાઇ-બહેન વચ્ચે પ્રેમ સબંધ પાંગર્યો હતો. આ બંન્ને સગીર ભાઇ -બહેનને જેના પરિવારજનોની જાણ બહાર ઘણા સમયથી પ્રેમ સબંધ હતો જેમાં ચેતન મેહુલભાઇ મકવાણા ઘરેથી પોતે સાળંગપુર દર્શન કરવા જવાનું કહી ઘરેથી નીકળી ગયો હતો.

બંન્નેએ ટ્રેનની નીચે પડતું મૂકી પ્રેમ સંબંધનો કરૂણ અંજામ આપ્યો

જ્યારે સગીરા પ્રિયાંશી સતીષભાઇ મકવાણા તેના મામાના ઘર કરદેજ ગામે રહેવા ગઇ હતી જ્યાંથી ગામના મંદિરે દર્શન કરવા જવાનું કહી બંન્ને નિકળી ગયા હતા અને બંન્ને વચ્ચે પ્રેમ સબંધ હોય અને બંન્ને પિતરાઇ ભાઇ બહેન થતા હોવાથી બંન્નેના લગ્ન થઇ શકે તેમ ન હોય.

પરિવારજનો નહીં માને તે બીકથી બંન્નેએ વહેલી સવારે સિહોરના ખાખરીયાના પાટીયા પાસે ઓખાથી ભાવનગર આવી રહેલી ટ્રેનની નીચે બંન્ને એ પડતું મૂકી પ્રેમ સંબંધનો કરૂણ અંજામ આપ્યો હતો. બન્ને મૃતકને પી.એમ માટે ખસેડાયા હતા.જેની સિહોર પોલીસે તપાસ હાથ ધરી હતી.

પ્રેમી-પંખીડા થોડા દિવસ પહેલા જ ઘરેથી ગુમ હતા

બંન્ને પ્રેમી પંખીડા ગત તા. 19-3ના રોજ ઘરેથી મંદિરે દર્શન કરવાનું કહી નીકળી ગયા હતા. પરંતુ બંન્ને પિતરાઇ ભાઇ-બહેન થતા હોવાથી તેના પરિવારજનોએ પોલીસ મથકમાં ગુમ થયાની જાણ કરાઇ ન હતી.