2 વર્ષનું બાળક રમતા-રમતા સિક્કો ગળી ગયો, ગળામાં ફસાઈ જતાં ઉલ્ટી શરૂ કરી

સુરતના પાંડેસરામાં એક 2 વર્ષના રમતા બાળક અચાનક ઊલટીઓ શરૂ કરી બેભાન થઈ જતા 108માં સિવિલ ખસેડાયો હતો. તમામ પ્રકારના રિપોર્ટ બાદ એક્સ-રેમાં બાળકના ગળામાં ધાતુનો સિક્કો દેખાતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે બાળક ચલણી સિક્કા સાથે રમતું હતું. જોકે હાલ બાળકને ENT વિભાગમાં દાખલ કરી દેવાયું છે.

સંતોષ મોર્યા (માસૂમ બાળકના પિતા) એ જણાવ્યું હતું કે તેઓ યુપી બનારસના રહેવાસી છે અને સુરતમાં સંચા કારીગર તરીકે કામ કરી બે બાળક અને પત્નીનું ભરણ પોષણ કરી રહ્યા છે. આજે તેમનો નાનો દીકરો આદર્શ (ઉ.વ.2) ઘર બહાર રમતો હતો. અચાનક ઊલટીઓ થતા જોઈ માતા સુરેખાબેન ગભરાઈ ગયા હતા. તપાસ કરતા ખબર પડી હતી કે માતા એ રમવા માટે આદર્શને રૂપિયા એકનો સિક્કો આપ્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, ઉલટી બાદ બેભાન થઈ ગયેલા આદર્શને 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવતા અહીંયા તમામ પ્રકારના રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા. જોકે એક્સ-રેમાં આદર્શના ગળામાં કોઈ ધાતુનો સિક્કો ફસાઈ ગયો હોવાનું સ્પષ્ટ દેખાયું હતું. માતાએ કહ્યું કે આ રૂપિયા એકનો સિક્કો જ હોવો જોઈએ, જે એને રમવા આપ્યો હતો. આ સાંભળી ડોક્ટરોએ માસૂમ આદર્શને દાખલ કરી દીધો છે.

ડોક્ટરો નું કહેવું છે કે સિક્કો કાઢવા માટે પહેલા નરમ અને હલકા ખોરાકનો ઉપયોગ કરાશે જો એમ કરવાથી ન નીકળે તો પછી ઓપરેશનનો વિકલ્પ કરી શકાય, હાલ બાળકની તબિયત સારી છે એટલે એને મોઢા વડે જે પણ આપી શકાય એ ખોરાકથી સિક્કો પેટમાં લઈ જવાનું અને કુદરતી હાજત વડે બહાર કાઢવાનો પ્રયાસ કરાશે.