પરિણીત પ્રેમીપંખીડા હોટેલમાં હતા અને પોલીસ આવી, યુવાન બારમાંથી કૂદી ગયો

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરી ડેન સર્કલ પાસે આવેલી હોટલ અમીટીના બીજા માળેથી કૂદીને સુરતના ફેક્ટરી માલિકે આપઘાત કર્યો હતો. પ્રેમી બાદ આપઘાત કરવા જઇ રહેલી પ્રેમિકાને પોલીસે બચાવી દીધી હતી. સયાજીગંજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

રવિવારે બપોરે 449, ગઢપુર ટાઉનશિપ, સાસોદરા, તા.કામરેજ, જિ.સુરતના રહેવાસી અને સુરત લિંબાયત ખાતે કાપડની લૂમ્સની ફેક્ટરી ધરાવતો શરદ બેચરભાઇ ભીસરા(ઉ.30) રવિવારે બપોરે હોટલ અમીટીના રૂમ નં-102માં રોકાયો હતો. તેની સાથે તેની 24 વર્ષીય પરિણીત પ્રેમિકા પણ હોટલમાં રોકાઇ હતી. દરમિયાન 19 ઓક્ટોબરે ગુમ થયેલી યુવતીને શોધવા માટે આવેલી સુરત પોલીસ હોટલ ખાતે આવી પહોંચી હતી. પોલીસે દરવાજો ખખડાવતા ગભરાયેલા યુવાને બારીમાંથી કૂદકો મારી દીધો હતો. તેની પાસે યુવતી પણ મોતનો ભૂસકો મારવા માટે બારી સુધી પહોંચી હતી.

જોકે, યુવાનનો પડવાનો અવાજ સંભળાતા હોટલનો સ્ટાફ અને પોલીસ દોડી આવી હતી અને યુવતીને બચાવી લીધી હતી. સયાજીગંજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રેમી અને પ્રેમિકા બંને પરિણીત છે અને છેલ્લા દોઢ વર્ષથી બંને વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલતુ હતું. યુવાનને બે વર્ષની પુત્રી છે અને તે પરિવારનો એકનો એક દીકરો હતો. ઘટનાની જાણ થતાં સુરત ખાતે રહેતા યુવક અને યુવતીના પરિવારજનો દોડી આવ્યા હતા. યુવતીને લેવા માટે તેના પિતા આવ્યા હતા અને યુવકના મૃતદેહને લેવા માટે તેના મામા સહિતના પરિવારજનો આવ્યા હતા.